રાજકોટનો ટ્રાફિક શું કામ ‘સમસ્યા’ સર્જે છે ? વોઈસ ઓફ ડે દેખાડશે અરીસો
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ..શહેરનો વિકાસ થયો, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે નવી નવી સુવિધા આવી અને તેનો લાભ લેવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો અહી આવીને વસ્યા..વસતિ વધે એટલે વાહન પણ વધવાના જ છે…પણ મોટામાં મોટી સમસ્યા એ છે કે રોડ અને શેરી-ગલીઓ જેમની તેમ છે..અહી ફૂટપાથ છે પણ ત્યાં દબાણ છે એટલે લોકો રોડ ઉપર ચાલે છે અને તેથી રોડ સાંકડો લાગે છે…અકસ્માતો થાય છે… માથાકૂટ થાય છે… એવું નથી કે રસ્તા જ સાંકડા છે પણ અહીની શેરીઓ પણ સાંકડી છે…તેથી લોકો પોતાના ફોર વ્હીલર રોડ ઉપર પાર્ક કરે છે…ટ્રાફિક સમસ્યા ઉભી થવાનું આ પણ એક મહત્વનું કારણ છે..ટ્રાફિકને લગતા દુનિયાભરના નિયમો છે પણ પાળતું કોઈ નથી..દરેક શહેરમાં વાહનો વધ્યા છે પણ રાજકોટ જેટલી ટ્રાફિક સમસ્યા બીજે ક્યાંય નથી. અહીના ગાંઠિયાદાદાઓ ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે અને તેને કોઈ કાંઈ કહી શકતું નથી. ..નાનો માણસ પોતાનું સ્કુટી કે બાઈક લઈને થોડી વાર માટે કોઈ દુકાનમાં ગયો હોય તો પોલીસની ટોઈંગ વાન ગમે ત્યાંથી પ્રગટ થાય છે અને તેનું વાહન ઉપાડી જાય છે. કોઈક બિચારા પરિવાર સાથે ખરીદીએ નીકળ્યા હોય અને દુકાનદાર પાસે ૫૦ રૂપિયા ઓછા કરાવ્યા હોય પણ પોલીસની ટોઈંગવાન તેનું વાહન લઈને ગામના ગોંદરે ( શીતલ પાર્ક મેઈન રોડ ) ઉપર જતી રહે છે એટલે ત્યાં પહોચવાના રીક્ષાના ૧૦૦ રૂપિયા અને વાહન છોડાવવાના ૧૦૦ રૂપિયા ચુકવવા પડે છે..વોઈસ ઓફ ડે એવું નથી કહેતું કે આવા વાહનો ન ઉપાડો પણ જ્યાં ખરા અર્થમાં ટ્રાફિક જામ થતો હોય તેવા વિસ્તારમાંથી વાહનો ઉપાડવા જોઈએ.. આ તો ટાર્ગેટ પુરા કરવા માટે જ વાહનો ઉપાડવામાં આવે છે તેવું અમને લાગી રહ્યું છે. મૂળ વાત ટ્રાફિક સમસ્યાની છે તો અહીના રસ્તા સાંકડા છે, રસ્તા ઉપર દબાણ છે, પ્રોપર ઝીબ્રા ક્રોસિંગ નથી, પ્રોપર સિગ્નલ નથી, પોલીસ પાસે સ્ટાફ નથી અને જે છે એ પ્રોપર નથી… બીજા શબ્દોમાં કહીએ તો લાલિયાવાડી જ ચાલે છે. અહીની પ્રજા શાંત છે, ખોટી માથાકૂટમાં માનતી નથી એટલે બધું સહન કર્યે જાય છે.
વોઈસ ઓફ ડે એક પ્રજાલક્ષી અખબાર છે અને પહેલેથી જ પ્રજાને સ્પર્શતા અને વાસ્તવિક પ્રશ્નો ઉઠાવતું રહે છે. તેના પરિણામો પણ મળે છે…અફસોસ એ વાતનો છે કે અખબારમાં પ્રસિદ્ધ થયા પછી જ ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આ સમસ્યા આવે છે…ત્યાં સુધી તો મારું શું અને મારે શું..ની નીતિ જ અપનાવવામાં આવે છે. પહેલા રાજકોટની ટ્રાફિક શાખા માત્ર પોલીસ ઇન્સ્પેકટરથી અને સ્ટાફથી જ ચાલતી હતી..પછી એ.સી.પી. આવ્યા, ડી.સી.પી. આવ્યા અને હવે તો તેની ઉપર જે.સી.પી. પણ આવ્યા છે પણ સમસ્યા ઓછી થવાને બદલે દિવસે ને દિવસે ‘ ટેરિફિક ‘ થઇ રહી છે. વોઈસ ઓફ ડે આજથી જુદા જુદા વિસ્તારોની ટ્રાફિક સમસ્યાને વાચા આપવાનું શરુ કરી રહ્યું છે. વાંચકોને પણ આહ્વાન છે કે તેમના ધ્યાનમાં આવી સમસ્યા હોય તો અમને જણાવો જેથી અમે તે પ્રોપર રજુ કરીને તંત્રના ધ્યાનમાં મૂકી શકીએ.