મોદી 3.O સરકારનું બજેટ ‘સિટીઝન ફર્સ્ટ’સાકાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વિકસિત ભારત @ ૨૦૪૭ માટે રાજ્યોને પણ સંપૂર્ણ વિકસિત બનાવવામાં આ સર્વસમાવેશી- સર્વગ્રાહી બજેટ મહત્વપૂર્ણ બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી 3.O સરકારના આ વર્ષના બજેટને વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના જગાવનારું બજેટ ગણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની જનતા જનાર્દન ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની આશા આકાંક્ષા પુરી પાડનારા આ બજેટને ‘સિટિઝન ફસ્ટ’ બજેટ તરીકે સમગ્ર ગુજરાત વતી આવકાર્યું હતું.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને વેગ આપતું આ બજેટ છે.તેમાં એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સ ચાર એન્જિનને ગતિ માટેના મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે.
નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીથારમણએ કેન્દ્ર સરકારનું સતત આઠમું બજેટ વડાપ્રધાનના દીશાદર્શનમાં પ્રસ્તુત કર્યું તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ આ બજેટમાં મધ્યમ વર્ગ માટે અભૂતપૂર્વ કર લાભની કરવામાં આવેલી જાહેરાતથી મધ્યમવર્ગની બચતમાં વધારો થશે, વ્યવસાયિક વૃદ્ધિને ઉત્તેજન મળશે અને રોકાણ વધારવામાં મદદ મળશે, વધુ રોજગારીનું સર્જન થશે અને સમગ્ર રાષ્ટ્રને ફાયદો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે, ઇન્કમટેક્સના નવા સ્લેબને કારણે દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગોને મોટી રાહત મળશે, આ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહિલાઓ, SC અને ST ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને પહેલી વાર વ્યવસાય કરી રહેલા લોકો માટે ખાસ જોગવાઈઓ એ સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા તરફ એક આવકારદાયક પગલું છે એમ તેમણે ઉમેર્યુ હતું