ચેન્નાઈ પોર્ટ પરથી ચીનથી આવેલો મોતનો સામાન ઝડપાયો : ૪૦ કરોડનો ગેરકાયદે માલ જપ્ત ; 5 લોકોની ધરપકડ
એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન, તેઓ ભારત સામે કોઈને કોઈ તોફાન કરતા રહે છે. આ વખતે ચીને પોતાના નવા તોફાન માટે જગ્યા બદલી નાખી છે અને એક નવા બંદરને પોતાના નિશાના પર લીધું છે. જોકે, એ વાત અલગ છે કે તે પોતાની યોજનાઓમાં સફળ થાય તે પહેલાં જ ભારતીય એજન્સીઓએ તેની આશાઓ પર પાણી ફેરવી દીધું. ચેન્નાઈ પોર્ટ પરથી ચીન દ્વારા મોકલાયેલ વિસ્ફોટક પદાર્થ અને હજારો ડ્રોન સહિતનો ગેરકાયદે જંગી જથ્થો જપ્ત કરી લેવાયો હતો. આ સાથે ૫ લોકોની ધરપકડ કરાઇ હતી. આ માલ રૂપિયા ૪૦ કરોડનો છે.
ઘોષણાપત્રક પર ઘરગથ્થુ અને પેકિંગ વસ્તુઓ જાહેર કરવામાં આવી હતી. પરંતુ, જ્યારે કન્ટેનર ખોલવામાં આવ્યું, ત્યારે તેની અંદરથી કંઈક બીજું બહાર આવ્યું. આ કન્સાઈનમેન્ટમાં 4240 ડ્રોન અને વાયરલેસ સેટ સહિત ઘણી વસ્તુઓ હતી, જે ગેરકાયદેસર રીતે લાવવામાં આવી હતી. એજન્સીએ આ માલની કિંમત આશરે 2.34 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવ્યો હતો.
આ કાર્યવાહીના ભાગ રૂપે, એજન્સીઓએ બંદર પરથી ગનપાઉડરનો મોટો જથ્થો જપ્ત કર્યો. આ પછી, માત્ર થોડા કલાકોમાં, એજન્સીઓએ ગેરકાયદેસર રીતે દાણચોરી કરાયેલ માલનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલી વસ્તુઓમાં વાયરલેસ સેટ અને ડ્રોન સેટનો પણ સમાવેશ થાય છે.
ખરાબ દાનત સાથે ભારતમાં મોકલવામાં આવી રહેલી સામગ્રીની કિંમત 40 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. ઇલેક્ટ્રોનિક આઇટમો તથા કોસ્મેટિક ચીજો અને ઇ સિગારેટનો જથ્થો પણ કબજે લેવાયો હતો.
થોડા દિવસો પહેલા, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ગનપાઉડર ભરેલું એક કન્ટેનર ચેન્નાઈ બંદર પર આવ્યું છે. માહિતી મળતાની સાથે જ, બ્રાંચનું જુથ એક્શનમાં આવ્યું અને કન્ટેનરની શોધમાં ચેન્નાઈ બંદરે પહોંચ્યું. લાંબી કવાયત પછી આ કન્ટેનર ઓળખાયું હતું.