રાજકોટમાં આશ્રમના મહંત અને વેપારી સહિત 3ના હાર્ટ ફેઇલ
મહંત આશ્રમમાં બેઠા હતા ત્યારે,સુરતના વેપારી રાજકોટમાં પ્રસંગમાં આવ્યા ત્યારે અને વૃદ્ધને સૂતા બાદ હદય રોગનો હુમલો આવ્યો
રાજકોટમાં હદય રોગનાં હુમલાથી મોતના બનાવો પાઠવાત રહ્યા છે. ત્યારે તેમ ગઇકાલે મહંત અને વેપારી સાહિત ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતના બનાવો બન્યા છે. જેમાં રાજકોટથી સુરત જનોઇ પ્રસંગમાં આવેલા વેપારી યુવક, ખીરસરા આદર્શ આશ્રમના મહંત અને સરધારના વૃદ્ધાનું હૃદય બેસી જતાં તેમનું મોત થયું છે.
પ્રથમ બનાવમાં મેટોડા પાસે આવેલા ખીરસરા ગામે આદર્શ આશ્રમમાં રહેતા ગુલાબનાથ વસંતનાથ રાઠોડ(ઉ.વ.64) નામના મહંત આશ્રમમાં હતા ત્યારે બેભાન થઈ જતા સેવકોએ તત્કાલ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહંતનું હૃદયરોગના હુમલાથી મોત થયાનું સામે આવ્યું હતું.
બીજા બનાવમાં રાજકોટના કોઠારીયા રોડ, શ્રીહરિ દર્શન સોસાયટીમાં રહેતા ચેતન પ્રફુલભાઈ રાણપુરા (ઉ.વ.42) સુરતના મોટા વરાછામાં જનોઈ વિધિ પ્રસંગમાં ગયો હતો. ગતરાત્રીના એકાદ વાગ્યા આસપાસ તેને ગભરામણ થતા બેભાન થઈ ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સુરતનું ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકે દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. ચેતનભાઇ શ્રી હરિ જ્વેલર્સના નામે સોની બજારમાં વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં રાજકોટ તાલુકાના સરધાર ગામે રાણી ચોક હવેલી શેરીમાં રહેતા કાંતાબેન બાબુભાઇ પનારા (ઉ.વ.72)નામના વૃધ્ધા સાંજે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હાર્ટએટેક આવી ગયાનું જણાવ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. વૃદ્ધાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.