સલમાન રશ્દીનું અતિ વિવાદાસ્પદ પુસ્તક ‘ધ સેતાનીક વર્સીસ’ ઉપર મુકેલો પ્રતિબંધ ભારત ઉઠાવી લેશે ?
રાજીવ ગાંધી સરકારે પ્રતિબંધ મૂક્યાના 36 વર્ષ બાદ સલમાન રશ્દીની પ્રખ્યાત નવલકથા ‘ધ સેતાનિક વર્સિસ’ ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ આ પ્રતિબંધનું કારણ શું હતું અને શા માટે પુસ્તક આટલું વિવાદાસ્પદ થયું? દાયકાઓ સુધી આ પુસ્તક સતત ચર્ચામાં રહ્યું છે તેનું કારણ શું?
1988 માં પ્રતિબંધ
1988માં, ઇંગ્લેન્ડમાં ઉછરેલા ભારતીય મૂળના લેખક સલમાન રશ્દીએ તેમની ચોથી નવલકથા ધ સેતાનિક વર્સીસ પ્રકાશિત કરી. આ પુસ્તક પ્રકાશિત થયાના ટૂંક સમયમાં જ મુસ્લિમોમાં ગુસ્સો અને નારાજગીનું કારણ બની ગયું. ઘણા લોકો તેને ઇસ્લામ માટે અપમાનજનક માનતા હતા અને સલમાન રશ્દી પર ધર્મની અમુક માન્યતાઓની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો. તીવ્ર પ્રતિક્રિયાના કારણે, તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધી હેઠળની ભારત સરકારે શાંતિ અને જાહેર સ્થળો ઉપર વ્યવસ્થા જાળવવા પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો.
પ્રતિબંધ હવે નહિ રહે?
2024માં દિલ્હી હાઈકોર્ટમાં 1988ના પ્રતિબંધને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. અદાલતે સંશોધનના અંતે એવું તારણ કાઢ્યું હતું કે સરકાર મૂળ દસ્તાવેજ શોધી શકી નથી જેમાં પુસ્તકની આયાત પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ચાવીરૂપ દસ્તાવેજ વિના, અદાલતે અરજદારને કાયદાની પરવાનગી મુજબ કાર્ય કરવાની મંજૂરી આપતાં, પ્રતિબંધ કાયદેસર રીતે લાગુ પાડી શકાય તેમ ન હોય તે પ્રતિબંધને ગેરલાયક ઠેરવવાનું નક્કી કર્યું. આ નિર્ણય સાથે, ધ સેતાનિક વર્સિસ ભારતમાં ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે એવું ઘણાને લાગે છે.
વિવાદોનું મૂળ
વિવાદ થયો નવલકથામાં આવતા અમુક કોન્ટેન્ટને કારણે. તે નવલકથાની વાર્તામાં જિબ્રિલ ફરિશ્તા નામના પાત્રનો સમાવેશ થાય છે જેને ઘણા બધા સપનાઓ આઅવે છે, જેમાં ઐતિહાસિક અને ધાર્મિક વિષયોનું મિશ્રણ છે. આ સપનાઓમાં, પયગંબર મુહમ્મદની યાદ અપાવતું અન્ય એક પાત્રનું નામ “મહાઉન્ડ” છે. મધ્યયુગીન યુરોપમાં શેતાની આકૃતિઓ દર્શાવવા માટે આ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઘણા મુસ્લિમો માને છે કે રશ્દી પ્રોફેટને નકારાત્મક રીતે ચિત્રિત કરી રહ્યા છે.
તીવ્ર પ્રતિક્રિયા
આ નવલકથાના પ્રકાશન પછી, ધ સેટેનિક વર્સીસ એ વિશ્વભરના મુસ્લિમોમાં આક્રોશ ફેલાવ્યો. તે જે પણ બુકશોપના ડિસ્પ્લેમાં હોય તેમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના પ્રકાશક વાઈકિંગ પેંગ્વિન સામે બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. ફેબ્રુઆરી 1989માં આ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે હજારો લોકોએ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકન કલ્ચરલ સેન્ટર પર હુમલો કર્યો હતો, જેના પરિણામે છ લોકોના મોત થયા હતા.
ફતવા અને આંતરરાષ્ટ્રીય પડઘા
14 ફેબ્રુઆરી 1989 ના રોજ વિવાદ વધ્યો જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીએ ફતવો બહાર પાડ્યો કે રશ્દીને તેમના પુસ્તક માટે ફાંસી આપવામાં આવે. ફતવાએ માત્ર રશ્દીને જ નહીં પરંતુ નવલકથાના પ્રકાશન સાથે સંકળાયેલા લોકોને પણ નિશાન બનાવ્યા હતા. એક ઈરાની ધાર્મિક ફાઉન્ડેશને સલમાન રશ્દીના જીવન માટે $1 મિલિયનનું ઈનામ પણ ઓફર કર્યું હતું, જે પાછળથી વધીને $3 મિલિયન થઈ ગયું જો કોઈ ઈરાની લેખકને મારામાં સફળ થાય તો!
આ ફતવાના કારણે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડ્યા હતા. બ્રિટનમાં તે સમયે સલમાન રશ્દી રહેતા હતા. આવી ધમકીઓ મળતા બ્રિટિશ સરકારે તેમને પોલીસ રક્ષણ પૂરું પાડ્યું હતું. પોતાના દેશમાં ઉભી થઇ શક્તિ સંભવિત ધાર્મિક અશાંતિ અને સંભવિત કોમી તોફાનોથી બચવા માટે ભારત સહિત ઘણા દેશોએ આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો.
રશ્દીના સાથીદારો સામે પણ હિંસા
જેમ જેમ સલમાન રશ્દી અન્ડર ગ્રાઉન્ડ થતા ગયા તેમ તેમ તેની સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવાનું શરુ કરવામાં આવ્યું. 1991 માં, સલમાન રશ્દીના ઇટાલિયન અનુવાદક એટોર કેપ્રિઓલોને છરા મારવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. થોડા સમય પછી, તેમના જાપાની અનુવાદક હિતોશી ઇગારાશીની હત્યા કરવામાં આવી હતી. 1993 માં, પુસ્તકના નોર્વેજીયન પ્રકાશક વિલિયમ નાયગાર્ડને ગોળી વાગી હતી, પરંતુ તે બચી ગયો હતો. તુર્કીમાં, ટોળાએ રશ્દીના તુર્કી અનુવાદક અઝીઝ નેસિનને હોસ્ટ કરતી હોટલમાં આગ લગાવી, જેમાં 37 લોકો માર્યા ગયા, જે શિવસ હત્યાકાંડ તરીકે જાણીતું બન્યું. તેમાં નેસિન મોતથી બચી ગયો.
2022માં સલમાન રશ્દી પર હુમલો
ત્રણ દાયકાથી વધુ સમય પછી, ઓગસ્ટ 2022માં, ન્યુયોર્કમાં એક લેક્ચર દરમિયાન સ્ટેજ પર સલમાન રશ્દી પર હુમલો કરવામાં આવ્યો. એક વ્યક્તિએ તેના પર છરી વડે ઘણી વખત હુમલો કર્યો, જેના કારણે તેની જમણી આંખ ગુમાવવા સહિત ગંભીર ઈજાઓ થઈ. લાંબી તબીબી સારવાર બાદ સલમાન રશ્દીનો જીવ બચી ગયો. હુમલાખોરની ન્યુ જર્સીના હાદી માતરની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેણે દોષિત ન હોવાની કબૂલાત કરી હતી.
સલમાન રશ્દીએ પછીથી Knife: Meditations after an Attempted Murder પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં હુમલા અને તેના પછીના પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેણે ઉલ્લેખ કર્યો કે જો કે તે શરૂઆતમાં તેના વિશે લખવા માંગતો ન હતો, પરંતુ આ આઘાતજનક અનુભવ કંઈક એવો બન્યો જેને તે અવગણી શકે નહીં. આ બધા અનુભવોએ લેખકને નવું લખવા માટે પ્રેરણા આપ્પી.
અભિવ્યક્તિની સ્વતંત્રતા
વિવાદ હોવા છતાં, ઘણા વિદ્વાનો અને મુક્ત વાણીના સમર્થકો સલમાન રશ્દીના કાર્યનો એટલે કે તેના લખાણો બચાવ કરે છે. તેઓ દલીલ કરે છે કે તેમની “આક્રોશપૂર્ણ મજાક” એ એક સાહિત્યિક સંશોધન હતું, જે ધાર્મિક ગ્રંથોમાં શું પ્રશ્ન કરી શકાય તેની વિચારણા અને ચર્ચાઓની સીમાઓને આગળ ધપાવે છે. સલમાન રશ્દીએ પોતે ધાર્મિક વિચારોને પડકારવાના મહત્વ પર સતત ભાર મૂક્યો છે. 2015ના એક ઈન્ટરવ્યુમાં તેણે દલીલ કરી, “આપણે ઈસ્લામ પર કેમ ચર્ચા ન કરી શકીએ? કોઈ પણ વ્યક્તિના મંતવ્યો સાથે અસહમત હોવા છતાં પૂરતા આદર સાથે તેમની ઉગ્ર ટીકા કરવી શક્ય છે.”
‘ધ સેતાનિક વર્સેસ’ વિવાદે અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધાર્મિક સંવેદનશીલતા અને ટીકાની મર્યાદાઓ પર ચર્ચાને વેગ આપ્યો છે. કેટલાક તેને મુક્ત અભિવ્યક્તિના મહત્વનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ માને છે, જ્યારે અન્ય લોકો તેને પવિત્ર માન્યતાઓ પરના આક્રમક હુમલા તરીકે જુએ છે. આ ચર્ચા હજુ વણઉકેલાયેલી છે, જે ધાર્મિક લાગણીઓ પર આધારિત છે. જો ધ સેટેનિક વર્સીસ સંભવિતપણે ભારતીય બુકશેલ્વ્સ પર પાછી ફરશે તો પુસ્તક વિશે ચાલી રહેલી વૈશ્વિક ચર્ચા એ યાદ અપાવવાનું કામ કરે છે કે સાહિત્ય કેવી રીતે વૈશ્વિક પડકારો ઉભા કરી શકે છે, જનમાનસમાં ઉશ્કેરણી પ્રેરી શકે છે અને ક્યારેક તો એક કે વધુ સમુદાયોને ઊંડે સુધી નારાજ પણ કરી શકે છે. પુસ્તકનો ઇતિહાસ એ શબ્દોની શક્તિ અને તેમના પ્રભાવની અણધારી પ્રકૃતિનો પુરાવો છે. સાહિત્યને કારણે હિંસા જન્મે તે વાત ગળે ઉતારવી અઘરી છે. પણ સાહિત્યમાં પણ શું લખવું અને શું ન લખવું- એ પણ અલગ ચર્ચાનો વિષય છે.