રથયાત્રાનો પ્રારંભ : ભગવાન મંદિરની બહાર ભક્તોને દર્શન આપવા નીકળ્યા
આખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે. જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યાં છે. સવારે 4 વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો. પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કરાવ્યો. આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે. મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા. ભક્તિના રંગમાં આજે સૌ રંગાઈ જશે અને જગતના નાથના વધામણા કરશે.
અમદાવાદમાં આજે 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીધોષ છે. તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઈતિહાસ રથયાત્રા કરતા પણ જુનો છે. અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે.
ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. એવું કહેવાય છે કે, 460 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી.
ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા. તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા. તેમણે પુરીની તર્જ પર અમદવાદમાં રથયાત્રાની શરૂઆત કરવી, આમ 2 જુલાઈ 1878ના રોજ અમદાવાદ સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે. અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે. મોસાળમાં ભગવાનનું મામેરુ થાય છે. મામેરામાં ભગવાનને સુંદર વાધા અને દાગીના ભેટ ધરવામાં આવે છે. ઉપરાંત રથયાત્રામાં આવેલા સંત – ભક્તો અને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમા મોટી સંખ્યામા ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે.