ડેન્ગ્યુ વાયરસનો નવો સ્ટ્રેન: વધુ આક્રમક અને જોખમી,
ડેન્ગ્યુ વાયરસના લક્ષણોમાં પણ કેટલાંક બદલાવ જોવા મળી રહ્યા છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે ઓલમોસ્ટ વિરામ લઇ લીધો છે અને ચોમાસાનાં વિદાયની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે. મેઘરાજા જતા જતા થોડું વરસતા જાય એવી શક્યતા છે. જો કે, અત્યારે પાણીજન્ય રોગે ઉપાડો લીધો છે અને ઘરે ઘરે તાવનાં ખાટલા જોવા મળી રહ્યા છે. સાદો તાવ આવે તો તો બે-ત્રણ દિવસમાં ઉતરી જાય છે પણ ડેન્ગ્યુ થયો હોય તો સમસ્યા વધુ થાય છે.
ડેન્ગ્યુના જનક એડીસ મચ્છર દિવસના સમયે એકસાથે વધુ લોકોને કરડી જતા હોવાથી, વધુ વસતિ હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
આ તો આપણી સ્થિતિ થઇ પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ચિતા જન્માવે તેવી સ્થિતિ છે. કોરોના વાયરસની માફક ડેન્ગ્યુના વેરિયન્ટ્સ પણ સામે આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, DENV 2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે અને તે ઝડપથી ફેલાય છે. દિલ્હી એનસીઆરમાં એક તૃતીયાંશ કેસમાં આ સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ વાયરસ સંક્રમિત Aedes Aegypti માદા મચ્છરના કરડવાથી ફેલાય છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થના એક રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુના મુખ્ય ચાર સ્ટ્રેઇન છે જેમ કે – DENV-1, DENV-2, DENV-3 અને DENV-4, DENV 2 અથવા D2 અગાઉથી જ મોજૂદ હતા પરંતુ હવે આ બીજાં વેરિયન્ટ્સથી વધુ ગંભીર અને જોખમી બની ગયા છે. ખાસ વાત એ છે કે, આ સ્ટ્રેન પોતાની વિરૂદ્ધ ઇમ્યૂનિટી બનાવે છે, જ્યારે બીજો સ્ટ્રેન ફરીથી ડેન્ગ્યુની બીમારી કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, આ બંને સ્ટ્રેઇન મળીને જ્યારે હુમલો કરે છે તો ડેન્ગ્યુની સ્થિતિ જોખમી થઇ જાય છે.
દેશમાં D2 સૌથી વધુ આક્રમક
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ સાયન્સ દ્વારા મલ્ટી ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટડી અનુસાર, છેલ્લાં કેટલાંક વર્ષોમાં D2 સ્ટ્રેઇન સૌથી વધુ જોખમી બની ગયો છે. વર્ષ 2012 સુધી તેના D1 અને D3 સ્ટ્રેઇન વધુ આક્રમક હતા.
ડેન્ગ્યુના લક્ષણોમાં બદલાવ
D2 સ્ટ્રેનમાં લક્ષણોના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. જેમ કે, આ સ્ટ્રેનથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ અચાનક ઘટી જતા હતા. હવે તેનાથી ડેન્ગ્યુ હેમોરેજિક ફિવરનું જોખમ પણ વધી ગયું છે. આ સિવાય તાવ, માથાનો દુઃખાવો, આંખોમાં દુઃખાવો, સાંધાનો દુઃખાવો, ઉલટી-ઉબકાં, રેશિઝ, સતત તરસ લાગવી, કમજોરી, પેઢા અને નાકમાંથી લોહી નિકળવું વગેરે લક્ષણો જોવા મળી રહ્યા છે.
ડેન્ગ્યુ હેમોરેજિક ફિવર શું છે?
ડેન્ગ્યુ હેમોરેજિક ફિવર આ બીમારીનો સૌથી ગંભીર પ્રકાર છે. તેની ઓળખ તીવ્ર તાવ, હેમોરેજિક ફિનોમેના, હેપોટોમેગેલી અને સર્ક્યુલેટરી ડિસ્ટર્બન્સથી કરી શકાય છે. શરૂઆતમાં દર્દીને એનોરેક્સિયા, ઉલટી-ઉબકાં, માથા અને સાંધાનો દુઃખાવો રહે છે.
શું છે ઇલાજ?
ડેન્ગ્યુના સામાન્ય લક્ષણોમાં પણ તત્કાળ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ દરમિયાન પર્યાપ્ત તરલ પદાર્થ લેવાની સલાહ આપે છે. સાથે જ દુઃખાવાથી રાહત માટે પેરાસિટામોલ અથવા આઇબ્રૂપ્રોફેન કે એસ્પરિનનો ઉપયોગ ટાળવાની સલાહ આપે છે. ડેન્ગ્યુથી બચાવ માટે ઘર અથવા આસપાસ પાણી એકઠું ના થવા દો. આ હવામાનમાં હાથ પગ ઢંકાઇ જાય તેવા કપડાં પહેરો અને સારી ક્વોલિટીની મચ્છર ભગાવતી ક્રીમ લગાવો. ઘર અને ઘરની આસપાસ સફાઇનું વિશેષ ધ્યાન રાખો.