રાજકોટમાં સળગતી ઈંઢોણી સાથે બાળાઓ કરે છે માતાજીની આરાધના
આધુનિક યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખતા ગરબા મંડળો: દોઢ માસથી દીકરીઓ ઈંઢોણી રાસ માટે લઈ રહી છે તાલીમ
નવરાત્રિનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ પણ નવરાત્રીના રંગે રંગાયા છે. એક બાજુ પાર્ટી પ્લોટોમાં થતાં અર્વાચીન ગરબાની ઝાકમ ઝોળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીઓનું મહત્વ એટલું જ છે. આજના સમયે પાર્ટી પ્લોટમાં ડીજેને તાલે યુવાધન પાર્ટી પ્લોટમાં ગરબે ઘૂમતું હોય છે ત્યારે આજના આધુનિક સમયમાં પણ પ્રાચીન ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે. જેમાં ચાચર ચોક ઢોલ, તબલા, મજીરા અને લાઈવ ગરબા ગાઈને બાળાઓ દ્વારા ગરબા રમાય છે.
રાજકોટમાં મોટી ગણી શકાય તેવી 7 થી 10 જેટલી પ્રાચીન ગરબી થાય છે. જ્યારે શેરી-ગલ્લીઓમા અંદાજે 500 જેટલી ગરબી થતી હોય છે. પ્રાચીન ગરબીઓમાં બાળાઓ તાલી રાસ, ગાગર રાસ, માડી તારા અઘોર નગારા વાગે રાસ, સહિતના રાસ લેવાતા હોય છે. ત્યારે રાજકોટના મવડી ચોકમાં શ્રી બજરંગ મંડળ દ્વારા પણ છેલ્લા 15 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જ્યાં સળગતી ઈંઢોણીનો રાસ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
બજરંગ ગરબી મંડળના આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અમે પ્રાચીન ગરબીનું આયોજન કરીએ છીએ. જેમાં સળગતી ઈંઢોણી રાસ શહેરભરમાં પ્રખ્યાત છે. આ રાસ માટે અમે નવરાત્રી અગાઉ દોઢ માસથી દીકરીઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ. નોરતાના 9 દિવસ દરમિયાન 4 વાર આ રાસ લેવામાં આવે છે. 6 બાળાઓ દ્વારા આ રાસ લેવામાં આવે છે. જે માટે હાલ તેમને તાલીમ આપવામાં આવી રહી છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે તમામ જરૂરી સેફ્ટીના સાધનો પણ સાથે રાખીએ છીએ. માતાજીની પણ અમારી ઉપર કૃપા છે કે અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મંડળમાં 45 સભ્યો છે જે ગરબીના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે.
ગરબીમાં ભાગ લેતી દીકરીઓ પાસેથી નથી લેવાતી ફી
બજરંગ ગરબી મંડળમાં ભાગ લેતી દીકરીઓ પાસેથી આયોજકો કોઈપણ પ્રકારની ફી લેતા નથી. તો બીજી તરફ પ્રાચીન ગરબીમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને બાળાઓ ગરબે રમતી હોય છે. ત્યારે પરંપરાગત વસ્ત્રો પણ મંડળ દ્વારા જ આપવામાં આવે છે. જ્યારે નવમા નોરતે દરેક બાળાઓને રૂ.8 થી 10 હજાર સુધીની લાણી પણ આપવામાં આવે છે.
માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી
આસો નવરાત્રી એટલે માતાજીની આરાધનનું પર્વ. આજના આધુનિક યુગમાં પાર્ટી પ્લોટમાં યુવાધન ડીજેના તાલે હિન્દી-ગુજરાતી ફિલ્મના ગીતો ઉપર પણ ગરબે રમતુ જોવા મળે છે ત્યારે શહેરમાં પ્રાચીન ગરબી મંડળોએ આજના આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે. પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ આપણી મૂળ પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવે છે.