- ફરિયાદમાં અન્ય બે શખ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો શા માટે તેમની તપાસ ન કરાઈ ? અદાલતે તત્કાલીન પીએસઆઈ આર.વી. ભીમાણી સામે આપ્યા ખાતાકીય તપાસનો આદેશ
રાજકોટ જીલ્લાના ભાયાવદરમાં ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપી માધવ વાઘેલાના ડીએનએ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં ભોગબનનારની જુબાનીના આધારે અદાલતે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે તેમજ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ બે શખસ સામે શા માટે તપાસ ન કરાઈ તે અંગે અદાલતે તત્કાલીન પીએસઆઈ આર.વી. ભીમાણી સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યા છે.
આ કેસની હકિકત મુજબ, ગત તારીખ 31/7/24 ના ભોગ બનનારના વાલી દ્વારા ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ કેસ ચાલવા પર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવ્યો હતો કે, ભોગ બનનાર તરફથી અને ફરિયાદી તરફથી પણ આરોપી સિવાય અન્ય બે ભોગ બનનારના મિત્ર હોવાનું જણાવવામાં આવેલું હતું. પોલીસ તપાસ દરમિયાન લેવાયેલ નમુનાઓમાં ભોગ બનનારને જે ગર્ભ રહેલ હતો તેના કુદરતી પિતા આરોપી માધવ ડાયા ન હોવાનું એફએસએલ પૃથક્કરણમાં માલુમ પડેલ હતું. અને આવા સંજોગોમાં આરોપી સામે ગુનો પુરવાર માની શકાય નહીં.સરકાર પક્ષે એડવોકેટ કાર્તિકેય પારેખ એ દલીલ કરેલી હતી કે ભોગ બનનારની માતાને મગજનું કેન્સર છે ભોગ બનનાર ની ઉંમર માત્ર 14 વર્ષ છે અને આ સમયગાળામાં ભોગ બનનારને ગર્ભવતી બનાવી દીધેલી છે, ફરિયાદ કરતા પહેલા પણ ભોગ બનનારે આરોપીને વિનંતી કરેલી હતી કે મને ગર્ભ નિરોધક ગોળીઓ અપાવે જેથી કરીને જે ગર્ભ રહી ગયેલ છે તે પડી જાય પરંતુ આરોપીએ તે અપાવેલ નહીં અને ત્યારબાદ ગુનો નોંધાયેલ હતો. જ્યારે ભોગ બનનાર સાથે એકથી વધારે વખત શરીર સંબંધનો કિસ્સો છે ત્યારે વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ શકાય નહીં.
બંને પક્ષકારોની રજૂઆતના અંતે અદાલતે આરોપી માધવ ડાયાભાઈ વાઘેલાને ૨૦ વર્ષની સજા અને વધુમાં અદાલતે જણાવ્યું હતું કે જયારે ડી.એન.એ રિપોર્ટ નેગેટિવ આવ્યું તો તપાસ અધિકારીએ ભોગબનનારનું ફરીથી નિવેદન કેમ ના લીધું અને ફરિયાદમાં જણાવેલ તેના બે મિત્રો જીગો નાનજીભાઈ સોલંકી તથા સમીર સુમારભાઈ જુણેજા વિરુદ્ધ શા માટે તપાસ ન કરી તે બાબતે તત્કાલીન પીએસઆઈ આર.વી.ભીમાણી સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયેલ છે.