અટલ સરોવરમાં `ખાયકી’નું સ્માર્ટ કૌભાંડ: ખાણીપીણીમાં ૪૦% કમીશન !!
એજન્સીએ કોઈની મંજૂરી લીધા વગર અટલ સરોવરની અંદર રેંકડી-ફૂડ વ્હીકલનો ખડકલો કરાવી દીધો, દરેકની ઉપર માણસો ગોઠવીને કેટલો ધંધો થાય છે તેનું રખાતું ધ્યાન
૨૦ રૂપિયામાં વેચાતી પાણીપૂરીની ડીશ ત્યાં ૪૦ રૂપિયામાં વેચાય છે’ને તેમાંથી ૧૬ રૂપિયા એજન્સી કમિશન તરીકે જમી જતી હોવાનો પર્દાફાશ
ભેળના ૫૦, ચનાજોરના ૫૦, દહીંવડાના ૬૦, બ્રેડપકોડાના ૫૦, સમોસાના ૫૦ રૂપિયા ભાવ કેમ કે જેટલો ધંધો થાય તેમાંથી ૪૦% કમિશન આપવું ફરજિયાત !
રામ કી ચીડિયા…રામ કા ખેત…આ કહેવત રાજકોટ માટે નવલું નઝરાણું બનેલા અટલ સરોવર-રેસકોર્સ-૨ ઉપર બરાબરની ફિટ બેસતી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારથી સરોવર ખુલ્લું મુકાયું છે ત્યારથી લઈ આજ સુધીમાં અહીં તરેહ-તરેહના વિવાદો જન્મ લઈ ચૂક્યા છે. ટિકિટ ખરીદીની વાત હોય કે પછી અંદર અપાયેલી વ્યવસ્થાની વાત હોય દરેક ઉપર પ્રશ્નાર્થ મુકાયા વગર રહેતું નથી. આ વિવાદો જાણે કે ઓછા હોય તેવી રીતે હવે અહીં ખાયકી'ના સ્માર્ટ કૌભાંડનો પર્દાફાશ
વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યો છે. અટલ સરોવર પર કરાયેલા `રિયાલિટી ચેક’માં એવો ખુલાસો થયો છે કે એજન્સી દ્વારા નિયમ વિરુદ્ધ જઈને ખાણીપીણીની રેંકડીઓ તેમજ ફૂડ વ્હીકલને અંદર ઉભા રહેવાની મંજૂરી આપી દેવામાં આવી છે સાથે સાથે તેમની પાસેથી ૪૦% કમીશન લેવામાં આવી રહ્યું છે !!
રંગીલા રાજકોટવાસીઓ માટે બહુ ટૂંકા ગાળામાં અટલ સરોવર ફેવરિટ બની ગયું છે એટલા માટે લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. સ્વાભાવિક પણે ફરવા જનારા લોકો ત્યાં ખાણીપીણીની વસ્તુઓની ખરીદી કરવાના છે જેનો લાભ લઈ એજન્સી દ્વારા ખાયકી કરવાની ગોઠવણ કરી લેવામાં આવી અને એક પછી એક રેંકડી-ફૂડવાન અંદર ઉભી રહેવાનું શરૂ કરી દેવાયું હતું.
`વોઈસ ઓફ ડે’ દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં અટલ સરોવરની અંદર પાણીપૂરીની એક પ્લેટ ૪૦ રૂપિયામાં વેચાતી હતી જે શહેરમાં ૨૦ કે ૨૫ રૂપિયામાં મળે છે. જો કે અટલ સરોવરમાં ૪૦ રૂપિયાની એક પાણી પૂરીની પ્લેટ વેચાય એટલે તેમાંથી ૪૦% લેખે ૧૬ રૂપિયા કમિશન એજન્સી જમી જતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ જ રીતે ભેળના ૫૦ રૂપિયા, ચનાજોરના ૫૦ રૂપિયા, દહીંવડાના ૬૦, બ્રેડ-પકોડાના ૫૦, સમોસાના ૫૦ રૂપિયા ભાવ વસૂલાઈ રહ્યો છે જે તમામનું વેચાણ થાય એટલે તેમાંથી ૪૦% કમિશન એજન્સી ધંધાર્થીઓ પાસેથી લઈ લ્યે છે.
