ગણેશ ચતુર્થીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા અને સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિજીની પ્રતિમાને બદલે માટીના ગણેશજીની સ્થાપના કરવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે તેવા સમયે કોડીનાર દેવળી દેદાજી ગામના યુવાને પવિત્ર ગાય માતાના છાણ અને પ્રાકૃતિક જડીબુટ્ટીથી બનાવેલી ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ એ ખાસ આકર્ષણ જમાવ્યું છે.
ગાયના ગોબરમાંથી નિર્મિત “બાપ્પા”ની ઇકોફ્રેન્ડલી પ્રતિમા
દરેક લોકો દ્વારા પ્રકૃતિનું રક્ષણ થાય આને દરેક ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચય ની સાથે રેડીએશનમાંથી મુક્તિ મળે તે માટે કોડીનાર દેવળી (દેદાજી) ગામના યુવાન શૈલેષભાઇ પરમાર દ્વારા ખાસ ગાયના છાણ,માટી, ગુવારગમ અને મેંદાવડીનો ઉપયોગ કરીને ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી ગણપતિજી ની પ્રતિમા બનાવી છે. અને નહિ નફો નહિ નુકસાનનાં ધોરણે ગાયના છાણ માંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ વહેંચી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. યુવાન ના આ પગલાં ને પ્રકૃતિ પ્રેમીઓ એ બિરદાવ્યું હતું
ગાયના ગોબર (છાણ) માંથી બનેલી આ પ્રતિમા અન્ય રસાયણોમાંથી બનેલી મૂર્તિ કરતા પડતર કિંમત મોંઘી છે પરંતુ તે પ્રાકૃતિક ઈકોફ્રેન્ડલી હોવાને સાથે પરિવારને રેડીએશનથી મુક્ત રાખે છે તે માટે પણ ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિનું ચલણ ધીમે ધીમે ઊભુ થઈ રહ્યું છે.
પીઓપીની બનેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી
આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ માટે પણ લોકોમાં જાગૃતિ આવી છે.પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પ્રમાણમાં સસ્તી પડે છે પરંતુ તે પર્યાવરણ માટે હાનિકારક પણ એટલી જ બને છે.આ પીઓપીની બનેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી.મૂર્તિ પર કરેલા રંગો પણ રાસાયણિક હોય પાણી દૂષિત થાય છે. સમુદ્ર તેમજ નદી નાળાઓમાં પીઓપી ની મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીમાં રહેનારા જીવોને હાનિ પહોંચે છે જળચર જીવોને પણ ખૂબ નુકસાન કરે છે.સાથે સાથ ભગવાન ગણેશજીની મૂર્તિ વિસર્જન બાદ સમુદ્ર કિનારે રઝળતી જોવા મળે છે.તેની સામે આ યુવાને બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રકૃતિનું રક્ષણ કરતી અને જળચર જીવ માટે વિસર્જન બાદ ખોરાકનું એક માધ્યમ પણ બને છે પાણી માં ઓગળી પણ જાય છે. ત્યારે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ લોકોને ખરીદવી છે પરંતુ ગીરમાં આ પ્રકારની મૂર્તિ પહેલા મળતી ન હતી.હવે ગીરનાં જ એક યુવાને આ બીડું ઝડપ્યું છે.સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં માત્ર આ એકજ યુવાન શૈલેષ પરમાર અથાક મહેનત કરી ખુબજ વાજબી કિંમતે ઉર્જાવાન ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે.
સિવિલ કોન્ટ્રકટનો વ્યવસાય છોડી યુવકે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા નું શરૂ કર્યું
ગીર સોમનાથ જિલ્લાના સિવિલ કોન્ટ્રકટનો વ્યવસાય છોડી કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે પર્યાવરણ પ્રેમી શૈલેષભાઈ પરમાર પોતાની અઢળક આવક ધરાવતો સિવિલ કોન્ટ્રકટનો વ્યવસાય છોડી ગાયનાં ગોબર માંથી ઉર્જાવાન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા નું શરૂ કર્યું.મુંબઈ જેવું મેટ્રો સીટી છોડી ગીરનાં નાનકડા ગામમાં ગાયનું છાણ યોગ્ય માત્રામાં મળી રહે તે માટે રહેવા લાગ્યો પોતે અને તેમના ધર્મ પત્ની સાથે મળી મૂર્તિ ઉપરાંત અન્ય શ્રીયંત્ર,સૂર્ય યંત્ર,આસનો વગેરે અનેક વસ્તુઓ પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરી કુદરતી ઉર્જા સાથેની બનાવવાની શરૂઆત કરી.
એક મૂર્તિ બનાવવા માટે બે મહિના જેવો સમય લાગે
ગણેશોત્સવ દરમ્યાન ગણપતિજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની ખાસ માંગ રહે છે.2 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની ગાયના છાણ માંથી આ યુવાન મૂર્તિ બનાવે છે.એક મૂર્તિ બનાવવા માટે બે મહિના જેવો સમય લાગે છે.આ મૂર્તિ માં ગુવા રગમ પાવડર,ગાયનું ગોબર થોડી માટી વગેરેનો ઉપયોગ થાય છે.મૂર્તિ બને ત્યારે તેમાં ખાસ્સું વજન હોય છે સુકાઈ જતા તેનું વજન ઘટી જાય છે.
ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ઘરે પણ વિસર્જિત કરી શકાય
ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ઘરે પણ વિસર્જિત કરી શકાય છે. વિસર્જિત થયેલી મૂર્તિનું પાણી છોડને પણ આપી શકાય છે.ઈકો ફ્રેન્ડલી મૂર્તિ વિસર્જિત થવાને કારણે પર્યાવરણ ને બિલકુલ હાનિ તો પહોંચતી જ નથી વધારામાં ફાયદો થાય છે.સાથેજ શાસ્ત્રો નાં વર્ણન મુજબ ગોબર માં લક્ષ્મીજીનો વાસ હોવાને કારણે ગાયનાં છાણ માંથી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરે લાવવાથી ઘરમાં પણ લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ સમગ્ર પરિવાર ને રેડીએશન જેવા ભયાનક ખતરા થી મુક્ત પણ રાખે છે માટે આ ગાયના ગોબર માંથી બનેલી ગણપતિની પ્રતિમાઓ વિશેષ મહત્વ ધરાવે છે. તેવું મૂર્તિકાર શૈલેષભાઈ પરમાર એ જણાવ્યું હતું