રાજકોટમાં ૨૪ કલાક પાણી શક્ય નથી !
વર્ષો સુધી નેતાઓએ બણગા ફૂંક્યા અને કરોડોનું આંધણ કર્યું પછી ભાન થયું કે
૨૦૧૮માં ૫.૯૫ કરોડના ખર્ચે ચંદ્રેશનગરના ૧૪ હજાર મકાનમાં ૨૪ કલાક પાણી આપે તેવા મીટર મુકાયા પણ તેનો ઉપયોગ બહુ થયો જ નહીં !
હવે આ જ મીટરની જાળવણી માટે ૫૮.૭૬ લાખના ખર્ચની દરખાસ્તને નામંજૂર કરી યોજનાને જ પાણીમાં વહાવી દેવાઈ
રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ૨૪ કલાક પાણી વિતરણની વાતો અને દાવાઓ નેતાઓ દ્વારા કરાઈ રહ્યા હતા સાથે સાથે તેના પાછળ કરોડો રૂપિયાનું આંધણ પણ કરી દેવાયું છતાં હજુ સુધી એક પણ વિસ્તારમાં ૨૪ કલાક પાણી વિતરણની યોજના સાકાર થઈ શકી નથી. એકંદરે હવે મનપાના પદાધિકારીઓને પણ સમજાઈ ગયું છે કે આ પ્રકારના દાવા કરવા વ્યાજબી ન હોવાથી તેમણે સ્વીકાર કરી જ લીધો છે કે રાજકોટમાં ૨૪ કલાક પાણી શક્ય છે જ નહીં !
તા.૧૩-૪-૨૦૧૮ના ચંદ્રેશનગર વિસ્તારમાં આવેલા ૧૪ હજાર મકાનોમાં મહાપાલિકા દ્વારા ૨૪ કલાક પાણી આપે તેવા મીટર ફિટ કરવામાં આવ્યા હતા. એ સમયે તંત્રવાહકોનો ઉત્સાહ સમાઈ રહ્યો ન્હોતો અને રાજકોટને ૨૪ કલાક પાણી મેળવતું શહેર કરી દીધાનો દાવો કરી છાતી ગજગજ ફુલાવી રહ્યા હતા. આ માટે ૫.૯૫ કરોડ રૂપિયા જેવો માતબર ખર્ચ પણ કરવામાં આવ્યો હતો પરંતુ જાણે કે તે નિરર્થક નિવડ્યો હોય તેવી રીતે મીટરનો પૂરતો ઉપયોગ થઈ શક્યો જ ન્હોતો.
હવે આ જ મીટરની જાળવણી માટે અધિકારીઓ દ્વારા ૫૮,૭૬,૪૦૦ રૂપિયાના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી જેને સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધી હતી. વોર્ડ નં.૮ (પાર્ટ), ૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ)માં ચંદ્રેશનગર હેડ વર્કસ આધારિત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્ક ફ્લો મીટરના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ તેમજ રિડિંગ, બિલિંગના કામ માટે ૫૮.૭૬ લાખનો ખર્ચ થશે તેવી દરખાસ્ત કરાઈ હતી પરંતુ મીટરનો ઉપયોગ જ થઈ રહ્યો નથી ત્યારે આટલા ખર્ચને મંજૂરી શા માટે આપવી ? તેવો નિર્ણય લઈને દરખાસ્ત નામંજૂર કરી દેવાઈ છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ચંદ્રેશનગર જ નહીં બલ્કે શહેરમાં ક્યાંય પણ ૨૪ કલાક પાણી વિતરણના મીટરની યોજના હાલ શક્ય જણાઈ રહી નથી અને હાલ મનપાનો આવો કોઈ ઈરાદો ન હોવાથી આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે.