ખેડુત ખાતેદારોની ખરાઇ અંગેના નવા નિયમો ફટાફટ અમલવારી કરો
મહેસુલ સચિવ દ્વારા તમામ કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ
રાજકોટ : બિનખેતી અને હક્કપત્રકે નોંધણી સમયે ખેડુત ખાતેદારોને પડતી મુશ્કેલીઓ ધ્યાને લઇ રાજ્ય સરકારે ખેડૂત ખાતેદારની ખરાઇ અંગેના નવા નિયમો બનાવ્યા બાદ નિયમોની અમલવારીને લઈ ગુરુવારે મહેસુલ સચિવ દ્વારા તમામ જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું.
ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની પ્રક્રિયામાં ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. પરંતુ, વિવિધ કારણોસર આ પુરાવાઓ મળતાં ન હોવાથી વેચાણ નોંધો અને બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સા બનાતા હતા. જેને સરળ બનાવાયા છે. અને હવે 6 એપ્રિલ 1995 પછીના જ મહેસૂલી રૅકર્ડ ધ્યાનમાં લેવા સરકારે નક્કી કરી જરૂરી સુધારા પરિપત્રો કર્યા છે ત્યારે ગુરુવારે રાજ્યના મહેસુલ સચિવ દ્વારા તમામ જિલ્લા કલેકટર સાથે વીસી મારફતે બેઠક યોજી નવા નિયમોની અમલવારી અંગે જરૂરી સૂચનાઓ આપી હોવાનું ઇન્ચાર્જ જિલ્લા કલેકટર નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું, આ વિડીયો કોન્ફરન્સમાં અધિક કલેકટર ચેતન ગાંધી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.