ગુજરાતીમાં સાઇબર માફિયાઓનો આંતક ૮ મહિનામાં ૩૦૦ કરોડ પડાવ્યા
રાજ્યમાં 369395 લોકોએ સાઇબર ક્રાઇમમાં કરેલી ફરિયાદ
રાજકોટવાસીઓએ ૮ મહિનામાં સાઇબર ફ્રોડમાં ૧૬ કરોડ ગુમાવ્યા
હાલ દેશભરની પોલીસ માટે સાયબર ફ્રોડને અટકાવવો સૌથી મોટો પડકાર છે. આજ કારણથી દેશભરમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકોની શરૂઆત કરવામાં આવી છે છતાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. તેને બદલે આ પ્રકારની ઘટનાઓ દીવસેને દીવસે વધતી જાય છે. છેલ્લા આઠ મહિનામાં એટલે કે ચાલુ વર્ષ 2023 માં ગુજરાતીઓએ પોતાના 300 કરોડથી પણ વધુની રકમ સાયબર ફ્રોડમાં ગુમાવી દીધી છે. રાજકોટની વાત કરીએ તો 8 મહિનાના સમયગાળા દરમિયાન ફ્રોડની 2353 ફરિયાદ નોંધાઈ છે. જે પૈકી ૧૬ કરોડ જેટલી રકમ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આશરે ૧૨ કરોડ જેટલી રકમ પરત પણ આપવામાં આવી છે.
ભૂતકાળમાં કોઈ કંપની કે પેઢી કે કોઈ વ્યક્તિએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતી હતી પણ હવે આધુનિક યુગમાં ખાલી એક ફોન કોલ કે પછી લીંક કે પછી ઓટીપી દ્વારા પણ કરોડો રૂપિયાના ફુલેકાઓ ફેરવાઇ જાય છે. આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૩ના છેલ્લા આઠ મહિનામાં ગુજરાતીઓએ પોતાના 300 કરોડથી પણ વધુની રકમ સાયબર ફ્રોડમાં ગુમાવી દીધી છે. ત્યારે ચોક્કસ અત્યારના તબક્કામાં લોકોને છેતરવાનો સૌથી સહેલો અને સરળ રસ્તો સાયબર ફ્રોડ છે. કોઈ પણ એક લિંક, ઓટીપી કે પછી વેબસાઈટ કે એપ્લિકેશન દ્વારા લોકોને મૂર્ખ બનાવી સાયબર ગઠિયાઓ પોતાનો શિકાર બનાવી રહ્યા છે અને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડીઓ પણ કરી રહ્યા છે.ગુજરાતમાં વર્ષ 2021 અને 22 ની સરખામણીમાં વર્ષ 2023 માં છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ સાયબર ક્રાઈમના લોકો ભોગ બન્યા છે. છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી સાયબર ગઠિયાઓ ખૂબ જ સક્રિય થઈ અને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા લોકોને છેતરી રહ્યા છે, એમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી સૌથી વધુ ગુજરાતમાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને પોતાના રૂપિયા ગુમાવી રહ્યા છે. 2021 માં સાયબર ફ્રોડ અંગે પોલીસને 67779 ફોન કોલ્સ આવ્યા. જેમાંથી 28908 ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાઇ. તો લોકોએ સાયબર ફ્રોડ 147,87,64,928 રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 115,189,666 રૂપિયા પરત અપાવ્યા છે. 2022 માં સાયબર ફ્રોડ અંગે પોલીસને 282881 ફોન કોલ્સ આવ્યા. જેમાંથી 66997 ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાઇ છે. લોકોએ સાયબર ફ્રોડ 306,40,40,516 રૂપિયા ગુમાવ્યા. જેમાંથી 120,371,113 રૂપિયા પરત અપાવ્યા છે.
2023 માં સાયબર ફ્રોડ અંગે પોલીસને 369395 ફોન કોલ્સ આવ્યા. જેમાંથી 71684 ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાઇ. જોકે આ સેમી દરમ્યાન લોકોએ સાયબર ફ્રોડમાં 368,41,46,859 રૂપિયા ગુમાવ્યા. જેમાંથી 93,869,996 રૂપિયા પરત અપાવ્યા છે.
સમગ્ર ગુજરાતમાંથી જ્યારે લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે ત્યારે તુરંત જ ટોલ ફ્રી નંબર ૧૯૩૦ ઉપર ફોન કરે છે અને તરત જ તેના રૂપિયા ફ્રીઝ કરાવી દેવામાં આવે છે, પરંતુ જે રીતે લોકો ફાઈનાન્સિયલ ફ્રોડનો શિકાર થઈ રહ્યા છે તેવી જ રીતે ઇન્ટરનેટની આ વિશાળ દુનિયામાં અનેક વેબસાઈટ અને એપ્લિકેશન છે કે જે ખરેખર ખોટી રીતે બનાવવામાં આવી છે. જેમાં પણ લોકો સાયબર ક્રાઇમનો શિકાર થઈ રહ્યા છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ માટે સાયબર ક્રાઇમ અને સીઆઇડી ક્રાઇમ કાર્યવાહી કરી રહ્યું છે,
સાયબર સેલ દ્વારા લોકોને સાવચેત કરવાની પણ અપીલ કરી રહ્યું છે. સાયબર ફ્રોડનો ભોગ સૌથી વધુ શહેરના શિક્ષિત લોકો બની રહ્યા છે. લોકોએ પણ સાવચેતી રાખી ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ વેબસાઈટ કે એપ્લિકેશનની ખરાઈ કરી ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો હિતાવહ બન્યું છે.
સાયબર ગુના આચારતી ૯૭ હજારથી વધુ નકલી આઈડી સામે કાર્યવાહી
સાયબર માફિયાઓ સામે સાયબર ક્રાઇમની ટીમે સક્રિય બની ફેસબુક માર્કેટ પ્લેસ પર 17713 ફેક આઈડી ,ઓએલએક્ષ ઉપરથી 50000,ઉપરાંત ફેસબુક પર ન્યૂડ વીડિયો કૉલની 29505 ફેક આઈડી,ધાર્મિક કોમી લાગણી દુભાતી 3928 ફેક આઈડી અને કન્ટેન્ટ દૂર કરવામાં આવ્યા તેમજ તાત્કાલિક લોન આપતી ૪૩૩ જેટલી બોગસ એપ્લિકેશન સાથે 162 જેટલી ફેક વેબસાઇટ દૂર કરી છે. તેમજ તપાસ દરમિયાન 1011 ફેક વોટસએપ નંબર, 178 નકલી યુપીઆઈ આઈડી 17 થી વધુ નકલી બેન્ક એકાઉન્ટ મળી આવ્યા
હોય તેની સામે કાર્યવાહી કરી હતી.
શિક્ષિત લોકો પણ કઈ રીતે બને છે સાયબર ફ્રોડનો શિકાર
સાયબર ગઠિયાઓ લોકો પાસેથી રૂપિયા પડાવવા અવનવા કીમીઓ અપનાવી રહ્યા છે. ખાસ કરીને ન્યુડ વીડિયોકોલ, વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન ચેલેન્જ, બેંક લોન ફ્રોડ જેવા માધ્યમોથી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ ઓનલાઈન કોઈ વસ્તુ સર્ચ કરે છે ત્યારે પણ ઓટીપી કે પછી અન્ય ખોટી લિંક લોકોને તેના મોબાઈલ પર મોકલી તેમાંથી પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.