2.70 લાખની કિલો વેંચાતી કેરીનું રાજકોટમાં વાવેતર
મૂળ જાપાની પ્રજાતિનાં આંબાની સુરક્ષા કરવા રાખવા પડે છે માણસો
કેરીની સીઝન શરુ થવાની હોય ત્યારે તેનો ભાવ આસમાને હોય છે અને મુંબઈમાં તો ૨૦૦૦ રૂપિયે કિલોના ભાવે પણ વેંચાય છે. કોઈ પણને આ ભાવ વધુ પડતો લાગે પરંતુ કેરીના ચાહકો કેરીનો કલ્પનામાં પણ ન આવે તેવો ભાવ આપે છે. બજારમાં કેસર કેરી, હાફુસ કેરી, લંગડા કેરી, બદામ કેરી સહિત અનેક પ્રકારની કેરી આવે છે. આ બધાની વચ્ચે માર્કેટમાં એક એવી કેરીની ચર્ચા થઈ રહી છે કે જેની એક કિલોની કિંમત 2.70 લાખ રૂપિયા છે.
આ કેરીની પ્રજાતી મૂળ જાપાનની છે તે મિયાજાકી શહેરમાં ઉગે છે.એટલે તેને મિયાજાકી કેરી નામ આપવામાં આવ્યુ છે.ત્યારે આ મિયાજાકી કેરીનું વાવેતર રાજકોટમાં કરવામાં આવ્યું છે.આ આંબાની સુરક્ષા કરવા માટે માણસો રાખવા પડે છે.કારણ કે આ કેરી માર્કેટમાં 2.70 લાખની કિલો વેંચાય છે.ગુણવત્તાની દ્રષ્ટીએ આ કેરી સૌથી ઉત્તમ હોવાથી આ કેરીની કિંમત ખુબ જ વધારે છે.
મિયાજાકી કેરી વાવનાર ખેડૂત જયસુખભાઈ રાદડિયાએ કહ્યું કે મિયાજાકી કેરી 2.70 લાખની કિલો વેચાઈ છે.અમે આ આંબાનો છોડ સાઉથની એક નર્સરીમાં લાવ્યા હતા. આ નર્સરીવાળા જાપાનથી આ છોડ લાવ્યા હતા.જ્યાંથી જયસુખભાઈ 10 આંબાના રોપ લાવ્યા હતા.આ 10 રોપ 4500 રૂપિયામાં લાવ્યા હતા.
મિયાજાકીના આંબા 3 વર્ષ પહેલા વાવવામાં આવ્યા હતાં.અને આ આંબા છેલ્લા 2 વર્ષથી કેરી આપે છે.આ આંબા નંદુબાગમાં વાવવામાં આવ્યાં છે.જેમને પણ આ કેરી જોવી હોય તેઓ નંદુબાગની મુલાકાત લઈ શકે છે.નંદુબાગમાં 150થી વધુ પ્રકારના ફળોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મિયાજાકી કેરીનું હાર્વેસ્ટિંગ મે મહિનાના અંતમાં થાય છે અને આ કેરી કાચી હોય ત્યારે પણ એટલી મીઠી હોય છે અને પાકે પછી પણ એટલી મીઠી હોય છે.આ કેરી સામાન્ય કેરી કરતા અલગ હોય છે કારણ કે આ કેરી પાકે પછી કેસરી કે પીળી થવાના બદલે ટમેટા કલરની થાય છે અને ગુણવત્તાની દ્રષ્ટીએ પણ ઉત્તમ હોય છે.
મિયાઝાકી કેરીનું વજન લગભગ 300થી 3500 ગ્રામ જેટલું હોય છે. આ પ્રકારની કેરીનો પાક એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લેવામાં આવે છે. ગરમ હવામાન, જરુરી સૂર્યપ્રકાશ અને પૂરતો વરસાદ આ કેરીના ઉત્પાદન માટે અનુકૂળ હોય છે.આમ વિશ્વમાં વેચાતી કેરીઓમાં મિયાઝાકી કેરી સૌથી મોંઘી છે.