વળી, કઈ રેંકડી-ફૂડ વાન ઉપર કેટલો ધંધો થાય છે તેના ઉપર નજર રાખવા માટે એજન્સીએ જ ૧૨થી ૧૩ જેટલા લોકોને ગોઠવી દીધા હોવાનું અને તેના દ્વારા જ હિસાબ-કિતાબ કરાતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એકંદરે અહીં એજન્સી દ્વારા રેંકડીઓ-ફૂડવાનને ઉભા રહેવા બદલ કોઈ ભાડું નથી વસૂલાતું બલ્કે ધંધામાંથી ૪૦% લેવાય છે. એકંદરે એજન્સીએ ગરીબ ધંધાર્થીઓ સાથે રીતસરની `ભાગીદારી’ કરી લઈને ખીસ્સા ભરવાનું હિન કૃત્ય કર્યું છે.
આ પ્રકારે અંદર ઉભા રહેવાની કોઈ મંજૂરી નથી, કાર્યવાહી કરાશે
અટલ સરોવરમાં ચાલી રહેલા `ખાયકી કૌભાંડ’ અંગે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારે અટલ સરોવરમાં ઉભા રહેવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. એજન્સીને નોટિસ ફટકારી આકરી કાર્યવાહી કરવામાં આવશે.
અમારે બમણો ભાવ લેવો જ પડે કેમ કે ૪૦% આપવા પડે છે !વોઈસ ઓફ ડે' દ્વારા અટલ સરોવરમાં ઉભા રહીને ભેળ, સમોસા, દહીંવડા સહિતની વાનગીનું વેચાણ કરતાં ધંધાર્થીને ડબલ ભાવ અંગે પૂછવામાં આવતાં તેણે
ઑન કેમેરા’ કહ્યું હતું કે અમારે બમણો ભાવ લેવો જ પડે કેમ કે એજન્સીને ૪૦% કમિશન આપવું પડે છે. છેલ્લા પંદર દિવસથી અમે આ રીતે કમીશન ચૂકવી રહ્યા છીએ.
પાર્કિંગમાં પણ રમત', પૈસા લઈને કોઈ પ્રકારની પહોંચ નહીં !
અટલ સરોવર દૂર હોવાથી સ્વાભાવિક પણે લોકો પોતાનું ટુ અથવા ફોર-વ્હીલર લઈને જ જવાના છે ત્યારે પાર્કિંગમાં પણ
રમત’ કરવામાં આવી રહી છે. અહીં પાર્કિંગના પૈસા લઈને કોઈ પ્રકારની પહોંચ આપવામાં આવતી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
લેઝર-શોના પણ ૮૦ની જગ્યાએ ૯૦ ભાવ
અટલ સરોવરનું સૌથી મોટું નઝરાણું ગણી શકાય તેવા લેઝર-શોના ભાવમાં પણ ૧૦ રૂપિયાનો વધારો પાછલા બારણેથી ઝીંકી દઈને એજન્સી દ્વારા ૮૦ની જગ્યાએ ૯૦ રૂપિયા વસૂલાઈ રહ્યો હોવાની ફરિયાદ ત્યાં ફરવા ગયેલા લોકો દ્વારા કરવામાં આવી હતી.
પાણી બહારથી લઈ જવાની મનાઈ…અંદર ડબલ પૈસા ચૂકવીને ખરીદવાનું
આટઆટલી ગરમી હોવાને કારણે અટલ સરોવરમાં પાણીની માંગ રહેવી સ્વાભાવિક છે. જો કે એજન્સી દ્વારા બહારથી પાણી લઈ જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને અંદરથી ડબલ પૈસા ચૂકવીને ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે.