મારવાડી કોલેજમાં છાત્રાઓ વચ્ચે ફડાકાવાળી : પોલીસ અરજી ન કરી મામલો રફેદફે કરાયો
અશ્લીલ વિડીયો ઉતારવા મુદે
આંધ્ર પ્રદેશની યુવતીનો સ્નાન કરતાંનો વિડીયો ઉતારી બોયફ્રેન્ડને મોકલતા હોબાળો મચ્યો હતો : કોલજના સંચાલકોએ બંને યુવતીઓના પરિવારને જાણ કરી : કુવાડવા પોલીસે બંનેનું કાઉન્સિલિંગ કર્યું
રાજકોટની મારવાડી યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઇ છે. રવિવારના રોજ સાંજના સમયે મારવાડી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આંધ્ર પ્રદેશની એક સગીર વયની બી.ટેક. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિની દ્વારા પોતાની જ સગીર વયની રૂમ મેટ ન્હાતી હોય તે પ્રકારનો વીડિયો બનાવી પોતાના બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનું સામે આવતા હોબાળો મચ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે ભોગ બનનારે સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાનો વીડિયો ઉતારનાર રૂમમેટને માર મારવામાં આવ્યો હતો. તેમજ તે બાબતનો વીડિયો પણ મોબાઈલ ફોનમાં કેદ કરવામાં આવ્યો હતો. આ મામલે કુવાડવા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો.અને કોઈ પણ પ્રકારની ફરિયાદ કે અરજી ન કરાતા પોલીસે બંને યુવતીઓનું કાઉન્સિલિંગ કર્યું હતું.
વિગત મુજબ મારવાડી કોલેજમાં આંધ્રપ્રદેશની છાત્રાઓ અભ્યાસ કરે છે અને કોલેજની હોસ્ટેલમાં જ રહે છે. એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની સાથે રૂમમાં રહેતી હતી. એક વિદ્યાર્થિની હોસ્ટેલના બાથરૂમમાં નહાવા ગઇ હતી.ત્યારે અચાનક જ તેની નજર બાથરૂમના ઉપરના ભાગે પડી હતી અને તેનો નહાતી વખતનો વીડિયો તેની રૂમ પાર્ટનર ઉતારી રહ્યાનું દેખાયું હતું. જેથી તેણે તેની સાથી વિદ્યાર્થિનીઓને આ અંગેની જાણ કરતાં વિદ્યાર્થિનીઓ રોષે ભરાઇ હતી. ત્યારબાદ ભોગ બનનાર વિદ્યાર્થિની અને તેના પક્ષે ત્રણ વિદ્યાર્થિનીએ વીડિયો ઉતારનાર વિદ્યાર્થિનીને ઘેરી હતી અને વીડિયો ઉતારવા બાબતે પુછતાછ કરી તે છાત્રાને ફડાકા મારી સાવરણી ફટકારવામાં આવી હતી અને આ અંગેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.
આ માથાકુટનો વિડીયો કોલેજના સંચાલકો સુધી પહોચ્યો હતો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થિનીઓના આંધ્રપ્રદેશ રહેતા વાલીઓને જાણ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં કેમ્પસમાં ભેગા થતાં પોલીસને જાણ કરવામાં આવતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને મામલો થાળે પાડયો હતો. છાત્રાઓને પોલીસ મથકે લઇ જઇ મહિલા પોલીસની હાજરીમાં કાઉન્સેલીંગ કરાયું હતું. પોલીસે વિદ્યાર્થિનીઓના બંને પક્ષને સાંભળ્યા હતાં. તેણી સગીર વયની હોઇ વાલીઓ આવ્યા બાદ ફરિયાદ કે અરજી કરશે તેવું જણાવ્યું હતું.જેથી આ મામલો રફેદફે થયો છે.