નડિયાદમાં લઠ્ઠાકાંડ ?? 3 લોકોના દેશી દારૂ પીવાથી મોત થતાં હડકંપ, FSL રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં અવારનવાર દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળે છે ત્યારે નડિયાદમાં દેશી દારૂ પીવાથી 3 લોકોના મોત થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓનાં મોતની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે નડિયાદમાં લઠ્ઠાકાંડ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી.

નડિયાદ શહેરના જવાહરનગરના ફાટક પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા પર ગઈકાલે મોડી સાંજે દારૂ પીધા બાદ યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા,રવિન્દ્ર જીણાભાઈ રાઠોડ અને કનુ ધનજી ચૌહાણની તબીયત લથડી હતી અને લથડીયા ખાવા લાગતા નજીકના સ્થળ પર પડી ગયા હતા અને પરિવારજનોને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ત્રણેયને 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ત્રણ લોકોના મોત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલી સાથે છે. આ ઘટનાને પગલે ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતની ટીમનો કાફલો દોડી આવ્યો હતો. નડિયાદ ટાઉન પીઆઇ એમ.બી. ભરવાડના વિસ્તારમાં લઠ્ઠાકાંડ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરના એક બુટલેગરની અટકાયત કરી હોવાનું પણ બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં મૃતકોના સગા અને અન્ય લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ સમક્ષ રોષ વ્યકત કર્યો હતો. આ બુટલેગરને તાત્કાલિક પકડીને ધોરણસરની કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
એફએસએલના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ મામલે જ્યારે મૃતકોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા તો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં જાણકારી મળી કે મૃતકોના બ્લડમાં મિથાઈલ આલ્કોહોલ હતું જ નથી. ઉલ્લેખનીય છે કે મૃતકોના પરિજનો દાવો કરી રહ્યા છે કે દેશી દારૂ પીવાને કારણે આ લોકો ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ પામી ગયા હતા.