તમે તમારા શરીરને કેટલું ઓળખો છો ?
માણસમાં ખુદને પોતાની જાતે જ શારીરિકપણે, લાગણીની દૃષ્ટિએ અને માનસિકપણે સાજા કરવાની ક્ષમતા છે.
આપણે ધારી લઈએ છીએ કે આપણે આપણી કાયા કરતાં વધારે ચાલાક છીએ..પણ વાસ્તવમાં એવું નથી
આજે અહી આપણે આપણા શરીર વિશે વાત કરવાના છીએ. સહુથી પહેલી વાત તમારે એ સમજી લેવાની છે કે કાંઈપણ સંજોગવશાત થતું નથી. કાંઈપણ અકારણ થતું નથી. આ જે મસો તમારા શરીર પર દેખાય છે તે કાંઈ સાવ કારણ વગનો નથી. તેણે એ સ્થાન મનફાવે તેમ નક્કી કર્યું નથી. તમારી ત્વચા પરનાં આ ટપકાં, તમારી આંખો નીચેનાં કુંડાળા, આ કરચલીઓ, તથા સફેદ થતા અને ખરતા વાળ. આ તમારા નાક પાસેથી મુખની આસપાસ વિસ્તરેલી રેખાઓ…
તે શા માટે છે? શા કારણે છે?
આ નજરે ન ચડે તેવી બાબતો શા કારણે છે તેની જરા સરખી જાણ પણ મોટા ભાગના લોકોને નથી હોતી. ખૂબ સારું કમાતા ‘વ્યાવસાયિકો’, ત્વચા નિષ્ણાતો, પ્લાસ્ટિક સર્જનો, એનેસ્થેટીશિયનો અથવા વિશ્વના સર્વોચ્ચ સ્પામાં પણ લોકોને તેની ખબર નથી હોતી.
તેઓ જે કાંઈ કરે છે તેમાં તેઓ એવા મોંઘાદાટ ક્રીમ વેચે છે કે જે કોઈ કામ નથી કરતા અથવા તો તે કાપો મૂકે છે, ખેંચીને તમારી ઢીલી ત્વચાને સખત બનાવે છે અને તમને યુવાન દેખાડવાની કોશિશ કરે છે. આ બધાની અંદરખાને તમારી વય વધતી રહે છે અને તમે વૃદ્ધ થતાં રહો છો. ખર્ચાળ હોસ્પિટલો અને ડોક્ટરો તમારી જીવનભરની બચત લઇ લે છે અને તમને ખર્ચાળ સારવાર આપે છે જે લક્ષણો છુપાવવા સિવાય બીજું કાંઈ કરતા નથી. સૌન્દર્ય પ્રસાધન ઉદ્યોગો પણ એવું જ કરે છે. તેઓ તમે યુવાન દેખાઓ તેવા કરવા માટે તમારી પાસેથી અઢળક નાણાં લઇ લે છે પરંતુ તે તમને યુવાન બનવામાં મદદરૂપ થતું નથી.
આ કાટ ખાઈ ગયેલી વસ્તુને રંગી નાખવા જેવું છે. પરંતુ પહેલાં તો કાટ કયા કારણે લાગ્યો છે તે જાણી તેને અટકાવવો, એ ભાગ સાફ કરવો અને ત્યારબાદ જ કેટલીક સ્વાસ્થ્યવર્ધક ક્રિયાઓ કરવી જોઈએ કે જેથી સમસ્યા રહે જ નહીં.
સહુથી મોટી વાત એ છે કે માણસમાં ખુદને પોતાની જાતે જ શારીરિકપણે, લાગણીની દૃષ્ટિએ અને માનસિકપણે સાજા કરવાની ક્ષમતા છે. આપણે એ જાણીએ છીએ કે કોઈ મશીન પોતે કરી શકે નહીં. મશીન તો કેવળ ઘસાઈને નકામા થઇ જાય. આપણે એવી દૃઢ માનસિકતા ધરાવવા લાગ્યા છીએ કે આપણે મશીન જેવા છીએ અને આપણે પણ ઘસાઈ જવાના છીએ. બસ એમ જ છે, એટલું જ. કથા પૂરી. ક્યારેક દવાઓ શરીરના કેટલાક ભાગના ઘસારાની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરે છે પણ તે બહુ લાંબા સમય સુધી ટકતી નથી. કેમ? કારણ કે જેનાથી સમસ્યા સર્જાઈ છે તેનો તો એ ઉપચાર કરતી જ નથી.
