કિશોરે ક્રૂરતાની હદ વટાવી : અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતાં પુત્રએ પિતાને સળગાવી નાખ્યા
દિલ્હી નજીકના ફરીદાબાદના અજય નગરમાં એક ધૃણાસ્પદ ઘટના બની હતી. અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલા મુસ્લિમ કિશોરે ક્રૂરતાની હદ વટાવી સોમવારે મોડી રાત્રે પિતાને જીવતા સળગાવી હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી.
મૂળ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરનો 55 વર્ષીય મોહમ્મદ અલીમ ચાર મહિનાથી અજય નગરમાં તેના 14 વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ધાર્મિક સ્થળો માટે દાન એકઠું કરવાની સાથે અલીમ મચ્છરદાની અને અન્ય વસ્તુઓ વેચતો હતો.
સોમવારે રાત્રે જ્યારે અલીમે તેના પુત્રને અભ્યાસમાં ધ્યાન ન આપવા માટે ઠપકો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો. રાત્રે લગભગ 2 વાગે જ્યારે અલીમ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પુત્રએ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી.

ત્યારબાદ તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને તેના પિતાના મૃત્યુની રાહ જોતો બહાર ઉભો રહ્યો. લગભગ દસ મિનિટની જહેમત બાદ પડોશીઓ તેને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા તો કિશોર તેમને જોઈને ભાગી ગયો. જોકે, હવે પોલીસે તેને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી છે. આ ઘટના માતાપિતા માટે ચિંતા સમાન છે.