રાજકોટમાં ચા પીતા પીતા યુવકને હદય રોગનો હુમલો આવી જતા મોત
રાજકોટમાં હદય રોગના હુમલાથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે.જેમાં ગત તા.૯ ના ૩૨ વર્ષિય યુવકનું હાર્ટએટેકથી મોત બાદ ગઈકાલ સવારે જડુશ બ્રિજ નીચે ઝૂંપડુ વાડી રહેતા અને ફુગ્ગા વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકનું હદય રોગના હુમલાથી મોત થતાં પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
વિગતો મુજબ જડુશ બ્રિજ નીચે ઝૂંપડુ વાડી રહેતા વિજયભાઈ વાલજીભાઈ મીઠાપરા(ઉ.વ.૪૫)નામનો યુવક ગઈકાલ સવારે બ્રિજ નજીક આવેલી ચા ની હોટેલ પાસે ચા પીતો હતો ત્યારે અચાનક ચકકર આવતા બેભાન થઈ ઢળી પડતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને યુવકને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ ૫૨ના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ,મૃત્યુ પામનાર પાંચ ભાઈ એક બહેનમાં નાનો હતો અને સંતાનમાં એક દિકરી છે જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જ્યારે તબીબોએ યુવકને હાર્ટએટેક આવ ગયાનું પ્રાથમિક તારણ આપ્યું છે.