happy makar sankranti…બહુ ઊંચે રહેતો માણસ પતંગ ચગાવે કે ઝુલાવે ??
પતંગ એટલે તો માણસના સપનાનું પ્રતીક. માણસની ઊંચાઈની આકાંક્ષા પતંગમાં પરિણમે છે. પક્ષીઓને આકાશમાં ઉડતા જોઈને માણસને પતંગ ચગાવવા માટે પ્રેરણા મળી હશે. આકાશમાં હિલ્લોળા લેતો પતંગ અને ધરતી ઉપર તેના બીજા છેડાને પકડી રહેલી ફિરકી – બંનેનું એક દંપતી જેવું સાયુજ્ય છે. મનુષ્યની ઊંચાઈ પરત્વેની ફેન્ટેસી માણસને પતંગના પ્રેમમાં પાડે છે. દરેક માણસને ઉત્તુંગ શિખરો સર કરવા હોય છે. પતંગ તે કલ્પનાશીલ સપનાનું મૂર્ત સ્વરૂપ છે. એમાં પણ ધાબા ઉપર પતંગ ચગાવવા ચડ્યા હોઈએ ત્યારે પતંગનો દોરો હાથમાં હોય છે, નજર આકાશમાં ઊંચે હોય છે પણ ધ્યાન બાજુના મકાનની અગાશીમાં પેચ લડતું હોય છે. માણસના મનની ઈચ્છાઓ પરકાયા પ્રવેશ કરીને પતંગના કન્ને બંધાતું હોય છે.
દરેક ઉતરાયણ ઉપર આ પ્રકારની ફિલોસોફી રીપિટ થતી હોય છે. લેખકોને પતંગનું રૂપક બહુ ગમે. ઊંચે ઊડતા પતંગને લઈને કેટકેટલી કવિતાઓ ને ઉપમા અલંકારોના પ્રયોગો અને બોધપાઠનો વરસાદ આવે. ઉત્તરાયણમાં સૂર્યની ઉત્તર દિશા તરફ ગતિ ને ભીષ્મ પિતામહ ને દાનનો મહિમા હરહંમેશ યાદ કરવામાં આવે છે. પણ એક વાત તો સત્ય છે કે માણસની આકાશમાં પહોંચવાની અભિલાષા જ પતંગની શોધમાં પરિણમી. માણસની લઘુતાગ્રંથિનો ક્ષણાર્ધ માટે છેદ ઉડે એટલે પતંગ લઈ આવ્યો. પતંગ ન હોત તો માણસ હંમેશા પોતાને નીચો જ અનુભવી રહ્યો હોત. પણ જો ઊંધું હોત તો? માણસ ધરતી ઉપર નીચે નહી પણ પતંગની જેમ ઊંચે રહેતો હોત તો? તો એને પતંગ ચગાવવાનું મન થતું હોત?
અત્યારે પૃથ્વીની ઉપર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવકાશમાં તરતું રહીને ચકરાવા લે છે. ઈસરો ચંદ્ર અને મંગળ ઉપર યાન મોકલતું રહે છે. અમુક દાયકાઓ પછી મંગળ ઉપર નહી તો સ્પેસ સ્ટેશન જેવા ઘણા પ્લેટફોર્મ અવકાશમાં તરતા હશે. આમ પણ આપણે ‘ગગનચુંબી’ ઇમારતો બનાવવાની પાછળ પડ્યા છીએ. જ્યારે એનું સેચ્યુરેશન પોઇન્ટ આવી જશે ત્યારે માણસ વધુ લાંબી છલાંગ મારવા માટે ગગનમાં જ કોલોનીનું બાંધકામ શરૂ કરશે. ઘણી બધી વસાહતો હવાની ઉપરના સ્તરમાં તરતી હશે. એક નવી જ સંસ્કૃતિ પૃથ્વીની ઉપર ડેવલપ થઈ રહી હશે. એમાં વર્ષો કે સદીઓ પછી પહેલી પેઢી એવી આવશે જેનો જન્મ જ હવાની ઉપર અવકાશમાં થયો હોય. એ પેઢી અને તેની ભાવિ પેઢીઓમાં કુદરતી રીતે આપોઆપ એક કોમ્પલેક્ષ જન્મે – સૂપીરિયોરીટી કોમ્પલેક્ષ. ગુરૂતાગ્રંથી. વર્ણભેદની જેમ ભેદભાવ અહી પણ જન્મે. આકાશમાં તરતા પોતાને ઊંચા સમજે ને ધરતી ઉપર રહેનારા નીચલા વંચિતો! પછી?
પછી ઉપર રહેતા સમાજમાં પણ એ મુજબની બદીઓ પણ ઉદભવે. પછી એ સમાજના વડીલોમાં પણ ગિલ્ટ કોનશિયસનો આવિર્ભાવ થાય. પોતાના બાળકોમાં ‘સારા સંસ્કારનું’ સિંચન થાય એ હેતુસહ એ લોકો જુદી જુદી રીતે ઓનલાઇન કથા પણ બેસાડે અને અલગ અલગ એક્ટીવિટી કરાવે. એમાંથી એક રિવાજ શરૂ થાય – પતંગ ઝુલાવવાનો! હા, આકાશમાં પતંગ ચડે ત્યારે એને ચગાવવી કહીએ પણ જ્યારે આકાશમાં રહીને પતંગ નીચે મોકલવાની આવે ત્યારે એને પતંગ ડુકાવવી કે પતંગ ઝુલાવવી જ કહેવાય ને. આપણે પતંગની શોધ એટલા માટે કરી કે આપણને ક્ષિતિજની પેલે પાર જવાના અભરખા છે. આ આકાશી લોકો પતંગ એટલા માટે ઝુલાવશે કે એમને એવો બોધપાઠ આત્મસાત કરવાનો છે કે આપણી નીચે પણ કોઈ જીવો રહે છે. ત્યાંના બાળકોને સ્કૂલમાં ટીચર શીખવતા રહે કે વર્ષમાં એક તહેવાર એવો આવે છે જેમાં આપણે નીચે જોવાનું આવે છે, આપણી નીચે રહેતા જીવો પણ છે એના અસ્તિત્વનો સ્વીકાર કરવાનો અવસર છે, આપણે આપણી પતંગથી નીચે રહેતા લોકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો છે અને આપણે આપણા અભિમાનથી દૂર રહેવાનું છે.
