થપ્પો દાવ રમવા બોલાવી 6 વર્ષના બાળક સાથે સગીરે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
રાજકોટમાં વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો
આંખે પાટો બાંધી 15 વર્ષીય પાડોશી સગીરે કૃત્ય આચરતા બાળકને દુખાવો ઊપડતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો : તાલુકા પોલીસે કરી કાર્યવાહી
રાજકોટમાં વાલીઓ માટે લાલબતી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાડોશમાં રહેતા 15 વર્ષીય સગીરે 6 વર્ષના બાળક સાથે થપ્પો દાવ રમવાનું કહી તેના આંખે પાટો બાંધી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું જેથી બાળકને દુખાવો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે. વિગતો મુજબ રાજકોટની ભાગોળે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં મુળ જસદણ પંથકના વતની એક પરિવારના છ વર્ષના પુત્ર કે જે ધો.1માં અભ્યાસ કરતો હોય તેની સાથે પાડોશમાં રહેતા 15 વર્ષના સગીરે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ મામલે ભોગ બનનારની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર છ વર્ષનો બાળક તેની મોટી બહેન સાથે ઘરે એકલો હતો. પાડોશમાં રહેતો 15 વર્ષનો સગીર તેના ઘરે આવ્યો હતો. અને સગીરે થપ્પો દાવ રમવાનું કહ્યું હતું. જેથી તેને બાળકને દાવ દેવાનું કહી તેના આંખે પાટો બાંધી દીધો હતો અને બાળકે દાવ દેવાનું ચાલુ કરતાં તેણે બાળકનું પેન્ટ ઉતારી કૃત્ય કર્યું હતું. જેથી બાળક રડવા લાગતાં છુપાવવા ગયેલી તેની બહેન પણ બાહર આવી હતી.અને બાળકને રડવા બાબતે પૂછતાં સગીરે દાવ નથી દેવો એટલે રડે છે. તેમ જણાવી પોતે ઘરે ચાલ્યો ગયો હતો. જ્યારે રાત્રિના બાળકને દુખાવો થતાં તેને માતા-પિતાને આપવીતી જણાવી હતી. અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બાળકની માતાનું નિવેદન નોંધી ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી.