અભિમન્યુના સાત કોઠા વિંધવા છે ? ચાલ્યા જાવ વિદ્યાનગર રોડ પર…!!
સવારે ૧૦થી ૧૨ના સમયમાં વિદ્યાનગર મેઈન રોડ પરથી કોઈ ટુ કે ફોર-વ્હીલર નીકળે અને ફસાય નહીં તો જ નવાઈ પામવા જેવું !
નાની-મોટી હોસ્પિટલો પોતાને ત્યાં એક-એકથી ચડિયાતી સુવિધા હોવાનો દાવો કરે છે પણ પાર્કિંગ વ્યવસ્થાની વાત
આવે એટલે થઈ જાય છે ‘0’
શહેરના વિદ્યાનગર મેઈન રોડ ઉપર જેટલી હોસ્પિટલો-મેડિકલ સ્ટોર છે કદાચ તેના જેટલા રાજકોટમાં બીજે ક્યાંય નહીં હોય…એકંદરે હવે આ વિસ્તારને લોકો વિદ્યાનગર' નહીં બલ્કે
હોસ્પિટલનગર’ તરીકે ઓળખવા લાગ્યા છે ! અહીં એક-એકથી ચડિયાતી હોસ્પિટલો કાર્યરત છે પરંતુ વરવી વાસ્તવિક્તા એ છે કે આ વિસ્તારમાં ક્યાંય પણ ઢંગધડાવાળી પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાનું ખુદ આ વિસ્તારમાં દુકાન-મકાન ધરાવતા લતાવાસીઓ રોષપૂર્વક વોઈસ ઓફ ડે'ને જણાવી રહ્યા છે. લોકો તો એવું કહી રહ્યા છે કે
અભિમન્યુના સાત કોઠા વિંધવા’ હોય તો એક વખત ચોક્કસપણે વિદ્યાનગર મેઈન રોડ ઉપર જવું જ પડે !! એકંદરે અહીં દિવસેને દિવસે ટ્રાફિક-પાર્કિંગ વ્યવસ્થા કથળી રહી છે પરંતુ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહેલા પોલીસ અને મહાપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી.
વોઈસ ઓફ ડે' સમક્ષ લતાવાસીઓએ પોતાની હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું કે સવારે ૧૦થી ૧૨ વાગ્યાના સમય દરમિયાન જો વિદ્યાનગર મેઈન રોડ (સોરી, હોસ્પિટલનગર મેઈન રોડ) પરથી કોઈ ટુ-વ્હીલર અથવા તો ફોર-વ્હીલર નીકળે અને ફસાઈ જાય નહીં તો જ નવાઈ પામવા જેવું રહે છે. આ પાછળનું મુખ્ય કારણ એક તો અહીં હોસ્પિટલોના મસમોટા બિલ્ડિંગ અને તેમાં પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે દર્દીઓની ખબર પૂછવા આવતાં તેના પરિવારજનો જગ્યા મળે તે પોતાનું વાહન પાર્ક કરીને જતા રહે છે. આ પછી રસ્તો અત્યંત સાંકળો હોવાને કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ ફસાયા વગર રહેતા નથી અને પછી કાનના કીડા ખરી જાય તેવા શબ્દો બબડતાં રહે છે !! આશ્ચર્યજનક વાત તો એ છે કે અહીંની નાની-મોટી દરેક હોસ્પિટલો પોતાને ત્યાં ફલાણી સુવિધા છે, પોતાને ત્યાં ઢીકણી સુવિધા છે, દર્દીઓને કશી જ તકલીફ નહીં પડે તેવા દાવાઓ કરે છે પરંતુ આ પૈકીની એકેય હોસ્પિટલ તેમને ત્યાં સજ્જડ પાર્કિંગ વ્યવસ્થા છે તેવું કહેવાની હિંમત કરી શકે તેવી સ્થિતિમાં નથી ! પાર્કિંગની વાત આવે એટલે હોસ્પિટલ સંચાલકોની બોલતી બંધ થઈ જતી હોવાનો આક્ષેપ લતાવાસીઓ કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેવી રીતે હોસ્પિટલના તબીબો-સ્ટાફ પાસે પોતાના જ વાહનો વ્યવસ્થિત પાર્ક કરવાની જગ્યા ન હોવાને કારણે તેઓ
બધી જ જગ્યા આપણી’ તેવું માનીને ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતાં રહે છે. અમુક અમુક ડૉક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ સવારે હોસ્પિટલની અંદર જાય અને છેક સાંજે બહાર નીકળતા હોવાથી તેમનું વાહન સવારથી લઈ સાંજ સુધી ઠેરનું ઠેર પડ્યું રહે છે. જો કે ગાડી પાછળ ડૉક્ટર'નું નિશાન હોવાને કારણે ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન પણ તેને ટોઈંગ કરવાની હિંમત દાખવી શકતી નથી. એવું નથી આ બધી સમસ્યા મહાપાલિકા કે પોલીસ તંત્રના ધ્યાન ઉપર નથી. બધા બધું જાણે જ છે પરંતુ
હોતી હૈ, ચલતી હૈ’ની માફક લોકો પીસાય તેમાં જ આ બન્ને તંત્રને મજા આવતી હોય તેવી રીતે કાર્યવાહી કરવાનું જ ટાળી રહ્યા છે જે ભવિષ્યમાં આ રસ્તા પર મોટો અકસ્માત કે બીજી કોઈ ઘટના નોતરશે ત્યારે જવાબદારો પાસે આપવા પાસે જવાબ જ હશે નહીં !!!
પાર્કિંગની જગ્યામાં મેડિકલ સ્ટોર-કેન્ટીનનું દબાણ હટાવવામાં ટીપી શાખાને રસ નથી ?
ઘણીખરી હોસ્પિટલોએ પોતાના બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યામાં મેડિકલ સ્ટોર-કેન્ટીન સહિતનું દબાણ ખડકી દીધાના આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ મહાપાલિકાની જાંબાઝ' ટાઉન પ્લાનિંગ શાખાના એક પણ અધિકારીને આ દબાણ દૂર કરી પાર્કિંગની જગ્યામાં માત્રને માત્ર વાહન જ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવાનું સૂઝી રહ્યું નથી ત્યારે આ બાબત પણ ઘણી જ શંકાસ્પદ અને
ભેદી’ હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
વિદ્યાનગર જ નહીં, એસ્ટ્રોન-મંગળા સહિતના રોડ ઉપર પણ સ્થિતિ આવી જ
લોકો એવું પણ કહી રહ્યા છે કે માત્ર વિદ્યાનગર જ કેમ ? હવે તો ત્યાંથી થોડે દૂર જઈએ એટલે એસ્ટ્રોન રોડ, મંગળા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં પણ હોસ્પિટલ-ક્લિનિક નિર્માણ પામી ગયા છે પરંતુ અહીં પણ પૂરતી પાર્કિંગ વ્યવસ્થા નથી. અહીં પણ સ્થિતિ દિવસેને દિવસે બદતર બની રહી છે છતાં તંત્રને આ દિશામાં કામગીરી કેવી રીતે કરવી તેનું ભાન થઈ રહ્યું નથી.
તમને પણ સતાવી રહી છે પાર્કિંગની સમસ્યા ? તો આ નંબર ઉપર જણાવો ૯૯૧૩૨ ૮૫૮૦૧
રાજકોટનો કોઇપણ વિસ્તાર એવો નહીં હોય જયા પાર્કિંગની સમસ્યા ન ઉદ્ભવતી હોય ત્યારે `વોઇસ ઓફ ડે’ દ્વારા લોકોની પીડાને તંત્ર સુધી પહોંચાડી તેનો સુચારું ઉકેલ આવે તે દિશામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટના કોઇપણ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને પાર્કિંગને લઇને કોઇ સમસ્યા સતાવી રહી હોય અથવા તો આ સમસ્યા વિશે તેમણે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઇ નિવેડો ન આવી રહ્યો હોય તો હવે આવા લોકો અમારો સંપર્ક સાધી શકશે. તમારે વધુ કંઇજ નથી કરવાનું માત્ર તમને જયા પાર્કિંગની સમસ્યા સતાવી રહી હોય તે સ્થળનો ફોટો તેમજ તમારું નામ અને સમસ્યા જે વિસ્તારમાં સર્જાતી હોય તે વિસ્તારનું નામ સહિતની વિગતો મો.નં.૯૯૧૩૨ ૮૫૮૦૧ ઉપર મોકલી શકાશે. આ પછી તસવીરને અખબારમાં પ્રસિધ્ધ કરી તંત્રનો કાન આમળવામાં આવશે સાથે સાથે બને એટલી ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે.