અંધશ્રદ્ધાએ 5 વર્ષની બાળકીનો ભોગ લીધો : તાંત્રિકે માસૂમ બાળકીની કુહાડીથી ગળું કાપી કરી હત્યા, વાંચો સમગ્ર ઘટના
આઝાદીના વર્ષો પછી પણ આજેપણ આપણો સમાજ અંધશ્રદ્ધાના ખાડામાંથી બહાર આવી શક્યો નથી. ધીરે ધીરે આપણો દેશ એ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે ત્યારે તેનાથી વિપરિત અંધશ્રદ્ધાના નામે બનતી હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ આપણા દેશના ઘણા લોકોની પોકળ માનસિકતા છતી કરે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના છોટા ઉદેપુરમાં સામે આવી છે, જ્યાં ભૂવાએ તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી. આરોપી તાંત્રિક બાળકીના ઘરની સામે જ રહેતો હતો, તેને ઉઠાવી જઇને તેની બલી ચઢાવી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડ ભૂવા લાલુ હિંમત તડવીએ ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાંખવાની ઘટના બની છે. બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા. જેથી બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે ગામલોકોએ જાણ કરી હતી. મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે.
બીજા બાળકને પણ બલી ચઢાવતો પહેલા ઝડપાઈ ગયો
આ હત્યાના થોડા સમય પછી ભૂવા બીજા એક બાળકને પણ બલી આપવા લઈ જતો હતો, પણ ગામજનોએ જોઈ લીધું અને તાત્કાલિક અટકાવી દીધો. તેમણે બાળકને બચાવી પોલીસને જાણ કરી, જે બાદ મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા.
પોલીસે આરોપી ભૂવાની કરી ધરપકડ
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને લાલુ તડવીની તાત્કાલિક અટકાયત કરી છે. આ ઘટના ગામમાં ભય અને આક્રોશનું મોજુ ઉઠાવનાર બની છે, અને હવે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી ખાતરી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. અંધશ્રદ્ધાના નામે આવા ઘાતક અપરાધો સામે કડક પગલાં લેવાની જરૂર છે, અને આ ઘટનાએ ફરી એકવાર આંધળી માન્યતાઓને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકી છે.