રૂ.130 કરોડની જમીન ખુલ્લી ! રાજકોટ સ્માર્ટ સીટી નજીક ડિમોલિશન
પશ્ચિમ મામલતદાર કચેરી દ્વારા પાંચ એકર જમીનમાં ઉભા થયેલા દબાણો હટાવાયા, 30 ઝુંપડા સાફ
રાજકોટ : રાજકોટના સ્માર્ટ સીટી નજીક આવેલ અંદાજે 130 કરોડની કિંમતની પાંચેક એકર સરકારી ખરાબાની જમીન ઉપર દબાણો ઉભા થઇ જતા પશ્ચિમ મામલતદાર રાજકોટ શહેર અને તેમની ટીમે ગુરુવારે સવારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 30 ઝુંપડા સહિતના દબાણો તોડી પાડયા હતા.
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ શાંતિનગર નજીક રૈયા સર્વે નંબર 318ની સરકારી ખરાબાની જમીનમાં ઝુંપડા અને કાચા મકાન સહિતના વ્યાપક દબાણો ખડકાઈ ગયા હોવાથી પશ્ચિમ મામલતદાર મહેશ શુક્લ,સર્કલ ઓફિસર મહીરાજસિંહ ઝાલા, તલાટી શૈલેન્દ્રસિંહ રાણા, મયુર વઢવાણા, રોહિણીબેન લાડવા, સ્નેહલબેન ગઢવી સહિતની ટીમે ગુરુવારે સવારે બુલડોઝર સાથે ધસી જઈ અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતની ગણાતી પાંચેક એકર જમીન ખુલ્લી કરાવી દબાણોનો કડૂસલો બોલાવી દીધો હતો.