લાલ ડાયરીને તડકે મૂકો, આ ડાયરી વાચો
ટોલ્સટોય અને ગાંધીજી બન્ને એ લખ્યું હતું, ‘વાસના છૂટતી નથી’
રાજસ્થાનની લાલ ડાયરી આજકાલ ખૂબ ચર્ચામાં છે. ખુદ વડાપ્રધાન મોદી પણ તેમના ભાષણમાં એ ડાયરી નો ઉલ્લેખ કરી કોંગ્રેસને લબલબાવે છે. સામા પક્ષે ગેહલોત કહે છે કે આવી કોઈ ડાયરી અસ્તિત્વમાં જ નથી.બે દિવસ પહેલા શનિવારે ગૃહ મંત્રી અમિત શાહે રાજસ્થાનમાં સભા સંબોધતા કહ્યું કે ગેહલોત ના ભ્રષ્ટાચારની લાલ ડાયરી ખુલશે ત્યારે કોંગ્રેસીઓ જવાબ દેવા જેવા નહીં રહે.ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં લાલ ડાયરી કેન્દ્રસ્થાને આવી ગઈ છે.આપણે જો કે અહીં એ ડાયરી છે કે નહી તેની મગજમારી નથી કરવી.ગેહલોત ભાજપનું’ય માથું ભાંગે એવા છે.એ જવાબ આપશે અને ન આપે તો પણ તેઓ જાણે ને ભાજપ જાણે. આપણે એ પંચાત નથી કરવી. આપણે તો વાત કરવી છે ડાયરી લેખન અને વિશ્વની કેટલીક યાદગાર ડાયરીઓની. આપણા પ્રિય લેખક હરિન્દ્રભાઈ દવે કહ્યું હતું કે જેને લેખક બનવું હોય તે રોજ સવારે ઊઠીને લખવા બેસી જાય.કંઈ નહીં તો ડાયરી લખે. હરિન્દ્રભાઈએ એ સોનેરી સલાહ આપી તે પહેલાં પણ જૂના જમાનાના માણસોને પહેલેથી જ રોજનીશી લખવાની ટેવ હતી.મારા પિતાએ ખરીદીને વાંચેલી ધૂમકેતુ લિખિત કર્ણાવતી નવલકથાના પ્રથમ પ્રકરણના મથાળે નોંધ છે,’
વાચવા નું શરુ કર્યું,તા ૧૯/૦૮/૮૮,બપોરે ૩.૩૫ વાગ્યે’. ઘરના મોભી હિસાબની ડાયરી લખતા.દસ પેઇસાનો ખર્ચ પણ નોંધાતો.રોજબરોજ હાથ પરની મૂડી અને ખર્ચના હિસાબ કિતાબ થતાં. ડાયરી જાત સાથેનો સંવાદ છે. જિંદગીનો હિસાબ કિતાબ છે.તેમાં આનંદ, વિષાદ,આશા અને હતાશા અને વિચારોના આંતરિક સંઘર્ષની કથા લખાય છે.માણસ સાચાબોલો અને હિંમતવાન અને નિખાલસ હોય તો શારીરિક અને માનસિક સ્ખલનોની નોંધ પણ કરે.ગાંધીજીએ પોતે મોટી ઉમરે પણ વાસનામુક્ત નહોતા થઈ શક્યા તેવું તેમની ડાયરીમાં કબૂલ્યું હતું. ગાંધીજી દરરોજ ડાયરી અને ઢગલાબંધ પત્રો લખતા.છેલ્લે ૨૦૧૦માં એક ખાનગી વ્યકિતએ તેના કબજામાં રહેલી ગાંધીજીની ગુજરાતી ભાષામાં હસ્ત લિખિત ડાયરી ઇન્ડિયન નેશનલ મ્યુઝિયમને અર્પણ કરી હતી.ગાંધીજીએ તેમાં વાદળી શાહી અને કેટલીક જગ્યાએ પેન્સિલ દ્વારા ૧૩ એપ્રિલ ૧૯૪૭ થી ૨૯ ડિસેમ્બર ૧૯૪૭ સુધીના સમયગાળાની નોંધ કરી છે.ગાંધીજીના પત્ની કસ્તુરબા પણ ડાયરી લખતા હતા.૨૦૨૧માં ઇન્દોરના કસ્તુરબા આશ્રમમાંથી તેમની ૧૩૫ પાનની ગુજરાતી ભાષામાં લખેલી ડાયરી મળી આવી હતી.
બાદમાં તુષાર ગાંધીએ ‘લોસ્ટ ડાયરી ઓફ કસ્તુર, માય બા’ નામે પુસ્તકરૂપે એ ડાયરી પ્રસિદ્ધ કરી હતી.ગાંધીજીના અર્ધાંગિની થવું કેવું અઘરું હતું તેની ઝલક તેમાં મળે છે.ભારતના લગભગ દરેક સ્વાતંત્ર્ય સેનાનીઓ ડાયરી લખતા.જયપ્રકાશ નારાયણે કટોકટીમાં જેલવાસના ચાર મહિના દરમિયાન લખેલી ડાયરી પ્રીઝન ડાયરી તરીકે પ્રખ્યાત છે.નેહરુજી એ ડાયરી રૂપે નહી પણ જેલમાંથી ઇન્દિરા ગાંધીને લખેલા પત્રો ડિસ્કવરી ઓફ ઈન્ડીયા નામના પુસ્તકમાં અમર સ્થાન પામ્યા છે. સાચા ભારતને સમજવા માટે ભાજપના ભાઈઓ અને વોટસએપ યુનિવર્સિટીના સ્નાતકોએ એ પુસ્તક એક વખત વાચી જવું જોઈએ. પ્રણવ મુખરજીના જીવનનો એક પણ દિવસ એવો નહોતો જ્યારે તેમણે રોજનીશી ન લખી હોય.આ બધા મહાનુભાવોની ડાયરીઓ અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજ બની ગયા છે.
સર્વકાલીન મહાન રશિયન લેખક અને ચિંતક લીઓ ટોલ્સટોય નિયમિત ડાયરી લખતા હતા. તેઓ આજીવન નીતિમત્તા અને પાપાચારના માપદંડ નક્કી કરવામાં ઉલઝતા રહ્યા, આખી જિંદગી સેકસથી મુક્ત થવાનો સંઘર્ષ કરતા રહ્યા અને તેમા અસફળ રહ્યા.એ અપરાધભાવ તેમને કોરી ખાતો હતો.ડાયરીમાં ડગલે ને પગલે તેમની હતાશા અને માનસિક વલોપાત છલકે છે. તેમણે લખ્યું હતું,’ મારા પર શેતાન સવાર થઈ ગયો. ગુનો કરી લીધો હોય તેવી લાગણી થઈ. ગઈકાલે હું ફરીથી પતિ બની ગયો. મારે સંઘર્ષ છોડવો નથી પ્રભુ મને તેમ કરતા રોકે..’ તેમના શરૂઆતના સાહિત્ય સર્જનમાં તેમની ડાયરીનું નોંધપાત્ર પ્રદાન હતું.૧૯૫૧માં યુવાન વયે તેમને લશ્કરી સેવા માટે કોકેશસ મોકલવામાં આવ્યા ત્યારે ત્યાંના અનુભવો તેમજ સ્થાનિક લોકો સાથેના સંસર્ગ અને સંવાદે સમાજ અંગેની તેમની ધારણાઓ ઉપર ગાઢ અસર પાડી હતી.ટોલ્સટોય દરરોજ ડાયરીમાં એ બધા અનુભવો ટાંકી લેતા અને તેના પરથી તેમણે ‘ધ કોસાક્સ ‘નામની નવલકથા લખી હતી. કેટલીક ડાયરીઓ વિશ્વના ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.
નેધરલેન્ડમાં નાઝીઓના અત્યાચારથી બચવા માટે પોતાના પરિવાર સાથે એક દુકાનના ગુપ્ત ઓરડામાં ત્રણ વર્ષ સુધી સંતાયેલી એની ફ્રેન્ક નામની બાર વર્ષની યહૂદી બાળાએ 15 જૂન 1942 થી એક ઓગસ્ટ 1944 સુધી લખેલી ડાયરીને બીજા વિશ્વયુદ્ધ સમયનું સૌથી વધારે મહત્વનું પુસ્તક માનવામાં આવે છે. એ કિશોરીએ કિટ્ટી નામની કાલ્પનિક મિત્રને પત્રના સ્વરૂપમાં લખેલી એ ડાયરી હોલોકાસ્ટની ભયાનકતા,ચોવીસ કલાક ઝળુંબતા ભય, આશા અને નિરાશા, મૃત્યુ સામે ઝઝુમતી જીજીવિષા, ફેફસાં ફાડી નાખતી વેદના અને ચાર દિવાલ વચ્ચેના ગુંગળાવી દેતા બંધનમાંથી મુક્તિની પ્રબળ ઝંખનાનું આત્મ કથાનક છે. તેણે લખ્યું હતું,’ ભય,એકલતા અને દુઃખમાંથી મુક્તિનો એક જ ઉપાય છે અને તે છે ક્યાંક બહાર જવું,એવા સ્થળે જ્યાં સ્વર્ગ,પ્રકૃતિ અને ઈશ્વરના સાનિધ્યમાં નીરવ શાંતિ માણી શકાય.’એની નું ૧૫ વર્ષની વયે ૧૯૪૫ના માર્ચ મહિનામાં નાઝી કોન્સનટ્રેસન કેમ્પમાં બીમારીથી મૃત્યુ થયું ત્યારે તેના એક પણ પરિવારજન તેની સાથે નહોતા. બાદમાં એ જ્યાં સંતાઈ હતી તે સ્થળેથી તેની ડાયરી મળી જેં ‘ધ ડાયરી ઓફ એ યંગ ગર્લ’ ના નામે પ્રસિદ્ધ થઈ.એ પુસ્તકનો વિશ્વની ૭૦ ભાષાઓમાં અનુવાદ થયો છે.
ભારતની વાત કરીએ તો શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય માસ્ટર મહાશય શ્રી રામકૃષ્ણ સાથેની મુલાકાતો સમયે થયેલા વાર્તાલાપો અને પ્રસંગો યથા સ્વરૂપે નોંધી લેતા.એમની એ ડાયરી બાદમાં ‘ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ’ ( શ્રી રામકૃષ્ણ કથામૃત) નામે પ્રસિદ્ધ થઈ.રામકૃષ્ણ પરમહંસ ઉપર અઢળક પુસ્તકો લખાયાં છે પણ તેમનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર માસ્ટર મહાશય લિખિત આ પુસ્તકમાંથી મળે છે.લાખો કરોડો લોકોના જીવનમાં આધ્યાત્મ અને ભક્તિની જ્યોત પ્રગટાવવામાં આ પુસ્તક નિમિત્ત બન્યું છે.
અને હવે છેલ્લે, પ્લેટોએ જેને ‘ફિલસૂફ રાજા ‘ ગણાવ્યા હતા એ મહાન રોમન સામ્રાજ્યના અંતિમ સમ્રાટ માર્કસ ઓરેલિયસે ઇ.સ. ૧૬૧ થી ઇ.સ. ૧૮૦ દરમિયાન અવિરત યુધ્ધો,રક્તપાત અને હિંસા વચ્ચે પોતાનું મનોમંથન ડાયરી સ્વરૂપે લખ્યું હતું તેમને પણ યાદ કરી લઈએ. માર્કસ ઓરેલિયસને સ્ટોઇસિઝમ એટલે કે ઉદાસીનતાવાદ કે અનાસક્તિવાદના સર્વકાલીન મહાન તત્વજ્ઞ માનવામાં આવે છે. તેમની ડાયરી બાદમાં Meditation નામના પુસ્તકનું સ્વરૂપ પામી.તેમાં તેમણે લખ્યું હતું,’સુખ દુઃખ ચક્રની માફક ફરે છે માટે એ વિશે ઉદાસીન થઈ જવું.મૃત્યુને નજર સામે રાખીને, પ્રસિદ્ધિની પરવા કર્યા વિના, પ્રકૃતિના સિદ્ધાંતો પ્રમાણે સ્વસ્થતાથી સદજીવન જીવવું.’ તેમનું એક વાક્ય ખૂબ પ્રખ્યાત છે, ‘માણસ ધારે તો રાજમહેલમાં પણ સુખી થઈ શકે ‘.ડાયરીના અંતે તેમણે જે લખ્યું હતું તેમાં પૃથ્વીના પટ પરના એક એક માનવી માટેનો સંદેશો
હતો,’પસાર થઈ જાઓ તમારા માર્ગ પર, ચહેરા પર સ્મિત રાખીને, એની પાસે જે મોઢા પર સ્મિત સાથે તમને બોલાવી રહ્યો છે..’