દેશમાં લોકોના આરોગ્ય પર કેવું જોખમ સર્જાયું ? વાંચો
દેશમાં દિનપ્રતિદિન એન્ટી બાયોટિક દવાઓનો બેફામ ઉપયોગ ચિંતાનું કારણ બન્યો છે. દેશમાં એન્ટીબાયોટિકનો ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે અને જન આરોગ્ય જોખમમાં મુકાયું છે. આ અંગેનો સરકારી રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. જે મુજબ લોકોના પેટમાં ડોકટરો કાતિલ ઝેર ઉતારી રહ્યા છે.
વર્ષ 2019માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર આરોગ્યના ટોચના 10 જોખમોમાં એક જોખમ તરીકે એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સનો સમાવેશ કર્યોહતો. જેની પાછળનું મુખ્ય કારણ એન્ટી બાયોટિક દવાઓનો આડેધડ ઉપયોગ છે. તેને પબ્લિકના આરોગ્ય માટે ભારે જોખમી બતાવાઈ હતી. સરકારી રિપોર્ટમાં જાહેર આંકડાઓ ચિંતાજનક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ રિપોર્ટ જાહેર કર્યો હતો અને તેમાં એવો ઉલ્લેખ હતો કે ડોકટરો આંખો બંધ કરીને આવી દવાઓ લખી રહ્યા છે. પબ્લિકના આરોગ્ય પર જોખમ સર્જાયું છે.
20 હોસ્પિટલમાં થયો અભ્યાસ
આ અભ્યાસ 15 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 20 હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. આ સર્વે છ મહિનામાં 9,652 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલોમાં ડૉક્ટરોએ 71.9 ટકા દર્દીઓને એન્ટિ બાયોટિક્સ દવાઓ લખી હતી. 20 માંથી ચાર સંસ્થાઓએ 95 ટકાથી વધુ દર્દીઓને એન્ટિ બાયોટિક્સ દવાઓ સૂચવી હતી.
આ અભ્યાસ નવેમ્બર 2021 અને એપ્રિલ 2022 વચ્ચે કરવામાં આવ્યો હતો. તમાં મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તારણો બહાર પાડ્યા હતા. જેમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 45 ટકા દર્દીઓને સારવાર માટે એન્ટિ બાયોટિક્સ આપવામાં આવી રહી છે. જ્યારે 55 ટકા દર્દીઓને રોગથી બચવા માટે એન્ટિ બાયોટિક્સ આપવામાં આવી રહી છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 4.6 ટકા દર્દીઓએ ચાર કે તેથી વધુ એન્ટિ બાયોટિક્સ લીધી હતી.
રિપોર્ટમાં એમ જણાવાયું છે કે આરોગ્ય સંસ્થાઓએ સ્ટાન્ડર્ડ સારવાર અંગેની માર્ગદર્શિકાઓનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ચિંતાની વાત એ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જેની ભલામણ થઈ નથી તેવી દવાઓ મોટા પ્રમાણમાં લખવામાં આવી રહી છે. ઇનસટીટ્યુશનોએ આવી દવાઓના ઉપયોગનું મોનીટરીંગ કરવાની જરૂર છે.