રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સરકારની આજે `અગ્નિપરીક્ષા’
એક આરોપી પકડવા માટે લૂકઆઉટ નોટિસ, ગેઇમ ઝોનને કાયમી
સ્ટ્રક્ચર ગણી કાર્યવાહી કરવા સહિતનું સોગંદનામું રજૂ કરતી સરકાર
પ્રથમ સુનાવણીમાં જે પ્રકારે સરકારની ઝાટકણી કાઢી
તેવી જ આ વખતે પણ નીકળે તેવી શક્યતા…
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને લઈને સરકારની હાઈકોર્ટમાં આજે અગ્નિપરીક્ષા થઈ જવાની છે. આજે આ મામલે હાઈકોર્ટ વધુ સુનાવણી કરવાની છે ત્યારે પ્રથમ સુનાવણી વખતે જ જે રીતે સરકારને ઝાટકી હતી તેવી જ આ વખતે પણ ફટકાર લગાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી બાજુ સરકાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી દેવામાં આવ્યું છે.
હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં સરકારે જણાવ્યું કે આ ઘટનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. અશોકસિંહ જાડેજા નામનો આ આરોપી વિદેશ ફરાર ન થઈ જાય તે માટે લૂકઆઉટ નોટિસ ઈશ્યુ કરાઇ છે.
સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે ગેઈમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણીને જ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કામચલાઉ અને કાયમી સ્ટ્રક્ચરને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે કેમ કે કામચલાઉ સ્ટ્રક્ચરને મંજૂરીની જરૂર રહેતી હોતી નથી. જો કે સરકાર ગેઈમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર જ ગણશે. આ મુદ્દે હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી શકે છે.
વધુમાં એમ પણ ઉમેરાયું છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૭ લોકોના મૃત્યુ થયા છે. પ્રારંભે ૨૮ મૃત્યુ થયાનું લાગી રહ્યું હતું પરંતુ ડીએનએ મેચ કરાયા બાદ ૨૭નો આંક સામે આવ્યો છે. આ ઘટના બન્યા બાદ ૫:૪૩ વાગ્યે ફોન આવ્યાની ત્રણ જ મિનિટમાં એટલે કે ૫:૪૮ વાગ્યે આગ ઓલવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. આ ઉપરાંત ૭૦થી ૮૦ લોકોના સ્ટાફ ઉપરાંત પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી પણ રાજકોટ પહોંચ્યા હતા.
સરકાર દ્વારા ઘટનાની તપાસ માટે `સીટ’ની રચના કરવામાં આવી હતી અને ૭૨ કલાકની અંદર પ્રાથમિક રિપોર્ટ મેળવાયો હતો. રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને વળચર ચૂકવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ગેઈમ ઝોન માટે કોઈ પ્રકારની મંજૂરી ન હોવાનું સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે. સરકારે એમ પણ જણાવ્યું કે ઘટના બાદ દરેક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને તમામ જગ્યાએ ચેકિંગ કરી કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.
હજુ ઘણા નિવેદન નોંધવાના બાકી: સીટે' વધુ સમય માંગ્યો સરકાર દ્વારા ઘટનાની બારીકાઈથી તપાસ કરવા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરાઇ હતી અને તેને ત્રણ દિવસની અંદર પ્રારંભીક અને ૧૦ દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ સોંપવા હુકમ કરાયો હતો. જો કે
સીટ’ ૧૦ દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરી ન શકતાં એક મહિનાનો સમય માંગ્યો છે. આ પાછળ એવું જણાવાયું છે કે ઘટના સાથે સંકળાયેલા ઘણા લોકોના નિવેદન નોંધવાના હજુ બાકી હોવાથી વધુ સમય અપાય. હવે સરકાર આ મુદ્દે નિર્ણય લેશે. બીજી બાજુ બુધવારે `સીટ’ રાજકોટ આવી રહ્યાની વાત હતી પરંતુ મોડે સુધી અધિકારી આવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.