કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે આવી નવી પોલિસી, વાંચો
ભારત-કેનેડા વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેનેડામાં ભારત સહિતના વિદેશી સ્ટુડન્ટની સંખ્યા ઝડપથી વધતી જાય છે, પરંતુ અહીં કામકાજની સારી તકોની અછત હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓએ સસ્તામાં નોકરી કરવી પડે છે. વિગતો મુજબ કેનેડાના કેટલાક ઉદ્યોગો રીતસર શોષણખોર બની ગયા છે અને ભારત તથા બીજા દેશના સ્ટુડન્ટનો ઉપયોગ સસ્તા મજૂર તરીકે કરે છે. આ તરફ હવે ખુદ કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જ આ મુદ્દો ઉઠાવ્યો છે.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું કે, ટેમ્પરરી વિદેશી લેબર અને વિદેશી સ્ટુડન્ટ્સ પર ઘણી કંપનીઓ અને બિઝનેસ વધારે પડતા આધારિત છે. હવે તેને રોકવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. અહી નોંધનિય છે કે, કેનેડામાં વિદેશી સ્ટુડન્ટને દર અઠવાડિયે ઓફ કેમ્પસ 40 કલાક કામ કરવાની મંજૂરી છે, પરંતુ હવે કામના કલાકોમાં મોટો કાપ આવે તેવી શક્યતા છે. માર્ક મિલર આ કારણથી જ ગયા મહિને વિદેશી સ્ટુડન્ટને અપાતા વિઝા પર પણ અંકુશ લાગુ કર્યો હતો. આ વર્ષે અગાઉની તુલનામાં 35 ટકા ઓછા લોકોને કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપાશે. હવે તેઓ સ્ટુડન્ટ ઓફ-કેમ્પસ કેટલા કલાક કામ કરી શકે તે માટેના કડક નિયમો લાદશે. આ ઉપરાંત કેનેડા સરકાર ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ વિશે પણ ફેરવિચાણા કરશે.
શું કહ્યું માર્ક મિલરે ?
કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું કે, આપણને ટેમ્પરરી ફોરેન વર્કર્સ પાસેથી કામ કરાવવાની આદત પડી ગઈ છે. કોઈ પણ મોટી ઈન્ડસ્ટ્રી હશે તે ગમે તેમ કરીને ખર્ચ બચાવવા માટે પ્રયત્ન કરશે. તેઓ પોતાનો લેબર કોસ્ટ ઘટાડવા માગે છે. પરંતુ આ મુદ્દે હવે ચર્ચા થવી જોઈએ.
કેનેડામાં વિદેશી સ્ટુડન્ટ અને વર્કર્સના કારણે વસતી વધી
મહત્વનું છે કે, કેનેડામાં વિદેશી સ્ટુડન્ટ અને વર્કર્સના કારણે વસતી વધી છે, પરંતુ તેના પ્રમાણમાં આવશ્યક ચીજોનો સપ્લાય નથી વધ્યો. આ કારણથી જ અહીં મકાનોના ભાવ અને ભાડા અત્યંત વધી ગયા છે. તેની સામે એટલા પ્રમાણમાં રોજગારી નથી મળતી. જસ્ટિન ટ્રુડો સરકારની આ મામલે ઘણી ટીકા થઈ છે. અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોમાં ગેરકાયદે ઘૂસી આવેલા ઈમિગ્રન્ટ્સની સમસ્યા છે ત્યારે કેનેડાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે સીધે સીધી ઘૂસણખોરી કરવી સરળ નથી. તેથી આ બાબતમાં કેનેડાને ઘણી રાહત છે. આમ છતાં અહીં મોટી સંખ્યામાં ટેમ્પરરી વર્કર્સ આવી રહ્યા છે જેઓ ખેતરોમાં અને કારખાનામાં કામ કરે છે. અથવા તેઓ સ્ટુડન્ટ વિઝા પર આવે છે અને ભણવાના બદલે ગમે ત્યાં કામ પર લાગી જાય છે.
તો આ કારણે કેનેડામાં વસ્તુઓ થઈ મોંઘી ?
મહત્વનું છે કે, કેનેડામાં હાલમાં 25 લાખથી વધારે નોન-પર્મેનન્ટ રેસિડન્ટ છે જે દેશની કુલ વસતીના 6 ટકા જેટલા થાય છે. કેનેડાના સ્થાનિક લોકો પોતાની વધતી વયના કારણે લેબર ફોર્સમાંથી નીકળતા જાય છે જ્યારે ભારત સહિતના દેશોમાંથી આવેલા લોકો તેમનું સ્થાન લઈ રહ્યા છે જેને કારણે કેનેડાનું તંત્ર ચાલતું રહે છે. આ રીતે સ્ટુડન્ટ્સ અને વિદેશી વર્કર્સ ઉપયોગી છે પરંતુ તેના કારણે મકાનોની તંગી સર્જાઈ અને બધી ચીજોના ભાવ વધી ગયા હોવાથી ટ્રુડોની લોકપ્રિયતાને અસર થઈ છે.
તો શું હવે ઓફ-કેમ્પસ કામના કલાક ઘટશે ?
કેનેડામાં મિલરે સૌથી પહેલા તો સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મુક્યો છે. આ માટે બે વર્ષ સુધી લિમિટેડ સંખ્યામાં સ્ટુડન્ટ વિઝાની પરમિટ ઈશ્યૂ કરવામાં આવશે. હવે તે સ્ટુડન્ટનો કેમ્પસ બહાર કેટલા કલાક કામ કરવા દેવા તે મુદ્દે પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે. અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓ દર અઠવાડિયે ઓફ-કેમ્પસ 40 કલાક કામ કરી શકતા હતા. મિલર કહે છે કે, હવેથી સ્ટુડન્ટ 20 કલાકથી વધારે પરંતુ 40 કલાકથી ઓછું કામ કરી શકશે. તેમણે કહ્યું કે હવે ટેમ્પરરી ફોરેન વર્ક પ્રોગ્રામ વિશે પણ ફેરવિચારણા કરવામાં આવશે. તેથી કંપનીઓ જરૂર પડે ત્યારે લિમિટેડ વિઝા પર બહારના લોકોને કામ પર હાયર નહીં કરી શકે.