૧ મહિનામાં ૧૬૬૨ ઢોર પકડાયા, ૧૫.૭૫ લાખ ભરી ૩૫૦ને છોડાવાયા
૧ જાન્યુઆરીથી ઢોર પકડાશે એટલે લાયસન્સ હશે તો જ છોડવા નિર્ણય: એક વખત પકડાયેલું ઢોર બીજી વખત છૂટ્યાના પણ અમુક દાખલા; જો કે દંડની રકમ ડબલ થઈ ગઈ
વૉઈસ ઑફ ડે, રાજકોટ
હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ આખા ગુજરાતમાં રસ્તે રખડતાં ઢોરને ડબ્બે પૂરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સિલસિલામાં મહાપાલિકાએ પણ દિવસ-રાત ઢોરપકડ ઝુંબેશ શરૂ કરી એક મહિનામાં ૧૬૬૨ ઢોરને ડબ્બે પૂર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ સરકારના પરિપત્ર બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઢોર છોડાવવાના દંડને ત્રણ ગણો કરવાની દરખાસ્તને મંજૂરી આપી હોય તે પ્રમાણે ૩૫૦ ઢોરને ત્રણ ગણો દંડ ભરીને છોડાવાયા છે જેની રકમ ૧૫.૭૫ લાખ જેટલી થવા જાય છે.
આ અંગે મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ૩૧ ઑક્ટોબરથી ૧૫ ટીમો બનાવીને દિવસ-રાત ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ૩૧ નવેમ્બર મતલબ કે આજ સુધીમાં કુલ ૧૬૬૨ ઢોર પકડવામાં આવ્યા છે. નિર્ણય પ્રમાણે ૧ જાન્યુઆરી સુધી પકડાયેલું ઢોર કોઈ માલિક છોડાવવા આવે તો ત્રણ ગણો દંડ વસૂલીને ઢોર છોડી દેવામાં આવે છે પરંતુ ૧ જાન્યુઆરી બાદ ઢોર પકડાયા બાદ જો તેના માલિક દ્વારા લાયસન્સ બનાવાયું હશે તો જ ઢોર છોડવામાં આવશે અને લાયસન્સ નહીં હોય તો ઢોરને ભૂલી જવાનું જ રહેશે. બીજી બાજુ ૩૫૦ ઢોરમાંથી અમુક ઢોર એવા પણ છે જે અગાઉ પકડાઈ ગયા બાદ ફરી હાથમાં આવ્યા છે ત્યારે આવા ઢોર માલિક પાસેથી ડબલ દંડ વસૂલવામાં આવ્યો છે.
દરમિયાન મહાપાલિકા દ્વારા સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ અને રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમ દ્વારા રખડતાં પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક કરવામાં આવી રહી છે. આ પ્રમાણે તા.૨૩થી ૨૮ નવેમ્બર સુધીના પાંચ દિવસમાં વધુ ૨૧૮ ઢોર પકડવામાં આવ્યા છે જેમાં ૨૩એ ૩૯, ૨૪એ ૪૪, ૨૫એ ૪૮, ૨૬એ ૨૪, ૨૭એ ૩૧ અને ૨૮ નવેમ્બરે ૩૨ ઢોર પકડાયા છે.