ધો. ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ પરિણામ અંગે ખોટી ચિંતા ન કરતા
બોર્ડની પરીક્ષાનું પરિણામ હળવુ આવશે
CBSEની પેટર્ન ઉપર જ પરિણામ જાહેર કરવા નિર્ણય
ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારની કવાયત
ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા નજીક આવી રહી છે અને વિદ્યાર્થીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે ત્યારે પરીક્ષાના પરિણામ અંગેની વિદ્યાર્થીઓની ચિંતા હળવી થાય તેવા સમાચારો બહાર આવ્યા છે. સરકારે આ વખતે બંને પરીક્ષાના પરિણામ હળવા આપવાનો નિર્ણય લીધો છે. જે રીતે CBSEનું પરિણામ આવે છે તે જ રીતે પરિણામની ટકાવારી ઉંચી રાખવામાં આવશે. ઘણી વખત આકરા પરિણામને લીધે અભ્યાસ છોડી દેવાની ટકાવારી વધી જાય છે. આ સ્થિતિ ટાળવા માટે આ વખતે પરિણામ હળવું આપવાનું નક્કી કરાયું છે.
આમ તો ગત વરસે જ સારું પરિણામ આપવાની શરૂઆત થઇ ગઈ હતી. ધો. ૧૦નું પરિણામ ૮૨.૫૬ ટકા અને ધો. ૧૨નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા આવ્યું હતું. જયારે સામાન્ય પ્રવાહનું ૯૧.૯૩ ટકા આવ્યું હતું. ઘણા લાંબા સમય પછી આવુ હળવું પરિણામ આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર આ ટકાવારીમાં હજુ વધારો થાય તેવું ઈચ્છી રહી છે.
વધુ કડકાઈથી પેપર ચક્સવા અથવા પરિણામ ઓછું આપવું એ શિક્ષણના ઉચ્ચતમ સ્તરની નિશાની નથી ઉલટાનું ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે તેવો મત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યક્ત કર્યો છે. ૨૦૨૨ અને ૨૦૨૩માં સરેરાશ ૬૫ ટકા પરિણામ આવ્યું હતું.આની સામે ૨૦૨૪નું ઊંચા પરિણામે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં મદદ મળી હતી.
શિક્ષણ વિભાગ આ વખતે ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ઉપર પણ ફોકસ કરી રહી છે. ગત વરસે જુદા જુદા જિલ્લાની લગભગ ૭૦ સ્કૂલોનું પરિણામ ઝીરો ટકા આવ્યું હતું. આ પ્રકારની સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે જુદી જુદી યોજનાઓ પણ બનાવી છે.
એક નિષ્ણાતે કહ્યું હતું કે, આજે જયારે વૈશ્વિક રીતે ઓપન બુક એક્ઝામનો વ્યાપ વધતો જાય છે ત્યારે આપણે વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરીએ એ વ્યાજબી નથી.
પ્રફુલ પાનશેરીયાએ કહ્યું હતું કે, સરકાર ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ અને ઊંચું પરિણામ એ આ દિશામાં પ્રથમ પગલું છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ શિક્ષિત હોવા જરૂરી છે અને તે માટે અમે અસરકારક પગલાં લઇ રહ્યા છીએ.
એક અન્ય નિષ્ણાતે કહ્યું હતું કે, બીજા રાજ્યોના બોર્ડની પરીક્ષાના પરિણામ સરેરાશ ૯૧ થી ૯૮ ટકા સુધી આવે છે જયારે ગુજરાતમાં તેનો દર ૫૪ થી ૬૪ ટકાની વચ્ચે જ રહ્યો છે. જો કે, ગત વર્ષથી પરીક્ષા પધ્ધતિમાં પણ ફેરફાર થવા લાગ્યો છે અને વિદ્યાર્થીઓને જુદા જુદા વિકલ્પ આપવામાં આવે છે. શિક્ષકો પણ પેપર ચકાસતી વખતે થોડા લિબરલ રહે છે.