સૌરાષ્ટ્રમાં કરાં અને કરંટ સાથે માવઠું
-સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદથી ભારે નુકસાન
-ગુજરાતના ૨૧૨ તાલુકામાં વરસાદ
-વિજળીનાં કડાકાભડાકા સાથે તોફાની પવન ફૂંકાયો
-હજુ બે દિવસ આવું જ ટાઢુંબોળ વાતાવરણ રહેશે તેવી આગાહી
એક તરફ શિયાળાની શરૂઆત થઇ છે અને બીજી તરફ હવામાન ખાતાની આગાહી મુજબ જ આજે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે જોરદાર માવઠું થયુ છે. આ માવઠાની વિશેષતા એ છે કે તેમાં કરા પણ પડ્યા છે અને કરંટ પણ જોવા મળ્યો છે. આમ તો કરા પડવા એ નવી વાત નથી પરંતુ રાજકોટની ભાગોળે કુવાડવા રોડ ઉપર માલીયાસણ પાસે રોડ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હતી. આવી બરફ વર્ષા સામાન્ય રીતે કાશ્મીર અને શિમલા-મનાલીમાં જોવા મળતી હોય છે. રાજકોટવાસીઓએ આજે ચાલુ વરસાદે ત્યાં પહોચી જઈને આ બરફનો આનંદ માણ્યો હતો. રાજકોટ જ નહી પરંતુ વાંકાનેર અને કચ્છનાં કેટલાક ભાગોમાં પણ કરા પડયાના અહેવાલ મળ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, રાજ્યના ૨૧૨ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે અને હજુ બે દિવસ આવું જ વાતાવરણ રહે તેવી આગાહી પણ છે.
ભર ઉનાળે વરસ્યા બાદ હવે ચોમાસું ભરશિયાળે પણ આવ્યું છે. ગુજરાતમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ હતો, પરંતુ આજે સવારે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા, ગાજવીજ અને વીજળીના ચમકારાએ કેલેન્ડરના પાના ફેરવી ફરી જુલાઈ-ઓગસ્ટનો મહિનો પાછો આવ્યો હોય તેવો અનુભવ કરાવ્યો છે.
અમદાવાદમાં પણ સવારે નવેક વાગ્યાથી વરસાદી છાંટા અને તે બાદ અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બીજી રાજકોટ સાથે આજે લગભગ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણે અચાનક પલટો લીધો હતો. રાજકોટની આસપાસના અમુક વિસ્તારમાં બરફના કરા પણ પડ્યા હતા અને રોડ પર લોકો ગાડી ઊભી રાખી અને એ બરફની મજા પણ માણી રહ્યા હતા. વાંકાનેર ખાતે કારખાનાઓ તથા મકાનોમાં ભારે પવનને કારણે નુકસાન થયું હતું. સાથોસાથ ખેતી વિષયક પાકને મોટું નુકસાન થાય તેવી ભીતી સર્જાઈ છે.
સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો છે. અહીં સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં 46 મી.મી એટલે કે લગભગ બે ઈંચ આસપાસ વરસાદ વરસ્યો હતો. તાલાળા, વંથલી, પાટણ, વેરાવળ, માંગરોળ, લોધિકા, અમરેલી, ધારી, ભાવનગર, જૂનાગઢ શહેર, સુરત અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલો મળ્યા છે. સુરતના ઓલપાડ તાલુકાના અંભેટા ગામમાં ભારે તારાજી થઇ છે. ગામમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે, સાથે ભારે પવન ફૂંકાવવાના કારણે કેટલાય ઘરોના પતરાં ઉડ્યા છે, અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ છે.
વરસાદને લીધે સામાન્ય જનજીવનને થોડી ઓછી અસર થઈ હતી કારણ કે રવિવારની રજાને લીધે લોકો ઘરમાં હતા, પરંતુ ખેતીને ભારે નુકસાન થયું છે. અમુક પાકને બાદ કરતા મોટા ભાગના પાકને ઓછે વત્તે અંશે નુકસાન પહોચ્યું છે. હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી હોવાથી હજુ આવતીકાલે પણ આવો માહોલ સર્જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ત્રણ દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, આગાહીને લઇને રાજ્યમાં ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
દરમિયાન ભારે પવન ફૂંકાતો હોય માછીમારોને દરિયામાં ન જવાનું કહેવામાં આવ્યું છે. હજુ સુધી અણધારી વરસાદી આફતને લઈ કોઈ જાનહાનિના કેસ નોંધાયા નથી જોકે થોડા સમય માટે વાતાવરણ ભયાનક થયું હતું તેમ જ આકાશ કાળુ ડિંબાગ થતા સવારે પણ રાત જેવો અનુભવન થયો હતો.
હવે શું થશે
આજથી ગુજરાતમાં હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર આવ્યો છે જેના કારણે તાપમાનમાં ઓછામાં ઓછા 10 ડિગ્રી સુધી ઘટાડો થવાની આગાહી છે. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે સાઉથ અંદામાન સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે 29 નવેમ્બર સુધીમાં તે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે.