ઐતિહાસિક નિર્ણય! SC એ કહ્યું- કલમ 370 કામચલાઉ વ્યવસ્થા હતી, હટાવવાનો નિર્ણય યોગ્ય હતો
આખરે સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચે ચુકાદો આપી દીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય યથાવત્ રાખતાં અને તે નિર્ણયને યોગ્ય ગણાવતાં સુપ્રીમકોર્ટે કહ્યું કે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણીનું આયોજન કરી દેવામાં આવે. આ સાથે સુપ્રીમકોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો પણ જલદી જ બહાલ કરી દેવામાં આવે.
રાષ્ટ્રપતિના નિર્ણયને બંધારણીય રીતે માન્ય ગણાવ્યો
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે રાષ્ટ્રપતિનો નિર્ણય બંધારણીય રીતે માન્ય હતો. કલમ 370 અસ્થાયી હતી. જમ્મુ-કાશ્મીરમાં બંધારણની તમામ જોગવાઈઓ લાગુ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિને કલમ 370 પર નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમની પાસે બંધારણીય સત્તા છે. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેનું કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.
ક્યારે હટાવાઈ હતી આ કલમ?
તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રના આ નિર્ણય પછી, જમ્મુ કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થતો હતો. આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાલમાં, આજે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રનો નિર્ણય બંધારણીય રીતે માન્ય હતો. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં શું કહ્યું?
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થઈ છે. વિકાસના કામો પણ તેજી જોવા મળી રહી છે. આતંકી ઘટનાઓ ઘટી છે. યુવાનો રોજગારી તરફ આકર્ષાયા છે. શિક્ષણ ક્ષેત્રે પણ પરિવર્તન આવ્યું છે. આરોગ્ય સેવાઓ માટે AIIMS બનાવવામાં આવી રહી છે.
ઐતિહાસિક ચુકાદો આપનાર બેન્ચમાં કયા કયા જજો સામેલ?
કલમ 370ને હટાવવાના નિર્ણયને યોગ્ય ગણાવતો ઐતિહાસિક ચુકાદો આપનારી સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચમાં સીજેઆઈ ડી.વાય.ચંદ્ર ચૂડ, જસ્ટિસન સંજય કિશન કોલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ હતા.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવેલા મહત્ત્વપૂર્ણ મુદ્દા…
- સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે, કલમ 370 એક ‘અસ્થાયી જોગવાઈ’ હતી. તેને સમાપ્ત કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હતી. કલમ 370 નાબૂદ કરવાની સૂચના જારી કરવાની રાષ્ટ્રપતિની સત્તા જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના વિસર્જન પછી પણ ચાલુ છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો રાષ્ટ્રપતિનો 2019નો આદેશ માન્ય હતો. રાજ્યની સ્થિતિ પણ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
- કોર્ટે કહ્યું કે સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવામાં આવે. એટલે કે સરકારે 9 મહિનામાં ચૂંટણી કરાવવાની રહેશે. જો કે સરકારે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તે ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. ચૂંટણી પંચ ગમે ત્યારે કાર્યક્રમ જારી કરી શકે છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેનું કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. ભારતમાં જોડાયા પછી જમ્મુ-કાશ્મીરમાં આંતરિક સાર્વભૌમત્વ નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, અમે માનીએ છીએ કે ભારત સંઘ સાથે વિલીનીકરણ બાદ તેની કોઈ આંતરિક સંપ્રભુતા નથી.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે કલમ 370 નાબૂદને પડકારતી અરજીઓ પર સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે.