IPL 2025 : 13 વર્ષના વૈભવથી લઈ 42 વર્ષના એન્ડરસનનો બોલાશે ‘ભાવ’ : કુલ 574ખેલાડીઓની થશે હરાજી
આઈપીએલ-૨૦૨૫ની મોટી હરાજી ૨૪-૨૫ નવેમ્બરે સઉદી અરબના જેદ્દાહમાં થવાની છે. આ હરાજી માટે ૫૭૪ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. હરાજી માટે ૧૫૭૪ ખેલાડીએ નોંધણી કરાવી હતી પરંતુ અંતિમ યાદીમાંથી એક હજાર ખેલાડીઓને બહાર કરી દેવાયા છે. હરાજી માટે ૫૭૪ ખેલાડીઓમાં ૩૬૬ ભારતીય અને ૨૦૮ વિદેશી ખેલાડી છે જેમાં એસોસિએટ દેશના ૩ ખેલાડી પણ સામેલ છે. આમ તો આઈપીએલ-૨૦૨૫ માટે તમામ ૧૦ ટીમ પાસે કુલ ૨૦૪ ખેલાડીઓની જ જગ્યા છે મતલબ કે શોર્ટલિસ્ટ કરાયેલા ૫૭૪ ખેલાડીમાંથી મહત્તમ ૨૦૪ ખેલાડી જ વેચાઈ શકશે. આ વખતે તમામ ૧૦ ટીમના પર્સમાં કુલ ૬૪૧ કરોડ રૂપિયા બાકી છે. આ હરાજી ભારતીય સમય પ્રમાણે બપોરે ૩ વાગ્યાથી શરૂ થશે.
૫૭૪માંથી ૮૧ ખેલાડી એવા છે જેની મુળ કિંમત ૨ કરોડ રૂપિયા છે જ્યારે બાકીના ૨૭ની મુળ કિંમત દોઢ કરોડ રૂપિયા રખાઈ છે. આ ઉપરાંત ૧.૨૫ કરોડ, ૧ કરોડ, ૭૫ લાખ, ૫૦ લાખ, ૪૦ લાખ અને ૩૦ લાખ રૂપિયાની કિંમતના ખેલાડી પણ લિસ્ટમાં સામેલ છે.
આ હરાજીમાં ૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ જગ્યા મળી છે. વૈભવની બેસ પ્રાઈસ ૩૦ લાખ રૂપિયા છે. વૈભવનો જન્મ ૨૭ માર્ચ ૨૦૧૧ના થયો હતો અને હાલ તેની ઉંમર ૧૩ વર્ષ અને ૨૩૫ દિવસ છે. જ્યારે ૪૨ વર્ષનો જેમ્સ એન્ડરસન આ હરાજીમાં સામેલ થનારો સૌથી મોટી વયનો ખેલાડી છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને પોતાની કિંમત ૧.૨૫ કરોડ રૂપિયા રાખી છે. તેણે ૨૦૧૪થી કોઈ ટી-૨૦ મેચ રમી નથી અને ન તો ક્યારેય આઈપીએલનો હિસ્સો રહ્યો…