ISROનું ઐતિહાસિક Proba-3 મિશન થયું લોન્ચ, જાણો શું છે તેનો હેતુ ?? શું પરીક્ષણ કરવામાં આવશે ?
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુરુવારે ઐતિહાસિક PSLV-C59 રોકેટ/PROBA-3 મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન બુધવારે ટેકનિકલ ખામીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. જેને રિસેડયુલ કર્યા બાદ આજે લોન્ચ કરવામાં આવ્યું હતું.
પ્રોબા-3 મિશન યુરોપના કેટલાક દેશોનો ભાગીદારી પ્રોજેક્ટ છે. આ દેશોના ગ્રુપમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનની કુલ કિંમત લગભગ 200 મિલિયન યુરો હોવાનું કહેવાય છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે, તેના દ્વારા પહેલીવાર અવકાશમાં ‘પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગ’નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એક સાથે ઉડાન ભરશે. આ ઉપગ્રહો સતત એક જ નિશ્ચિત કોન્ફિગરેશનને જાળવી રાખશે.
પ્રોબા-3 સેટેલાઇટનો અંતિમ હેતુ શું છે ?
પીએસએલવી-સી59 રોકેટ પ્રોબા-3 અવકાશયાનને ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ના સ્પેશિયલ કોમર્શિયલ મિશન હેઠળ એક ખાસ પ્રકારની ભ્રમણકક્ષામાં મોકલશે. પ્રોબા-3 એ યુરોપિયન સ્પેસ એજન્સીનું એક ખાસ મિશન છે, જેનો ઉદ્દેશ્ય અવકાશમાં ચોક્કસ ઉડાનની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે. તેની પાસે બે અવકાશયાન હશે – કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ (સીએસસી) અને ઓક્યુલ્ટર સ્પેસક્રાફ્ટ (ઓએસસી), જે એક સાથે લોન્ચ કરવામાં આવશે.
આ મિશન દ્વારા સૂર્યના કોરોના (બાહ્ય સ્તર)નો અભ્યાસ કરવામાં આવશે. તેની પાછળનું રહસ્ય આ સેટેલાઇટ દ્વારા ઉકેલવામાં આવશે. આ મિશન દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શા માટે સૂર્યનો બહારનો ભાગ એટલે કે કોરોના તેની સપાટી કરતા વધુ ગરમ છે. આ કામ કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ દ્વારા કરવામાં આવશે. ત્યાં એક ઓક્યુલ્ટર ડિસ્ક હશે, જેનું કદ લગભગ 1.4 મીટર છે અને તે 150 મીટરના અંતરથી કોરોના ગ્રાફના લેન્સ પર 8 સેન્ટિમીટરની છબી બનાવશે.