ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઈડીના દરોડા : કુલ ૨૪ સ્થળે તપાસ
ચૂંટણીલક્ષી ગેરરીતિ માટે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરવાનો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ ઠેકાણે દરોડા પડ્યા છે. અહેવાલો મુજબ ચૂંટણીલક્ષી ગેરરીતિ માટે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરનાર માલેગાંવ સ્થિત વેપારી પર મની-લોન્ડરિંગની તપાસ માટે મહારાષ્ટ્રમાં દરોડા પાડવામાં આવ્યા છે, આ ઉપરાંત ગુજરાતમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં મળીને 24 સ્થળોએ તપાસ કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની જોગવાઈઓ હેઠળ તાપસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના થાણે, વાશી, માલેગાંવ અને નાસિક અને ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં વેપારીઓ પર અને શેલ કંપનીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ કેસમાં કથિત રીતે 125 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કે આ મામલો માલેગાંવમાં ચા અને ઠંડા પીણાની એજન્સી ધરાવતા વેપારી સિરાજ અહેમદ હારુન મેમણ દ્વારા ખોલવામાં આવેલા સંખ્યાબંધ બેંક ખાતા સાથે સંબંધિત છે. EDએ આ કાર્યવાહી માલેગાંવ પોલીસ દ્વારા નોંધાયેલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) ને આધારે કરવામાં આવી છે. સ્થાનિક યુવક જયેશ મિસાલ અને અન્ય 11 લોકોની ફરિયાદ પર મેમણ વિરુદ્ધ 7 નવેમ્બરના રોજ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો.
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મેમણ આ બેંક ખાતાઓનો ઉપયોગ ભંડોળના રૂટિંગ માટે કરી રહ્યો હતો. મેમણે કથિત રીતે નાસિક મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકમાં નવા વ્યવસાય શરૂ કરવાના બહાના હેઠળ કેટલાક લોકોના KYC દસ્તાવેજોના આધારે બેંક ખાતા ખોલાવ્યા હતા.
EDની તપાસમાં જાણવા મળ્યું છે કે નકલી દસ્તાવેજો અને નકલી KYC દ્વારા કથિત રીતે અનેક બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ ખાતાઓનો ઉપયોગ વોટ જેહાદના હેતુ માટે કરવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આવા કિસ્સાઓમાં, બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરીને જનપ્રતિનિધિત્વ અને લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
EDના સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદમાં 13 જગ્યાએ, સુરતમાં 3 જગ્યાએ, માલેગાંવમાં 2 જગ્યાએ, નાસિકમાં એક જગ્યાએ અને મુંબઈમાં 5 જગ્યાએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન વિવિધ દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે જે તપાસની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ મામલાને લઈને તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમને તપાસમાં સામેલ કરવામાં આવશે. આ સિવાય આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે બેંકિંગ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી કડક દેખરેખની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ કેસ ભારતીય લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા અને બેંકિંગ સિસ્ટમ સંબંધિત ગંભીર ચિંતાઓને પ્રકાશિત કરે છે. EDની તપાસનો હેતુ આવા કેસોની ઓળખ કરવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે જરૂરી પગલાં લેવાનો છે.