ફળોના રાજાનું રાજકોટની બજારમાં ધમાકેદાર આગોતરું આગમન
રત્નાગિરી હાફૂસ, કેસર તેમજ કેરળની લાલબાગ અને તોતાની ધૂમ આવક
સામાન્ય રીતે ફેબ્રુઆરી માસના મધ્યભાગમાં આવતી હાફૂસ કેરી જાન્યુઆરીના અંતમાં જ આવી પહોંચી
રાજકોટ : ઉનાળાની સિઝન શરૂ થાય એટલે સ્વાદ શોખીનોને ફળોના રાજા કેરીનો સ્વાદ દાઢે વળગતો હોય છે, પરંતુ ઓણ સાલ ફળોના રાજા આગોતરા આવી પહોંચ્યા છે, સામાન્ય રીતે ફેબ્રુઆરી મધ્યભાગમાં આવતી કેરી આ વર્ષે જાન્યુઆરીના અંતમાં જ બજારમાં આવી ગઈ છે અને હાલમાં મુંબઈ તેમજ અમદાવાદથી દરરોજ રાજકોટ, જામનગર અને મોરબી સહિતના જિલ્લામાં ઢગલા મોઢે હાફૂસ સાથે કેસર, લાલબાગ અને તોતા કેરી મંગાવવા આવી રહી છે.જો કે, હાલમાં બજારમાં આગોતરી આવેલી કેરીના ભાવ જોતા સ્વાદ શોખીનોના ખિસ્સાને હાફુસ સહિતની કેરી થોડી ખાટી લાગી રહી છે.
ઉનાળાની સીઝન શરૂ થતા જ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોનું જમણનું મેનુ ચેન્જ થતું હોય છે ફળોનો રાજા કહો કે રાણી કેરીનું આગમન થતા જ નાના મોટેરા સૌ કોઈ રસ કે સ્લાઈસ કેરી સાથે બપોરનું ભોજન લેવાનું પસંદ કરતા હોય છે ત્યારે ઓણ સાલ રત્નાગીરી હાફુસ અને કેસર કેરીએ બજારમાં આગોતરું આગમન કરી જાન્યુઆરી માસના અંતમાં જ ફૂલ ફલેન્જમાં ઉપલબ્ધ બની છે. હાલમાં રાજકોટ ખાતે દરરોજ હાફુસ કેરીની 200થી વધુ પેટીની આવક ચાલુ થઇ ગઈ છે.
રાજકોટ ફ્રૂટ બજારની હોલસેલ માર્કેટ મેંગો માર્કેટમાં દરરોજ સવાર પડતા જ કાચી રત્નાગીરી હાફુસની 200થી વધુ પેટીઓની આવક ચાલુ થઇ ગઈ છે, હાલમાં રાજકોટ ખાતે મુંબઈ અને અમદાવાદ હોલસેલ માર્કેટથી હાફુસ કેરી આવે છે સાથે જ કેરળની લાલબાગ અને તોતા કેરીની પણ 100 જેટલી પેટીઓ રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ અને મોરબી પહોંચી રહી હોવાનું વ્યાપારીઓ જણાવી રહ્યા છે.
મહત્વનું છે કે, સ્વાદ સુગંધથી ભરપૂર રત્નાગીરી હાફુસ કેરીની 17થી 18 કિલોગ્રામ નેટ વજન વાળી પેટી 5,500થી 6000 રૂપિયાના ભાવે વેચાણ થઇ રર્હી છે, જો કે, મુંબઈ હોલસેલ માર્કેટમાં હાફુસ કેરી ડઝનના ભાવે વેચાણ થાય છે જેમાં 6 ડઝન કેરીના 6000 સુધીના ભાવ એક પેટીના બોલાઈ રહ્યા છે. જો કે, રાજકોટમાં હાલમાં રત્નાગીરી હાફુસ અને કેસર કાચી કેરી 250થી 350 રૂપિયા પ્રતિકિલોગ્રામના ભાવે વેચાણ થઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
દરમિયાન રત્નાગીરી હાફુસ અને કેસર કેરીના ઉંચા ભાવ સામે લોકોને બજારમાં 100થી 150 રૂપિયા પ્રતિકિલોના ભાવે કેરળની લાલબાગ તેમજ તોતા કેરી પણ મળી રહી છે, ખાસ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરીને ઓણસાલ માવઠાંનું વિઘ્ન નદી ગયું હોય કેસર કેરીને બજારમાં આવતા હજુ વિલંબ થાય તેમ હોવાનું પણ મેંગો માર્કેટના સૂત્રો જણાવી રહ્યા છે.