રાજકોટમાં મોદી અને યોગીના ચિત્રોવાળી પિચકારીનું આગમન
રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણી માટે યુવાઓમાં થનગનાટ: પિચકારીના ભાવમાં સામાન્ય વધારો

હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટની બજારમાં વિવિધ વેરાઇટીની પિચકારીઓ આવી ગઈ છે. બાળકોને આકર્ષતી ખાસ કાર્ટૂન કેરેક્ટર ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગીજી સહિતના ફોટોવાળી પિચકારીઓ આ વર્ષે હોળી-ધૂળેટી પર જોવા મળશે. જ્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પિચકારીના ભાવમાં ૫ થી ૭ ટકા જેટલો સામાન્ય વધારો આવ્યો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

રંગોના પર્વ હોળી-ધૂળેટીની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. પહેલાના સમયમાં કેસૂડાંના રંગથી ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવતો હતો બાદમાં પાકા કલરનો પણ કેટલાક યુવાનો ઉપયોગ કરતાં હતા. જો કે હવે પાકા કલરનો ક્રેઝ ઘટ્યો છે. હવે યુવાનો હર્બલ કલરનો ઉપયોગ કરતાં થયા છે.

રાજકોટની સદર બજાર સહિતની બજારોમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈને પિચકારી, ફુગા, કલરનું આગમન થઈ ચૂક્યું છે. બાળકોને પ્રિય એવી પિચકારીમાં અસંખ્ય વેરાયટીઓ આવી ગઈ છે. સદર બજારમાં પિચકારીનું વેચાણ કરતાં વેપારી સનમુખભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે બાળકો માટે પંપ કે જે વર્ષોથી વેચાય છે તે ઉપરાંત મશીનગન, પ્રેશરગન, મોદી, અમિત શાહ, યોગીજીના ચિત્રોવાળી પિચકારી આવી ગઈ છે.

બાળકોને પ્રિય એવા કાર્ટૂન કેરેક્ટર વાળી પિચકારીની વાત કરવામાં આવે તો તેમા પબ્જી, ડાયનોસોર, ફિશ, એલીફન્ટ, ક્રોકોડાઈલ, બાર્બી ડોલ આકારની પિચકારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. જ્યારે બાળકો સ્કૂલબેગની જેમ લટકાવી શકે તેવી ટેન્કવાળી પિચકારીમાં તો ૨૦૦૦થી વધુ વેરાયટી જોવા મળે છે. ચાલુ વર્ષે પ્લાસ્ટિકમાં ભાવ વધતાં પિચકારીના ભાવમાં સામાન્ય ૫ થી ૭ ટકા જેટલો ભાવ વધારો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
મહત્વનું છે કે, ધૂળેટીમાં લોકો એકબીજા પર રંગ ઉડાવીને ઉજવણી કરતાં હોય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં હર્બલ કલરનો ક્રેઝ વધ્યો છે. આ કલર આંખમાં જવાથી બળતરા થતી નથી, જ્યારે ત્વચાને પણ નુકસાન પહોંચાડતા ન હોવાનું કેટલાક વેપારીઓનું કહેવું છે. સિન્થેટિક, હર્બલ, તપકીરના પાવડરમાંથી બનતો કલરની બજારમાં ખૂબ માંગ રહે છે.