શરીર વૃદ્ધ થાય અને ઘસાઈ જાય તેને સામાન્ય બાબત માનીને આપણે એ સ્થિતિને આંખો મીંચીને, જાણે તે બરાબર છે તેમ માનીને સ્વીકારી લઈએ છીએ! લાખો લોકો ૫૦ વર્ષના થાય ત્યાં તો એવું માનવા લાગે છે કે હવે તેઓ યુવાન નથી રહ્યા અને હવે પછીથી તેઓ ધીમે ધીમે ક્ષીણ થઇ જશે. તેઓ વિચારે છે કે વાળ સફેદ થવા એ સ્વાભાવિક ઘટના છે, અથવા વાળ ખરે એ તો વારસાગત બાબત છે તેમાં આપણે કાંઈ કરી ન શકીએ! તેઓ વિચારે છે કે વય વધે તેની સાથે વજન પણ વધે જ. હવે તેનામાં એક યુવક જેવા હોર્મોન નથી, તેનો સ્વીકાર કરવો અને તેની કામના કરવી એ વીતેલા જીવનનો ભાગ બની ગયો છે. તેઓ એમ વિચારે છે કે અત્યારે તેનામાં વીસ વર્ષ પહેલાં હતી તેવી શક્તિ ન જ હોય એ સ્વાભાવિક છે. હકીકતમાં તો આ ગુસ્સો ચડે તેવી બાબત છે. મિત્રો, તમારી વિચારશક્તિ કુંઠિત કરી નાખવામાં આવી છે! આ બધા નિરર્થક, કચરા જેવા વિચારો છે.
તમારી સભ્યતાથી દૂર પ્રકૃતિના સાન્નિધ્યમાં રહેતાં પ્રાણીઓ વૃદ્ધ થાય ત્યારે તેમના વાળ સફેદ નથી થતા, ન તો તેઓ જાડા થાય છે કે ન તો તેમને માથે ટાલ પડે છે. જેને આપણે વાર્ધક્ય માનીએ છીએ તે જંગલમાં એટલું સામાન્ય નથી. તે એક રોગ છે. તેનો અર્થ એ છે કે કાંઈક યોગ્ય નથી થતું. જંગલના પ્રાણીઓ મૃત્યુ પામે ત્યાં સુધી સુંદર દેખાય છે (સિવાય કે કોઈ અજુગતી બાબત બની હોય).
માણસો માટે, આ ધરા પર એવી સંસ્કૃતિ પાંગરી છે કે જેમાં ૧૦૦ વર્ષથી વધારે જીવવું સામાન્ય છે અને તેમને ચશ્માની જરૂર નથી પડતી. તેમના મસ્તક પર જથ્થાબંધ વાળ હોય છે. તેઓ ઊર્જાથી ભરપૂર હોય છે અને ‘આધુનિક’ વિશ્વના અડધી ઉંમરના લોકો કરતાં તેઓ વધારે જીવંત હોય છે. તેમને ખુશ કે તંદુરસ્ત રહેવા માટે રૂપિયાની જરૂર નથી પડતી, તેમને સ્ટોક માર્કેટની ચિંતા નથી કરવી પડતી. તેમને તમે કઈ કાર વાપરો છો અથવા અર્થતંત્રના પ્રવાહો કઈ દિશામાં વહે છે તેની પરવા નથી હોતી. જયારે તમે તમારી લોન અને લેણદારોના દબાણ હેઠળ હો છો ત્યારે તેઓ ખુલ્લા અને મુક્ત વિશાળ આકાશના સૌન્દર્યને વખાણતા હોય છે. જયારે સૂર્યના કિરણો તેમના ચહેરાને ચૂમતા હોય છે ત્યારે તેઓ જીવનને વધુ ચાહવા લાગે છે.
તેઓ એવું તે શું જાણે છે કે જે આપણે જાણતા નથી?
પહેલાં તો તમારે આવી બધી ક્ષુલ્લક વસ્તુઓ પર ધ્યાન આપવાનું બંધ કરવું જોઈએ. આપણે ત્વચાની સમસ્યાઓ જોઇને તરત ત્વચા માટેનો મલમ (ક્રીમ) શોધવા દોડી જઈએ છીએ અથવા ત્વચાની ખર્ચાળ સારવાર પાછળ ભાગવા લાગીએ છીએ. પણ એવું બધું કાંઈ કામમાં આવતું નથી. શા માટે? ત્વચા તો બહુ જ ઊંડા પડનું બાહ્ય આવરણ છે. તે ફળની બારીક છાલ જેવું છે. સમસ્યાને સંતાડવા કરતાં આપણે આપણી ઊર્જા કયા કારણે સમસ્યા ઉદભવી છે તે જાણવામાં વાપરવી જોઈએ. આપણે ફક્ત સપાટી પરની બાબતને જોવા કરતાં ઊંડા સ્તરની વિગત જોવી જોઈએ.
તમારી વિચારવાની રીત બદલીને હકીકતને નવી દૃષ્ટિથી જોવાનું રાખો.
‘આધુનિક’ જમાનાની આખીયે વિચારસરણી ‘લક્ષણો’ની સારવાર કરવા ઉપર આધારિત છે. જો તમને કાટ દેખાય તો તમે તેને ઘસીને સાફ કરો છો અને તેને રંગી નાખો છો. જો તમને દુખાવો થાય તો તમે દુખાવો મટાડે તેવી ટીકડી લો છો. જો તમારો ચહેરો વૃદ્ધત્વની ચાડી ખાતો હોય તો તમે કરચલીઓ દૂર કરવા માટે પ્લાસ્ટિક સર્જરી કરવો છો. જો તમારા માથે દેવું થઇ ગયું હોય તો તમે વધારે દેવું કરીને નાણાં મેળવો છો. જો તમારા સંબંધો સારા (ઉષ્માસભર) નહીં હોય તો તમે તેને ભૂલી જઈને કોઈ બીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધશો. ‘આધુનિક’ વિશ્વમાં આમ જ ચાલે છે. કોઈપણ વ્યક્તિ એકપણ જાતની જવાબદારી ઉઠાવવા તૈયાર જ નથી. આપણે હંમેશાં આપણી બહારની જ કોઈ વસ્તુનો વાંક કાઢીએ છીએ: અર્થતંત્ર, વારસાગત, જીન્સ, નસીબનો દોષ, બીજા લોકોનો વાંક, આબોહવા, વૃદ્ધત્વ…તમે જે કહો તેનો જ દોષ જોઈએ છીએ. આપણને આપણા પર દયા આવે છે અને તેનો ભોગ બની જઈએ છીએ. આપણે સુખ અને સગવડ ઈચ્છીએ છીએ. આપણને ગમતો આહાર લઈએ છીએ. સગવડવાળા મકાનમાં રહીએ છીએ. સંબંધોમાં સાહજીકતા ધરાવીએ છીએ અને મનગમતો કામ-ધંધો કરીએ છીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિને માટે ‘આળસુ’ શબ્દનો પ્રયોગ કરવો એ જુલમ કર્યો કહેવાય તેમ ઘણા લોકોને લાગે છે. પણ એવું જ બન્યું છે. એક એવો સમાજ કે જે તરત જ મળતા સંતોષ ઉપર આધારિત છે. આપણે પહેલેથી જ પેકિંગ કરેલો અને તરત જ આરોગી શકાય તેવો આહાર પસંદ કરીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે બીજું કોઈ આપણા માટે આહાર બનાવે અને આપણને પીરસે! આપણે ઘરમાં અને બહાર પણ કોઈ આપણું કામ કરે તેમ ઈચ્છીએ છીએ. આપણે આ બધું જ ઈચ્છીએ છીએ.
હવે કાંઈ જ ન કરવાથી શરૂઆત કરો.
કદર કરતાં શીખો. ભલે તમને તમારું જીવન ગમે તેટલું દુઃખદાયક લાગતું હોય તેવું તમે વિચારતા હો છતાં પણ કાંઈક તો વખાણવા જેવું મળી જ રહે છે. ત્યારે એ મહત્વનું નથી હોતું કે તમારું શરીર રોગોથી પીડાતું હોય અને કદાચ તમારા અંતિમ શ્વાસ ચાલતા હોય. તમારી આંખો છેલ્લીવાર બિડાઈ જવાની હોય તેમ આજુબાજુ જુઓ, હું છાતી ઠોકીને કહું છું કે તમને તમારા ખંડમાં કોઈ તો સુંદર વસ્તુ મળી જ આવશે. ફૂલ, કોઈની આંખોમાં પ્રેમનો પ્રકાશ, કોઈનો મધુર અવાજ, કોઈના હાથનો સ્પર્શ, બારીમાંથી આવતાં ઉષ્માભર્યા રવિ કિરણો, કદર કરવા માટે તથા પ્રશંસા કરવા માટે હંમેશાં કાંઈ ને કાંઈ હાજર હોય જ છે.તંદુરસ્તી, સૌન્દર્ય અને સુખ મેળવવા માટેનું આ પહેલું પગથિયું છે.
તમે જતું કરો. તમે છોડી દો. તમે કોઈપણ વળગણને વળગી ન રહો. બસ, તમે જે થતું હોય તે થવા દો. જે ક્ષણમાં તમે તમારી જાતને અનંતને (ઈશ્વરને) હવાલે અથવા તમે જેમાં માનતા હો તેને હવાલે કરી દીધી હોય છે.એ ક્ષણે તમારો અહંકાર જતો રહે છે અને તમે બધી જ વસ્તુઓ સાથે તાદાત્મ્ય કેળવો છો, તમે એકરૂપ થઇ જાઓ છો.
જ્ઞાનપ્રાપ્તિ માટે આપણે આ પ્રથમ પગલું ભરવું જ જોઈએ. (અહીં જરા થોભો, આ વાતને તમારા ચહેરા સાથે બહુ સંબંધ છે). ‘જ્ઞાનપ્રાપ્તિ’ શબ્દ વિષે વિચારો. તેનો અર્થ છે પ્રકાશ પાડવો. આપણો કચરો જવા દેવો. આપણો બોજ હળવો કરવો. યાદ રાખો, તમે જન્મ્યા ત્યારથી તમારે જેની જરૂર હોય તેવી દરેક વસ્તુઓ તમારી પાસે હતી જ. એથી વધુ કાંઈ હોવું એ બોજો છે. આમાં કેવળ તમારા કબજામાં હોય તેવી ભૌતિક વસ્તુઓ કે જવાબદારીનો જ સમાવેશ થાય છે એવું નથી, પરંતુ તેમાં વિચારો, વ્યસનો, માનસિક વિકૃતિઓ, તાણ, દેવું અને ભય જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. આખરે જયારે આપણે એ બધું જતું કરીએ છીએ ત્યારે આપણે એ બધાથી મુક્ત થઇ જઈએ છીએ. હવે કોઈ ભય નથી. બીજું કાંઈપણ નથી. આપણે રાહતનો ઊંડો શ્વાસ લઈએ છીએ અને બધું છોડીને હળવાફૂલ થઇ જઈએ છીએ. જો તમારે પૂર્ણતા અનુભવવા માટે અને સુખી થવા માટે તમારી અનાવૃત્ત (નિર્વસ્ત્ર) કાયા સિવાયની કોઈ વસ્તુની જરૂર પડે તો તમને પૂરેપૂરું જ્ઞાનપ્રાપ્ત થયું છે તેમ ન કહેવાય.
જયારે પવિત્ર ગ્રંથો એમ કહે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે બધી જ ભૌતિક વસ્તુઓને જતી કરવી જોઈએ, ત્યારે તેનો અર્થ તેઓ એમ નથી કહેવા માંગતા કે તમારે શબ્દશઃ તે બધું જ છોડી દેવાનું છે! ઠીક છે, જો તમે ઈચ્છતા હો તો તમે તેમ કરી શકો છો અને તેથી આપણું કામ સરળતાથી અને ઝડપથી થઇ જશે. પરંતુ એ ઉપદેશનો અર્થ એ છે કે સુરક્ષિત, સુખી કે પરિપૂર્ણ થવા માટે તમારે એવી કોઈ વસ્તુની જરૂર ન પડવી જોઈએ કે ન હોવી જોઈએ.
તમે તેને તમારી પાસે રાખી શકો છો, પણ તમારે તેની જરૂર ન પડવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, એવું બને કે જો તેને લઇ લેવામાં આવે તો તેથી તમને ખાસ કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. ઘણા લોકો આનું અર્થઘટન એ રીતે કરે છે કે તેના બદલે કાંઈક વધારે સારું મળવાનું છે. કદાચ મળે પણ ખરું અને ન પણ મળે. પણ એ આપણો મુદ્દો નથી. જુઓ, તેમાં પણ નિર્ભરતા (કોઈના પર આધારિત રહેવાપણું) છે. તે સંજોગોમાં તમારું સુખ હજુ પણ એની આશા રાખે છે અને બીજું કાંઈક વધારે સારું આવવાનું છે તેના પર આધારિત રહે છે અને તેથી તે ખાલી સ્થાન ભરી રહ્યું છે. પરંતું ત્યાં ‘ખાલી’ હોય તેવું કાંઈ છે જ નહીં. એ તો ભ્રમણા છે, વહેમ છે.
જયારે હું એમ કહું કે, ‘જવા દો’. ત્યારે હું એમ નથી કહેવા માંગતો કે જીવવાનું છોડી દો. પણ હું એમ કહેવા માગું છું કે ‘હવે તો જાગો’!
આ ક્ષણે તમે તમારા મનમાંથી બધું કાઢી તેને સાફ કરો અને તમને જે કાંઈ કહેવામાં આવ્યું હોય તે બધું ભૂલી જાઓ. મનમાંથી બધો ભય કાઢી નાખો, બધી માન્યતાઓને અલવિદા કહી દો અને હાલના સમાજે તમને જે કાંઈ આપ્યું હોય તે પણ જવા દો. હવે કોઈપણ બાબતની ચિંતા કરવાની નથી. તેને જવા દો.
સહુથી વધારે મહત્વની બાબત છે આ ક્ષણ, આ સમય અને અત્યારે તમને કેવું લાગે છે તે. આવતીકાલ ભલે ક્યારેય ન આવે, તેનું કાંઈ મહત્વ નથી. ગઈકાલે અથવા ગયા મહીને કે ગત વર્ષે જે બન્યું હતું તેનું પણ હવે બહુ મહત્વ નથી. તમે તમારા શ્વાસ પ્રત્યે સભાન બનો, તમારી ત્વચા કેવું અનુભવે છે તે જુઓ. કોઈ ગર્ભવતી સ્ત્રી પોતાની અંદરના જીવનને જે રીતે અનુભવે તે રીતે, જયારે તમે સંપૂર્ણ જાગૃતિ અને હળવાશની અવસ્થામાં હો ત્યારે તમને તમારી અંદરના અસ્તિત્વની જે અનુભૂતિ થાય, હાથમાં હાથ રાખવાથી કે એક જ પરિવારના સભ્યની જેમ શ્વાસ લેવામાં જે અનુભવાય, તમારી સાથે નાની સફરે જવામાં શાંતિથી તમારી સાથે કામ કરવામાં, તમારી અંદર જે સ્પંદનો ઉઠે તે બધું સંભવ બને તે માટે તમે જાગૃત બનો.
આ બધાને તમારા ચહેરા સાથે શી નિસબત છે?
પૂરેપૂરી નિસબત છે, કારણ કે જો મેં હમણાં જે કાંઈ કહ્યું તે સમજવાની શરૂઆત નહીં કરો તો તમારો ચહેરો તંગ અને તાણગ્રસ્ત રહેશે અને તે નાજુક, સુંદર કે રૂપાળો નહીં રહે. શું હું આ વાતને આથી વધારે સરળ રીતે કહી શકું?
ચિત્ર ૧.કિડનીની ગંભીર સમસ્યાઓ, સોજો, નકામું ચીકાશયુક્ત દ્રવ્ય, પથરી, આંતરડા પર વધારે પડતો બોજો, સોજાયુક્ત પ્રોસ્ટેટ, હૃદયની ડાબી તરફની વૃદ્ધિ.
ચિત્ર ૨.લીવરની ગંભીર સમસ્યાઓ, દારુ પીવો અને માંસ ખાવું, અત્યંત ક્રોધ કરવો, પાચનની તકલીફ, વાયુ, પ્રોસ્ટેટની તકલીફો, નિદ્રાની મુશ્કેલી, જમણી તરફના અંગોનું અકડાઈ જવું, નાકમાં કે રક્ત પ્રવાહમાં અવરોધ થવો.
ચિત્ર ૩.લીવર અને કિડનીની ગંભીર સમસ્યાઓ, સંધિવા, પથરી, થાઇરોઇડની નાની મોટી સમસ્યાઓ, સ્મૃતિલોપ, આંત્રપુચ્છ પર સોજો, હોર્મોન અસંતુલન, અપચો, માથાનો દુખાવો, અશક્તિ, અનિદ્રા, મંદ શ્વાસોચ્છવાસ, પિત્તાશય કે મૂત્રપિંડ અને હૃદયને લગતી સમસ્યાઓ.
ચિત્ર ૪.પથરી સાથે કીડની પર સોજો, પીઠનું દર્દ, ઉચ્ચ રક્તચાપ (હાઈ બીપી), પ્રાણીજ પ્રોટીનનો અતિરેક, ખાંડ, આલ્કોહોલ, તાણ, મિથુન, કેફેન, ચોખા અને બ્રેડ, રક્તમાં ગ્લુકોઝની ઉણપ, મૂત્રપિંડમાં દાહ, હાઈપરટેન્શન.
ચિત્ર ૫.આંતરડામાં ભરાવો અને સોજો, આઈ.બી.એસ. ખાસ કરીને ઉતરતાં (નીચેનું આંતરડું), આંતરડામાં સોજો અને દાહ (બળતરા), આંત્રપુચ્છ પર સોજો, જનનાંગોમાં ગરબડ, પ્લેક (છારી) ને લીધે હૃદયનું નબળું પડવું, ધૂમ્રપાનથી ફેફસાનું નબળું પડવું.