આરટીઓમાં હડતાળનો સુખાંત, રાજકોટમાં 330 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ
માસ સીએલની જાહેરાત બાદ સરકારે પ્રશ્ન ઉકેલવા ખાતરી આપતા ટેક્નિકલ સ્ટાફ કામે લાગી ગયો
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરના આરટીઓ વિભાગના ટેક્નિકલ કર્મચારી અને અધિકારીઓ પડતર પ્રશ્ન અંગે લડત શરૂ કરી ગઈકાલે નો લોગીન ડે બાદ મંગળવારે માસ સીએલ મુકવાની જાહેરાત કરતા જ સરકારે તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા હડતાળ સમેટાઈ ગઈ હતી. બીજી તરફ હડતાળ પૂર્ણ થતા જ રાજકોટ આરટીઓમાં તમામ કર્મચારીઓ કામે લાગી ગયા હતા અને એક જ દિવસમાં 180 ટુ વ્હીલર તેમજ 150 ફોર વ્હીલર ટેસ્ટ લઇ મોડી સાંજ સુધી કામગીરી કરી હતી.
આરટીઓ વિભાગના ટેક્નિકલ કર્મચારીઓની હડતાળના સુખાંત અંગે આરટીઓ કર્મચારી સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, નો લોગીન ડે લડત બાદ રાજ્ય સરકારે તુરંત જ આરટીઓના કર્મચારી અને અધિકારીઓની લડતને ગંભીરતાથી ધ્યાને લઇ આરટીઓ કર્મચારી અને અધિકારીઓના યુનિયનના હોદેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં યુનિયનના હોદેદારો સાથે વાટાઘાટો સફળ રહેવા પામી હતી.આ બેઠકમાં વાહનવ્યવહાર કમિશનર દ્વારા તમામ પ્રશ્નો વહેલી ટકે ઉકેલવા ખાતરી આપતા જ હડતાળ સમેટી લેવામાં આવી હતી,

બીજી તરફ રાજકોટમાં આરટીઓ કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા હડતાળ પૂર્ણ થતા જ તુરત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને અરજદારો હેરાન ન થાય તે માટે મોડી સાંજ સુધી કામગીરી ચાલુ રાખી હતી. રાજકોટ આરટીઓ કચેરીના ઇન્સ્પેકટર ભાવેશ શિંગાળાએ જણાવ્યું હતું કે, હડતાળ સમાપ્ત થયા બાદ રાજકોટ કચેરી ખાતે 180 ટુ વ્હીલર તેમજ 150 ફોર વ્હીલર લાયસન્સ માટેની ટેસ્ટ લઇ મોડી સાંજ સુધી કામગીરી કરવામાં આવી હતી.