હિટ એન્ડ રન કેસમાં વળતર ચુકવવામાં રાજકોટ રાજ્યમાં મોખરે
રાજકોટ જિલ્લામાં 17 કેસમાં ઝડપી વળતર ચુકવવામાં આવ્યું
રાજકોટ : આજના ઝડપી યુગમાં અકસ્માતોનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને કડક કાયદો અમલમાં હોવા છતાં વાહન અકસ્માતના કિસ્સામાં અકસ્માત સર્જી વાહન ચાલકો નાસી જવાના કિસ્સા પણ વધ્યા છે ત્યારે સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી હિટ એન્ડ રનના કિસ્સામાં મળતા 50 હજારના વળતરને બદલે 2 લાખનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લામાં 17 કિસ્સામાં ઝડપી વળતર ચુકવવામાં આવતા રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે.
જિલ્લા કલેકટર કચેરીમાં રોડ સેફટી અંગેની બેઠક બાદ આરટીઓ કેતન ખપેડ અને અધિક કલેકટરે ગાંધીએ જણાવ્યું હતું કે, હાઇવે પર અકસ્માત કરીને ભાગી જનાર વાહન સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવે છે અને સરકારની કમ્પેન્સેશન ટુ વિક્ટિમ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ-૨૦૨૨ અમલમાં છે જેનો ઉપયોગ કરીને અજાણ્યા વાહનનો અકસ્માતમાં ભોગ બનેલાના પરિવારજનો વળતર સરકાર તરફથી ચુકવવામાં આવે છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં 17 કિસ્સામાં ઝડપથી વળતર ચુકવવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ની જૂની જોગવાઈ મુજબ અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ પામવાના કિસ્સામાં માત્ર રૂ.૨૫ હજાર જ્યારે ગંભીર ઇજા પામનારને રૂ.૧૨,૫૦૦ મળતા હતા પરંતુ એપ્રિલ-૨૦૨૨થી અમલમાં આવેલી નવી જોગવાઈ મુજબ મૃત્યુ પામનારના કિસ્સામાં રૂ..૨ લાખ અને ગંભીર ઇજા પામનારને રૂ.૫૦ હજાર વળતર મળે તેવી વ્યવસ્થા છે.