ભારત અને ચીન વચ્ચે શું બની સહમતી ? કઈ બાબતે ચીને હઠ છોડી ? વાંચો
ભારત અને ચીન વચ્ચે એલએસીને લઈને ચાલી રહેલા વિવાદના મામલે સોમવારે મોટું પગલું લેવામાં આવ્યું હતું. અંતે ભારત સામે ચીને નમવું પડ્યું છે. પૂર્વ લદાખમાં એલએસી પર તેનું ઘમંડ તૂટી ગયું છે . વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જાહેરાત કરી હતી કે ભારત અને ચીન બંને દેશોના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીત બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ વ્યવસ્થા પર એક સમજૂતી થઈ હતી. વિદેશ મંત્રી જયશંકરે પણ કહ્યું હતું કે હવે 2020 ની જેમ જ ભારત દેપસાંગ અને ડેમચોક ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરશે. આ બંને વિસ્તારો માટે ઐતિહાસિક સમજૂતી થઈ છે. બંનેની સેનાઓ અહીંથી પાછળ હટશે.
એલએસી પર પેટ્રોલિંગની સમજૂતી અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું, “છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં થયેલી ચર્ચાઓના પરિણામે ભારત ચીન સરહદ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ વ્યવસ્થા પર સહમતિ બની છે અને આનાથી 2020માં આ વિસ્તારોમાં ઉદ્ભવેલા મુદ્દાઓનું સમાધાન થઈ રહ્યું છે.” તેમણે કહ્યું, “અમે ચીન સાથે ચર્ચા કરાઈ રહેલા મુદ્દાઓ પર એક સમજૂતી પર પહોંચ્યા છીએ.” આ ઘટનાક્રમથી સરહદ પર આખરે સૈનિકોના પીછેહઠની આશા છે.
2020થી ભારત ચીન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો
વિદેશ સચિવે કહ્યું કે સરહદ પર બાકી રહેલા મુદ્દાઓને સુલઝાવવા માટે ભારતીય અને ચીની વાર્તાકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંપર્કમાં છે. કહેવાય છે કે આ સમજૂતી ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ વ્યવસ્થા સાથે સંબંધિત છે. પૂર્વી લદાખ સરહદ પર 2020માં થયેલી અથડામણ બાદથી બંને પડોશીઓ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ છે, જેના પરિણામે 20 ભારતીય સૈનિકો શહીદ થયા અને અજ્ઞાત સંખ્યામાં ચીની સૈનિકો પણ માર્યા ગયા.
વડાપ્રધાન મોદીની ડિપ્લોમસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા રશિયાના કઝાન ગયા છે. તેમની મુલાકાતના એક દિવસ પહેલા આ પગલાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શિખર સંમેલન દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. જોકે આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.