રાજકોટમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય : યુવકના બેગમાંથી 40 હજાર રોકડ સેરવી લીધી
રાજકોટમાં ફરી રિક્ષા ગેંગ સક્રિય બની છે.જેમાં ગોંડલ રોડ ચોકડીએ રિક્ષામાં બેઠેલા મેંદરડાના યુવકને રીક્ષા ગેંગે શિકાર બનાવી 40 હજારની રોકડ સેરવી લેતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ મેંદરડાના આંબાળા ગામે રહેતા નરેન્દ્રભાઈ જેઠાભાઈ મકવાણા કામ સબબ રાજકોટ આવ્યા હતાં. ત્યારે ગોંડલ રોડ ચોકડીએ બસમાંથી ઉતરી તેમના બહેન ગોંડલ રોડ પાસે આવેલ નર્મદ ટાઉનશીપમાં રહેતા લીલાવતીબેનના ઘરે જવા માટે તેઓ રિક્ષાની રાહ જોતાં હતા ત્યારે એક રિક્ષા તેમની પાસે આવીને ઉભી રહી હતી અને તેમને મુસાફર તરીકે બેસાડી રિક્ષાચાલકે રિક્ષા હંકારી ત્યાથી થોડે દૂર ગયા બાદ રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સોમાંથી એક શખ્સે કહ્યું કે મારો પગ દુખે છે તમે થોડા સાઈડમાં હટી જાવ જેથી નરેન્દ્રભાઈ રિક્ષામાંથી થોડે દૂર બેઠા બાદ રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી મારે આગળ જવું નથી તમે ઉતરી જાવ તેવુ કહી અટિકા ફાટક પાસે ઉતારી ભાડુ માગ્યા વગર જતો રહ્યો હતો. અને નરેન્દ્રભાઈએ તેમની બેગ ચેક કરતાં તેમ રહેલા 40 હજાર રોકડા અને આધાર કાર્ડ જોવા ન મળતા માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.