પારડી રોડ પર દેરી હટાવાતાં જ ચકમક ઝરી: વોર્ડ નં.૧૪ અને ૧૭માં કેબિન, કાચા-પાકા મકાનો તોડી કરોડોની જગ્યા ખુલ્લી કરાવાઈ
મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તુષાર સુમેરા દ્વારા ટાઉન પ્લાનિંગ શાખાને ખાસ કરીને ડિમોલિશન માટે `એક્ટિવ’ કરી દેવામાં આવતાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં બૂલડોઝર ધણધણાટી બોલાવી રહ્યું છે. આવું જ એક ડિમોલિશન વોર્ડ નં.૧૪માં ફાયર સ્ટેશન બનાવવા માટેના પ્લોટમાં કરવામાં આવ્યું હતું. અહીં ફાયર સ્ટેશન બનવાનું છે પરંતુ તેના પહેલાં ૩.૭૫ કરોડની આ જમીન પર કાચા-પાકા મકાનો ચણાઈ જતાં તાત્કાલિક તોડી પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વોર્ડ નં.૧૭માં બગીચો બનાવવા માટે ત્રણ કરોડ રૂપિયાનો પ્લોટ અનામત રાખવામાં આવ્યો છે પરંતુ ત્યાં પણ બગીચો બને તે પહેલાં મકાનો અને દુકાનો બની ગઈ હોવા છતાં તંત્રના ધ્યાને આવ્યું ન્હોતું. આખરે આ દબાણ ધ્યાને પડી જતાં તેને પણ તોડી પડાયું હતું.
આ જ રીતે વોર્ડ નં.૧૭માં હસનવાડી મેઈન રોડ ઉપર મહાપાલિકાના પ્લોટમાં ખડકાયેલી પતરાની કેબિન, સહકાર સોસાયટી મેઈન રોડ-કોઠારિયા મેઈન રોડ કોર્નર પરનો પ્લોટ કે જે હાઉસિંગ ફોર એસઈડલબ્યુએસ હેતુ માટે અનામત રખાયો હતો ત્યાં પણ મકાન ચણાઈ જતાં તેના પર બૂલડોઝર ફેરવી દઈ કુલ ૬.૯૨ કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
આમ તો ડિમોલિશન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું પરંતુ પારડી રોડ પર ભગવાનની દેરી હટાવાતાં જ થોડીવાર માટે ચકમક ઝરી હતી. અહીંના લોકોનું કહેવું હતું કે અહીં વર્ષોથી મંદિર આવેલું છે જેને તોડવું વ્યાજબી નથી અને જો તોડવું જ હોય તો પછી બીજી કોઈ જગ્યાએ મંદિર બનાવવા માટે જમીન આપવી જોઈએ.