સીરિયામાં સત્તાપલટો થયો છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદને બળવાખોરોએ દેશ છોડવા મજબૂર બનાવ્યા છે. સીરિયાની રાજધાની દમિશ્કમાં બળવાખોરોએ રેલીઓ કરી સત્તાપલટો કર્યો હોવાની જાહેરાત કરી છે. અમેરિકાએ પણ એર સ્ટ્રાઈક શરૂ કરી દીધી છે. સીરિયામાં સત્તાપલટોની અસર ઓછા-વત્તા અંશે ભારત પર થવાની શક્યતા છે. ખાસ કરીને કાશ્મીરને લઈને ભારતની ચિંતા વધી શકે છે. અહીં આતંકી હુમલા વધવાનો ખતરો છે. જો કે જવાનો અહીં સતર્ક છે.
સીરિયામાંથી પલાયન કરી રશિયામાં આશરો લેનારા રાષ્ટ્રપતિ બશર અલ અસદ કાશ્મીર મુદ્દે ભારતના સમર્થક રહ્યા છે. તેઓ હંમેશાથી ભારતના પ્રત્યેક પગલાંઓને યોગ્ય ઠેરવતાં સમર્થન આપતાં રહ્યા છે. પરંતુ હવે સત્તાપલટો થયા બાદ ભારતની ચિંતા વધી છે. ઈસ્લામિક સહયોગ સંગઠનમાં પણ તુર્કી અને મલેશિયા જેવા દેશો પ્રત્યે સીરિયાનું વલણ ક્યારેય ભારત વિરૂદ્ધ રહ્યુ નથી.
કલમ 370 મુદ્દે વિરોધ હતો
ભારતે 2019માં કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરી ત્યારે તુર્કી જેવા દેશોએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ અસદ સરકારે સમર્થન આપતાં કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે. હવે તહરીર અલ શામ નામના સંગઠનનો સીરિયાની સત્તા પર કબજો થતાં ભારતનો આ મુદ્દે વિરોધ થવાની ભીતિ છે. કારણકે, તે તુર્કીનો સમર્થક છે. તુર્કી હંમેશાથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણને સમર્થન આપતુ રહ્યું છે. તેણે અવારનવાર ભારતની ટીકાઓ પણ કરી છે.
આ બળવાખોર સંગઠનને તુર્કીનું સંપૂર્ણ સમર્થન છે. તે લોકોને હથિયારો પણ પૂરા પાડે છે. અસદ સરકારની વિદાઈથી ઈસ્લામિક સ્ટેટ જેવા ખૂંખાર આંતકી સંગઠનો ફરી પાછા ઉભા થઈ શકે છે. ઈસ્લામિક સ્ટેટને 2014માં અસદ સરકારે રશિયા અને ઈરાનની મદદથી નષ્ટ કર્યા હતા. પરંતુ હવે તે ફરી પાછું માથું ઉંચુ કરી શકે છે. આઈએએસ જેવા આતંકી સંગઠન પણ કાશ્મીરમાં આતંક મચાવી શકે છે.