યુપીની પેટા ચૂંટણીમાં કોંગી ઉમેદવારો સાયકલના પ્રતીક પર મેદાનમાં ઉતરશે
ઉત્તર પ્રદેશમાં નવેમ્બર માસમાં યોજાનારી નવ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષ તરીકે કોંગ્રેસના ઉમેદવારો પણ સમાજવાદી પાર્ટીના ચૂંટણી પ્રતીક ‘સાયકલ’ ઉપર ચૂંટણી લડશે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ જાહેરાત કરતાં કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન અકબંધ છે અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ખભે ખભા મિલાવી આ ચૂંટણી લડશે અને વિજય પ્રાપ્ત કરશે.
ઉત્તર પ્રદેશના આઠ ધારાસભ્યો સંસદની ચૂંટણીમાં વિજય થતાં અને એક બેઠક પરના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ગેરલાયક ઠર્યા બાદ નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના કરુણ રકાસ અને સમાજવાદી પાર્ટી તથા કોંગ્રેસના ઉજ્જવળ દેખાવ બાદ આ નવ બેઠકની ચૂંટણી ભારતીય જનતા પક્ષ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે. આ સંજોગોમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન બને એ પૂરી તાકાતથી ઝંપલાવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં સંસદની ચૂંટણીમાં સાત બેઠકો પર વિજય મળ્યા બાદ કોંગ્રેસે પેટા ચૂંટણી માટે પાંચ બેઠકો પર ટિકિટ માંગી હતી પણ અંતે બે બેઠક માટે સંમત થઈ ગઈ હતી. સમાજવાદી પાર્ટીએ બાકીની સાત બેઠકો પર પોતાના ઉમેદવારાના નામ જાહેર કરી દીધા છે.