નીચે પતંગ ઝુલાવવા માટે ખાસ કોઈ મહેનત ન કરવી પડતી હોય. વધુ નમ્રતા બતાવવા માટે લોકો લાંબીને લાંબી દોરીનો ઉપયોગ કરતા હોય. ફીરકી પકડનારીની જરૂર ન હોય. ઝૂલી રહેલો વાદળોને અડી જાય એટલે પતંગકર્મ પૂરું થઈ ગયેલું ગણાતું હોય. પતંગના પેચ લડાવવાની તો પ્રથા જ ન હોય પણ પતંગ જો કપાઈ જાય ને પાછો ન આવે તો એ અમુક સમાજમાં એ અપશુકન ગણાય અને તે અપશુકનને કવર કરવા માટે તેને સારું દાનકર્મ પણ ગણવામાં આવતું હોય. ત્યાં ઊંચી અટારીએ વસતા કવિઓ ને લેખકો ઊંડાણ ઉપર ગહન તત્વચિંતન કરવા માટે ફિલોસોફી ઠપકારવા માંડે. ઊંડી ગર્તાના નીચાણને પામવા માટે સર્જકો થોથાના થોથા લખી નાખે. ‘કાઇટ રનરને’ બદલે કદાચ ‘કાઈટ ડાઇવર’ શીર્ષક વાળી નવલકથા ઉપર લોન્ચ થાય એવું પણ બને.
માણસ ધરતી પરથી આકાશ તરફ મીટ માંડે અને આકાશ પરથી ધરતી તરફ નીચે નજર નાખે આ બે ઘટનાઓ વચ્ચે આભ જમીનનો ફરક રહે કે બંને એક જ થઈ જાય? માણસ પોતાની નિર્બળતા, અસફળતા, સપના, દંભ, મહેચ્છાઓ બધું તરત સાકાર કરવા માટે કેવો નીચે ઝુકી જાય કે ઊંચે ઉડવા જાવા નાખે?
પતંગ આકાશમાં ચગાવવી હોય તો પહેલી શરત એ છે કે માણસે નીચે રહેવું પડે. તે ભલે મકાનના ધાબા ઉપર ચડ્યો હોય પણ તેના પગ ધરતી સાથે જોડાયેલા હોવા જોઈએ. હવામાં ઊડતો માણસ પતંગ ચગાવી શકે નહિ. નિશાન ચૂક માફ પણ નહી માફ નીચું નિશાન. આ પ્રેરણાદાયી કહેવત આપણે ઘણી વખત સાંભળી છે. ઊંચે જોવું રહ્યું. દૂર સુધી જોવું રહ્યું. વિઝન મહાન રાખવું જોઈએ. દૃષ્ટિ ક્ષિતિજને પાર કરતી હોવી જોઈએ. તો ત્યાં સુધી પહોંચી શકાય. તેના માટે જાતે ન પહોંચી શકાય તો કંઈ નહિ આપણી પતંગ તો પહોંચાડી શકાય ને. પણ એના માટે નીચે રહેવું પડે. વાસ્તવિકતાની ધરતી ઉપર પગ રાખવા પડે. પતંગને બહુ દૂર સુધી મોકલવી હોય તો તે ચગાવવાનો કસબ પણ આવડવો જોઈએ. આવડત જોઈએ. કૌશલ્ય જોઈએ. કુશળતા શેમાંથી આવે? સ્વાધ્યયથી આવે. સ્વાધ્યાય એટલે પ્રેક્ટિસ. દસ પતંગો કપાય ત્યારે અગિયારમી પતંગ ચગી શકે. પહેલી જ પતંગ આકાશમાં સ્થિર રહે એવું જરૂરી નથી. પતંગને લઈને દોડવું પડે. આકાશમાં ઊંચે મૂકવી પડે. એના પછી એની દોરીના છેડાથી કંટ્રોલ કરી શકાય. ફક્ત ઊંચે ચગી જવું જ જરૂરી નથી. ત્યાં પહોંચીને સ્થિરતા પણ જાળવવી પડે. એના માટે પતંગના એક ખૂણે પૂંછડી પણ લટકતી હોવી જોઈએ. પવનની અપેક્ષા રાખી ન શકાય. હા. પવન હોય તો સરળતા રહે. બાકી એવી મહારથ હાંસિલ કરવી પડે કે સાદી હવામાં પણ પતંગ ચગે. આમ પણ વૈજ્ઞાનિક રીતે પતંગ ચગાવવા માટે પવન અનિવાર્ય નથી. અહી પવન એટલે નસીબ. નસીબ સાથ આપે તો ઘણું. પણ જો નિયતિનો સાથ ન હોય તો પુરુષાર્થ કરવો પડે.
ઉત્તરાયણ ઉપર આપણે દાન કરીએ છીએ ને કરવું જ જોઈએ. પણ સાથે થોડી પોતાની જાતને પણ પુશ કરીએ, ધક્કો મારીએ કે આખું નવું વર્ષ જુસ્સો જળવાઈ રહે ને સંતુલન બનેલું રહે.