ઈશ્વરીયા પાર્કમાં બોટિંગ શરૂ થવાના અણસાર, ટૂંકમાં નવી ગાઇડલાઇન
વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદથી બોટિંગ બંધ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 50 ફૂટ ઊંચાઈ ઉપર તિરંગો લહેરવાવાની કામગીરી, મિયાવાકી વન ખીલ્યું
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર સંચાલિત વેલી ઓફ વાઈલ્ડ ફ્લાવર એટલે કે, ઈશ્વરીયા પાર્કમાં વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદથી બંધ થયેલ બોટિંગ ટૂંક સમયમાં શરૂ થવાના નિર્દેશો ગુજરાત મેરિટાઇમ બોર્ડ મારફતે મળી રહ્યા છે. જીએમબી દ્વારા ટૂંક સમયમાં જ નવી ગાઇડલાઇન અમલી બનાવવામાં આવશે જે બાદ અહીં બોટિંગ શરૂ કરાશે,બીજી તરફ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઈશ્વરીયા પાર્કમાં હાલમાં મિયાવાકી વન ખીલી ઉઠ્યું હોવાનું તેમજ 50 ફૂટની ઉંચાઈએ તિરંગો લહેરાવવાની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ઈશ્વરીયા પાર્ક પીકનીક પોઈન્ટમાં આવતા સહેલાણીઓ માટે હળવા નાસ્તા માટે કેન્ટીન શરૂ કરવાની સાથે જ અહીં વનવિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ મિયાવાકી વનમાં વૃક્ષનો સુંદર વિકાસ થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. વધુમાં હાલમાં ઈશ્વરીયા પાર્કમાં કેક્ટ્સ ગાર્ડન અને 50 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટેની કામગીરી ચાલુ હોવાનું તેમને જણાવ્યું હતું.
બીજી તરફ રાજકોટના એકમાત્ર બોટિંગની સુવિધા જ્યાં છે તેવા ઈશ્વરીયા પાર્કમાં આગામી વેકેશન પૂર્વે જ બાળકો બોટીંગની મજા લઈ શકે તેવા સંકેતો વચ્ચે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજકોટ સહિતના સ્થળો વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદથી બંધ કરાવવામાં આવેલ બોટિંગ ફરીથી શરૂ કરવા માટે ગાઇડલાઇન નક્કી કરી લેવામાં આવી હોવાનું અને ટૂંક સમયમાં જ નવી ગાઇડલાઇન મુજબ ઈશ્વરિયામાં બોટિંગ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે.