જાન્યુઆરીમાં દિલ્હીથી શ્રીનગર સુધી દોડશે વંદે ભારત ટ્રેન
ટ્રેન અંબાલા, લુધિયાણા, જમ્મુ, કટરા થઈને ચિનાબ નદી પરના રેલવે બ્રીજ ઉપર પસાર થશે
૮૦૦ કિલોમીટરનું અંતર ૧૩ કલાકમાં કાપશે
ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
આગામી જાન્યુઆરીથી દિલ્હી અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ થાય તેવી સંભાવના છે. દિલ્હી અને શ્રીનગર વચ્ચેનું ૮૦૦ કિલોમીટરનું અંતર ૧૩ કલાકમાં કપાશે અને પ્રવાસીઓ સવારે ૮ વાગ્યે શ્રીનગર પહોંચશે. દિલ્હીથી આ ટ્રેન સાંજે ૭ વાગ્યે રવાના થશે. આ ટ્રેન વંદે ભારત સ્લીપર હશે. વંદે ભારત ટ્રેનોને દેશભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. વંદે ભારત ઓછા સમયમાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ઉત્તમ સુવિધાઓ આપે છે.
આ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ ખીણની ઘણી સુંદર જગ્યાઓ જોઈ શકશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રેન નવી દિલ્હીથી સાંજે સાત વાગ્યે ઉપડશે અને પછી રાતની મુસાફરી કરીને સવારે આઠ વાગ્યે શ્રીનગર પહોંચશે. આ સમયગાળા દરમિયાન, ટ્રેન અંબાલા, લુધિયાણા, જમ્મુ, કટરા જેવા સ્ટેશનો પર રોકાઈ શકે છે. દરમિયાન તે ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પરથી પણ પસાર થશે. આ પુલની ઉંચાઈ પેરિસના એફિલ ટાવર કરતા પણ વધારે અંદાજે 359 મીટર છે. આ દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ છે.
એવું માનવામાં આવે છે કે આ ટ્રેન ચેર કાર નહીં, પરંતુ ટૂંક સમયમાં જ વંદે ભારત સ્લીપર લોન્ચ કરવામાં આવશે. સ્લીપર વર્ઝન મુસાફરોની લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવ્યું છે, જેમાં મુસાફરો આરામથી સૂઈને આખી રાત મુસાફરી કરી શકશે. જો કે, ભારતીય રેલ્વેએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.