પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને છાતીમાં ઈન્ફેક્શનની તકલીફ થતા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. . ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરોની વિશેષ ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત હજુ સુધી સ્થિર છે.
ગંગારામ હોસ્પિટલે સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે એક નિવેદન જાહેર કર્યું છે. હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સોનિયા ગાંધીને લાંબા સમયથી આ સમસ્યા છે. તેઓને રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવી છે.
અગાઉ પણ 3 માર્ચે સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ચેસ્ટ મેડિસિન વિભાગના નિષ્ણાંત ડોક્ટર અને તેમની ટીમે સોનિયા ગાંધીની સારવાર કરી હતી. તે પહેલા આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પણ સોનિયા ગાંધીને વાયરલ ઇન્ફેક્શનની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. એ સમયે રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રાને અધવચ્ચે જ છોડીને માતાની ખબર પૂછવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.