બોયફ્રેન્ડ ભાડે લો !! આ દેશમાં બોયફ્રેન્ડને રેન્ટ પર આપવાનો ટ્રેન્ડ, કારણ જાણીને ચોંકી જશો
વિયેતનામમાં બોયફ્રેન્ડને ભાડે આપવાનો ટ્રેન્ડ
ઘર, ગાડી, ઓફીસ, નર્સ, ડ્રાઈવર બધું ભાડે મળે. પણ બોયફ્રેન્ડ પણ ભાડે મળે શું? વિયેતનામની મહિલાઓમાં એક અનોખો ટ્રેન્ડ વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે – કુટુંબની અપેક્ષાઓ પૂરી કરવા માટે બોયફ્રેન્ડને ‘રિક્રુટ’ કરવા. આ પ્રથા એટલે પડી કે ત્યાંની યુવતીઓને પણ લગ્નનું દબાણ સતત આવતું હોય છે. જો બોયફ્રેન્ડ સાથે હોય તો તેમને ઘરના વડીલો બહુ પ્રેશર કરી શકતા નથી. વળી, તે લોકોના નવા લ્યુનાર વર્ષની ઉજવણીમાં દેખાદેખી માટે પણ સાથે એક બોયફ્રેન્ડ હોવો જરૂરી. એટલે નવો બીઝનેસ શરુ થયો – બોયફ્રેન્ડ ભાડે લો.
જુદા જુદા દેશના જુદા જુદા સમાજો કારકિર્દી, લગ્ન અને બાળકો જેવા જીવનના મહત્વપૂર્ણ સીમાચિહ્નો માટે સમયમર્યાદા નક્કી કરે છે. વિયેતનામ પણ તેમાંથી અપવાદ ન હોઈ શકે. ગુજરાત હોય કે વિયેતનામ એકલી રહેતી સ્ત્રી સામે બધા પ્રશ્નાર્થ ભરી આંખે જોતા હોય છે. તહેવારોમાં કોઈ સ્ત્રીને એકલું રહેવું ન પડે અને પડોશીઓ સવાલો ન પૂછે માટે તહેવારોની સિઝનમાં રેન્ટલ બોયફ્રેન્ડની જબરી ડીમાન્ડ હોય છે. આ સેવાઓ મહિલાઓને લાંબાગાળાના સંબંધમાં બંધાયા વિના પોતાના કુટુંબની અપેક્ષાઓને થોડા સમય માટે પૂરી કરવામાં સહાય મળે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે સ્ત્રીઓને આ સર્વિસ આસાનીથી મળી જાય છે. રેટ્સ પણ ફિક્સ્ડ હોય છે. ડેટ ઉપર જવા માટે કે આઉટીંગ માટે વીસેક ડોલર અને ફેમીલીના ફંક્શનમાં ભાગ લેવા માટે ચાલીસ ડોલર! આખુ તંત્ર સંપૂર્ણપણે વ્યાવસાયિક છે. કોન્ટ્રાક્ટમાં ઘણીવાર ભાવનાત્મક સંડોવણી અને પજવણીને પ્રતિબંધિત કરતી કલમોનો સમાવેશ થાય છે. બધું એકદમ પારદર્શક રહે છે.
વિયેતનામ એકમાત્ર દેશ નથી જ્યાં આ વલણ અસ્તિત્વમાં છે. ચીનમાં, જ્યાં લગ્નનો દર વિક્રમજનક નીચા સ્તરે છે, ત્યાં મિડ-ઓટમ ફેસ્ટિવલ જેવા તહેવારો દરમિયાન લવ-પાર્ટનરનેને ભાડે રાખવાનું સામાન્ય બની ગયું છે. ચીનમાં સીઝન દરમિયાન આ માટેની દૈનિક ફી 140 ડોલર સુધી પહોંચી શકે છે.
બોયફ્રેન્ડને ભાડે રાખવાની પ્રથા વ્યાપક સામાજિક મુદ્દાઓને પ્રતિબિંબિત કરે છે – જીવનની પસંદગીઓ પર પેઢીના સંઘર્ષથી લઈને પરંપરાગત અપેક્ષાઓનું પાલન કરવા માટે યુવાનો પર મૂકવામાં આવતા તીવ્ર દબાણ સુધીના ઘણા મુદ્દાઓ છે જે ચર્ચાતા નથી. આવી છટકબારીઓ આ ટૂંકા ગાળાની રાહત આપી શકે પણ આ કાયમી નિરાકરણ નથી. વડીલોનું પ્રેશર પણ વધુ હોય છે અને યુવાનો પણ જવાબદારી લેવામાંથી છટકે છે. બંને પેઢીઓએ સમજવું પડશે. નહીતર આ દુષણ બીજા વિસ્તારોમાં પણ ફેલાઈ શકે.