રાજકોટના મોરબી રોડ ઉપર લંગરીયાથી ઝળહળતી ઝુપડપટ્ટી
વીજ ચોરી નહીં વીજ ધાડ
પીજીવીસીએલના એમડીનો દરોડાના આદેશ બાદ મોરબી સબ ડિવિઝન ટીમે ઝુપડપટ્ટી ધારકોને ભગાડી દીધા
રાજકોટ : રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલ રેલવે ઓવરબ્રિજ પાસે સરકારી ખરાબામાં ઉભી થઇ ગયેલ ઝૂંપડપટ્ટીમાં છેલ્લા છ માસ કરતા પણ વધુ સમયથી ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાંથી વીજ જોડાણ મેળવી આખેઆખી ઝુપડપટ્ટી ઝળહળા થા હોવાની ચોંકાવનારી ફરિયાદ પીજીવીસીએલના એમડીને મળ્યા બાદ એમડીએ મોરબી રોડ સબ ડિવિઝનની ટીમને તાકીદે દરોડા પાડવા દોડવતા વીજ ટીમે કડક કાર્યવાહી કરવાને બદલે ઝુપડપટ્ટી ધારકોને ભગાડી દઈ કાર્યવાહી કરી હોવાનું બતાવવા 200 મીટરથી વધુ વાયર કબ્જે કરી સંતોષ માન્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજની એક તરફ સરકારી ખરાબાની જગ્યામાં મોટી ઝુપડપટ્ટી વસી ગઈ છે અને આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ સ્થાનિક વીજતંત્રના કર્મચારીને સાધી લઈ છેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિજિયોનલ સેન્ટરને જ્યાંથી વીજ કનેક્શન આપવામાં આવ્યું છે તેવા ટ્રાન્સ્ફોર્મરમાંથી સીધું કનેક્શન મેળવી લઈ 200 મીટર સુધી જમીનમાં વાયર દાટી દઈ બાદમાં ઓવરબ્રિજની દીવાલે-દીવાલે વાયર ફિટિંગ કરી એક એક ઝૂંપડામાં વીજ કનેક્શન મેળવી લઈ લાંબા સમયથી વીજ ચોરી કરવામાં આવતી હોય આ બાબતે જાગૃત નાગરિકે પીજીવીસીએલના એમડી પ્રીતિ શાહને ફોટો સહિતના પુરાવા મોકલતા એમડીએ દરોડા પાડી તપાસના આદેશ કર્યા હતા.
બીજી તરફ પીજીવીસીએલના એમડીનો તપાસ અને દરોડાનો આદેશ છુટતા જ મોરબી રોડ સબ ડિવિઝન ટીમને મને કમને કાર્યવાહી માટે દોડવું પડ્યું હતું અને સ્થળ ઉપર જઈ કાર્યવાહી કરી હોવાનું દેખાડવા માટે વીજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવતા વીજ વાયરોનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો પરંતુ ઝુપડપટ્ટી તેમજ ઝુપડપટ્ટી નજીક આવેલ કેબિનોમાં લેવામાં આવેલ ગેરકાયદે વીજ જોડાણ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવાને બદલે ઝૂંપડપટ્ટીના રહીશો ભાગી ગયા હોવાનો રિપોર્ટ કરતા આશ્ચર્ય સર્જાયું છે.
નોંધનીય છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિજિયોનલ સેન્ટરને જે ટીસીમાંથી કનેક્શન આપવામાં આવ્યું હતું તે સ્થળે અવાર-નવાર ડીઓ ઉડતા હોય અનેક વખત પીજીવીસીએલની ટીમ અહીં રીપેરીંગ માટે આવતી હોવા છતાં ખુલ્લેઆમ ટીસીમાંથી જ ડાયરેક્ટ લેવાયેલ વીજ જોડાણ માટે શા માટે કાર્યવાહી કરવામાં ન આવી તે પણ મોટો સવાલ છે ત્યારે હાલમાં પીજીવીસીએલ દ્વારા હવે લંગરીયા ને બદલે ડાયરેક્ટ કનેક્શન મેળવી કરાતી વીજચોરી મામલે ટીસીને પીલ પ્રુફ કરી નાખવામાં આવ્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.